Vadodara: સયાજીપુરામાં 13 તોલાના સોનાના દાગીના, 8 લાખ રોકડની ઘરમાંથી થઈ ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે અને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે શહેરમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેરના સયાજીપુરામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા છે. આજવા રોડના સયાજીપુરામાં આવેલી સેવાકુંજ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે.
પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો હાથફેરો કરી ગયા
પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા અને કલાકમાં જ તસ્કરોએ ચોરીનો ખેલ પાડી દીધો છે. તસ્કરો 13 તોલા દાગીના અને દીકરીના લગ્ન માટે એકત્ર કરેલા 8 લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. વહેલી સવારે 5 વાગ્યે બાઈક પર ચોરની ત્રિપુટી આવી હતી અને ગણતરીની મિનિટોમાં ચોરીની ઘટનાને અંજામ આપીને ચોર ત્રિપુટી ફરાર થઈ ગઈ છે.
તસ્કરો ઘરમાં લાગેલા CCTVનું ડીવીઆર પણ લઈને ફરાર થયા
એક જ બાઈક પર આવેલા ત્રણેય ચોર સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, ત્યારે ઘરમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગનું ડીવીઆર પણ આ ચાલાક તસ્કરો લઈ ગયા છે, જેથી કોઈ પુરાવા પોલીસને હાથમાં ના લાગે. આ સમગ્ર મામલે પ્રદીપ પરમારે કપૂરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવીને હાલમાં ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ગઈકાલે અમદાવાદના આરવ જ્વેલર્સમાંથી 70 લાખના સોનાની થઈ હતી ચોરી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા આરવ જવેલર્સના કર્મચારીએ મિત્રો સાથે મળીને આ લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ મિત્રો સાથે મળીને રૂપિયા 70.20 લાખના સોનાની ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટની ઘટના વધતી જાય છે. તમને જણાવી દઈએ કે આરવ જવેલર્સમાંથી કર્મચારી અને તેના મિત્રો 900 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયા હતા. ડિસેમ્બર 2024થી લઈને અત્યાર સુધીમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
What's Your Reaction?






