Surat News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ટીંબરવાથી પર્યાવરણ અને સ્વચ્છતાનો સંદેશ, ‘વૃક્ષને 3 વર્ષ સાચવો, એ આપણી પેઢીઓ સાચવશે’

Aug 24, 2026 - 21:30
Surat News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ટીંબરવાથી પર્યાવરણ અને સ્વચ્છતાનો સંદેશ, ‘વૃક્ષને 3 વર્ષ સાચવો, એ આપણી પેઢીઓ સાચવશે’

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલ સુરત જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલે ગામમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ સ્થળે પહોંચતાં જ ગ્રામજનોએ તેમનું ખૂબ જ ભાવભીનું અને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.

પીપળાના રોપાનું વાવેતર અને ગ્રામજનોનો ઉત્સાહ

મુલાકાતની શરૂઆત રાજ્યપાલના હસ્તે પીપળાના રોપાનું વાવેતર કરીને કરવામાં આવી હતી. તેમણે આ વૃક્ષની નિયમિત સારસંભાળ અને સંવર્ધન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. રાજ્યપાલની આ પહેલથી પ્રેરિત થઈને ગ્રામજનો પણ આ ઝુંબેશમાં જોડાણા હતા અને ગામમાં કુલ 1675 ફળાઉ તેમજ ઔષધિય વૃક્ષોનું ઉત્સાહપૂર્વક વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

માતાના નામે વાવેલા વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મૂરઝાવું કે મરવું ન જોઈએ. વૃક્ષો માત્ર મનુષ્યને જ નહીં પરંતુ અસંખ્ય જીવજંતુઓ અને પક્ષીઓને આશ્રય આપે છે. આપણને વૃક્ષોમાંથી ઓક્સિજન, ફળ-ફૂલ અને ઔષધિઓ જેવી અમૂલ્ય ભેટ મળે છે. માનવજીવન પૂર્ણ થયા પછી પણ વૃક્ષો સમાજ માટે ઉપયોગી રહે છે, તેથી વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું એ પરમ પુણ્યનું કાર્ય છે. તેમણે ગ્રામજનોને જન્મદિવસ કે અન્ય ખુશીના પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાનો અનુરોધ કર્યો હતો.

‘વૃક્ષને 3 વર્ષ સાચવો, એ આપણી પેઢીઓ સાચવશે’

પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં રાજ્યપાલે એક મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે, વૃક્ષને માત્ર 3 વર્ષ સાચવો, એ આપણી આખી પેઢીઓને સાચવશે. તેમણે ઉમેર્યું કે, ભોજન અને પાણી વિના મનુષ્ય થોડો સમય વિતાવી શકે છે, પરંતુ ઓક્સિજન વિના એક ક્ષણ પણ જીવવું શક્ય નથી. તેથી દરેક નાગરિકે પ્રકૃતિના રક્ષક બનીને વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષ જેવા પરોપકારી ગુણો પોતાના જીવનમાં કેળવવા જોઈએ.

મહાનુભાવો અને અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન. જી. ગામીત, પ્રાંત અધિકારી આર. જે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણી ભાવેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જાતે ઝાડુ પકડી ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ આપ્યો

વૃક્ષારોપણ બાદ રાજ્યપાલે ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાચા અર્થમાં સાર્થક કર્યો હતો. તેમણે પોતે હાથમાં ઝાડુ લઈને ટીંબરવા ગામની શેરીઓમાં સફાઈ કરી હતી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે તેમણે ગામના સ્વચ્છતા કર્મીઓનું બહુમાન કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક તંદુરસ્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બનશે.


આ પણ વાંચો - Kanda Express: ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા, હવે શહેર શહેર દોડશે કાંદા એક્સપ્રેસ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0