Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?

Aug 10, 2026 - 10:00
Sandesh Indepth :  12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

"સૌરાષ્ટ્રની ધરાનો સરતાજ એટલે આપણો એશિયાટિક સાવજ." આ માત્ર એક વાક્ય નથી, પરંતુ ગુજરાતની ઓળખ, ગૌરવ અને ગીરના ગર્જતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે આખી દુનિયાનું ધ્યાન ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહો તરફ જાય છે. આજે ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસતી 891 સુધી પહોંચી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના અસ્તિત્વ પર જ પ્રશ્નચિહ્ન ઊભું થયું હતું. એક તરફ રાજાશાહી શિકાર અને બીજી તરફ કુદરતી પડકારો વચ્ચે ગીરના સાવજે પોતાના અસ્તિત્વ માટે જંગ લડ્યો અને આજે વિશ્વભરમાં સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયો છે.

એશિયાટિક સિંહોનું અંતિમ આશ્રયસ્થાન 

ગીર માત્ર જંગલ નથી, પરંતુ એશિયાટિક સિંહોનું અંતિમ આશ્રયસ્થાન છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જંગલો સદીઓથી સાવજનું ઘર રહ્યા છે. અહીંનો દરેક રસ્તો, દરેક નદી અને દરેક વૃક્ષ સિંહના ઇતિહાસની સાક્ષી છે. પરંતુ આ ગૌરવની પાછળ એક કરુણ કથા પણ છુપાયેલી છે.

Gir Lion Population Rises to 891: Journey from 12 to Success

ગીરના સિંહો લગભગ લુપ્ત થવાની કગાર પર હતા

ઇતિહાસવિદ હરિશ દેસાઈ જણાવે છે કે 19મી સદીના અંત સુધીમાં ગીરના સિંહો લગભગ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા હતા. બ્રિટિશ અધિકારીઓ દ્વારા થયેલી શરૂઆતની ગણતરીમાં માત્ર 12 સિંહો નોંધાયા હતા. ત્યારબાદ 1883માં આ સંખ્યા 31 સુધી પહોંચી. સ્થિતિની ગંભીરતા સમજતા જૂનાગઢના નવાબે હરિપ્રસાદ દેસાઈને ગીર આબાદી અધિકારી તરીકે નિયુક્ત કર્યા. તેમણે 1904માં પિચકારી પદ્ધતિથી સિંહોની ગણતરી કરી અને 1905માં ગીરમાં લગભગ 100 સિંહો નોંધાયા. તે સમય માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી.

Gir Lion Population Rises to 891: Journey from 12 to Success

સંખ્યા ફરી ઘટીને 1913માં માત્ર 20 રહી ગઈ

પરંતુ વધતી વસતી સાથે રાજવી અને બ્રિટિશ અધિકારીઓનો શિકારનો શોખ પણ વધ્યો. ગીરમાં દેશ-વિદેશના મહેમાનો માટે વિશેષ શિકારનું આયોજન થતું હતું. ઝાડ ઉપર મંચાણ બાંધી ગાદલા, ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સ્થાનિક લોકોને શિકારની ખાસ તાલીમ આપવામાં આવતી હતી. તેઓ પહેલા સિંહને શોધતા, ત્યારબાદ તે વિસ્તારમાં મારણ મૂકી સિંહને ખેંચી લાવતા અને પછી વી.આઈ.પી. મહેમાનો તેનો શિકાર કરતા. પરિણામે માત્ર આઠ વર્ષમાં જ ગીરના સિંહોની સંખ્યા ફરી ઘટીને 1913માં માત્ર 20 રહી ગઈ.એક સિંહે કાર્નેગી પર હુમલો કર્યો

ઇતિહાસમાં 8 માર્ચ, 1905નો એક પ્રસંગ આજે પણ ચર્ચાય છે. ગવર્નર લોર્ડ લેમિંગ્ટનના શિકાર દરમિયાન ઘાયલ થયેલા એક સિંહે કાર્નેગી પર હુમલો કર્યો હતો. આ ઘટના ગીરના ઇતિહાસમાં નોંધપાત્ર માનવામાં આવે છે અને તે દર્શાવે છે કે અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો સાવજ અંતિમ શ્વાસ સુધી લડતો રહે છે.

Gir Lion Population Rises to 891: Journey from 12 to Success
1936માં થયેલી ગણતરીમાં 143 સિંહો નોંધાયા 

સિંહોની ઘટતી વસતીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રાજ્યએ શિકાર પર પ્રતિબંધ અને સંરક્ષણના પગલાં શરૂ કર્યા. હરિશ દેસાઈના જણાવ્યા મુજબ 1936માં થયેલી ગણતરીમાં 143 સિંહો નોંધાયા હતા, જેમાં 91 સિંહણો અને 53 બચ્ચાંનો સમાવેશ થતો હતો. જોકે શિકાર સંપૂર્ણપણે બંધ થયો નહોતો, તેમ છતાં સંરક્ષણના પ્રયત્નોએ સિંહોને નવી આશા આપી.સિંહોને બચાવવા માટે સંરક્ષણની વ્યાપક નીતિ અમલમાં મૂકી

સ્વતંત્રતા પછી ગુજરાત સરકારે ગીરના સિંહોને બચાવવા માટે સંરક્ષણની વ્યાપક નીતિ અમલમાં મૂકી. શિકાર પર કડક પ્રતિબંધ, જંગલોના સંરક્ષણ, વન્યજીવ બચાવ દળ, પશુચિકિત્સા સુવિધાઓ અને વૈજ્ઞાનિક અભિગમના કારણે ગીરમાં સિંહોની વસતી સતત વધતી રહી. આજે વિશ્વમાં એશિયાટિક સિંહોની એકમાત્ર જંગલી વસતી ગુજરાતમાં છે.

Gir Lion Population Rises to 891: Journey from 12 to Success
2025ની 16મી સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો 

2025ની 16મી સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે. 2020માં આ સંખ્યા 674 હતી. માત્ર પાંચ વર્ષમાં થયેલો આ વધારો વિશ્વના સૌથી સફળ વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે. આ વખતે ગણતરી 11 જિલ્લાઓના 58 તાલુકા અને લગભગ 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કરવામાં આવી હતી. GPS, ડિજિટલ મેપિંગ અને આધુનિક ટેક્નોલોજી સાથે હજારો કર્મચારીઓએ આ કામગીરી પૂર્ણ કરી હતી.આખા સૌરાષ્ટ્રમાં સિંહોની હાજરી જોવા મળે છે

આજે ગીરના સિંહો માત્ર ગીર નેશનલ પાર્કમાં જ નથી. તેઓ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર સુધી કુદરતી રીતે વિસ્તરી ચૂક્યા છે. હરિશ દેસાઈ કહે છે કે આજે લગભગ આખા સૌરાષ્ટ્રમાં સિંહોની હાજરી જોવા મળે છે, જે સંરક્ષણની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ છે.દરેક સિંહ પોતાની નિશ્ચિત ટેરિટરી ધરાવે છે.

ગીર પશ્ચિમ વિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર જણાવે છે કે દરેક સિંહ પોતાની નિશ્ચિત ટેરિટરી ધરાવે છે. તે સતત પોતાના વિસ્તારમાં ચક્કર લગાવે છે અને તેને સુરક્ષિત રાખે છે. પુખ્ત નર સિંહનો વિસ્તાર મોટો હોય છે, જ્યારે સિંહણ બચ્ચાં સાથે નાના વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. સિંહ પોતાના પંજાના નિશાન, શરીરની ગંધ અને અન્ય કુદરતી સંકેતો દ્વારા પોતાની ટેરિટરી ચિહ્નિત કરે છે. બીજો સિંહ તે વિસ્તારમાં પ્રવેશે તો બંને એકબીજાને જોયા વગર પણ ગંધ અને પંજાના નિશાનથી સમજી જાય છે કે આ વિસ્તાર પહેલેથી જ કોઈ બીજા સિંહનો છે. આ જ કારણ છે કે ગીરમાં સિંહો વચ્ચે અનાવશ્યક સંઘર્ષ ઓછો જોવા મળે છે.

Gir Lion Population Rises to 891: Journey from 12 to Success
કુદરતી વિસ્તરણ જ ગીરની સૌથી મોટી સફળતા

પ્રશાંત તોમરના જણાવ્યા મુજબ ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય આજે પણ સિંહોની સૌથી મોટી સોર્સ પોપ્યુલેશન છે. અહીંથી યુવા સિંહો નવા વિસ્તારની શોધમાં બહાર નીકળે છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાની નવી ટેરિટરી બનાવે છે. આ કુદરતી વિસ્તરણ જ ગીરની સૌથી મોટી સફળતા છે.સિંહ પરિવાર સાથે રહે છે

ગીરનો સાવજ માત્ર શક્તિશાળી જ નથી, પરંતુ અત્યંત સામાજિક પ્રાણી પણ છે. અન્ય મોટી બિલાડી પ્રજાતિઓથી વિપરીત સિંહ પરિવાર સાથે રહે છે. આ જૂથને 'પ્રાઇડ' કહેવાય છે. સિંહણો શિકાર કરે છે, બચ્ચાંની સંભાળ રાખે છે અને આખો પરિવાર મળીને જીવન જીવતો હોય છે. આ સામાજિક વ્યવસ્થા એશિયાટિક સિંહને અનોખો બનાવે છે.સિંહોની ઓળખ માટે અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ

વન વિભાગ સિંહોની ઓળખ માટે અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે છે. વાઘની જેમ પટ્ટીઓ અથવા દીપડાની જેમ રોઝેટ્સ ન હોવાને કારણે દરેક સિંહની ઓળખ ચહેરાના આકાર, કાનની રચના, પૂંછડીના કાળા ગુચ્છા, શરીરની રચના અને અન્ય કુદરતી લક્ષણોના આધારે કરવામાં આવે છે. સતત પેટ્રોલિંગ, રેસ્ક્યૂ ટીમો, રાત્રિ ગશ્ત અને આધુનિક મોનિટરિંગના કારણે 2008 પછી ગીરમાં સંગઠિત શિકારનો કોઈ નોંધપાત્ર બનાવ સામે આવ્યો નથી. સિંહ સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રહી છે. 'ગીર સંવાદ સેતુ' જેવા કાર્યક્રમો દ્વારા ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે વિશ્વાસનો સંબંધ મજબૂત બન્યો છે. જેના કારણે માનવ-સિંહ સંઘર્ષમાં ઘટાડો થયો છે અને લોકો પણ સિંહોના રક્ષણમાં ભાગીદાર બન્યા છે.

Gir Lion Population Rises to 891: Journey from 12 to Success
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું એશિયાટિક સિંહોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન 

જૂનાગઢનું ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પણ એશિયાટિક સિંહોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. અહીં કન્ઝર્વેશન બ્રીડિંગ, જીન પૂલ જાળવણી અને ઇનબ્રીડિંગ અટકાવવા માટે વૈજ્ઞાનિક સ્ટડબુક જાળવવામાં આવે છે. સક્કરબાગમાંથી દેશના 20થી વધુ પ્રાણી સંગ્રહાલયો અને વિદેશના અનેક ઝૂમાં સિંહો મોકલવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે પણ એશિયાટિક સિંહોના સંરક્ષણને નવી દિશા મળી છે.ગીરના જંગલોમાં સાવજની ગર્જના

આજે જ્યારે ગીરના જંગલોમાં સાવજની ગર્જના સંભળાય છે, ત્યારે તે માત્ર એક પ્રાણીનો અવાજ નથી. તે સંરક્ષણ, સંકલ્પ અને સહઅસ્તિત્વની ગર્જના છે. એક સમયે માત્ર 12 સિંહો સુધી સીમિત થઈ ગયેલી પ્રજાતિ આજે 891 સુધી પહોંચી છે. આ સફર સાબિત કરે છે કે રાજકીય ઇચ્છાશક્તિ, વૈજ્ઞાનિક અભિગમ, વન વિભાગની સતત મહેનત અને સ્થાનિક સમાજના સહયોગથી લુપ્ત થતી પ્રજાતિને પણ નવી જિંદગી આપી શકાય છે.કુદરત પ્રત્યેની આપણી જવાબદારી યાદ અપાવતો દિવસ 

વિશ્વ સિંહ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ કુદરત પ્રત્યેની આપણી જવાબદારી યાદ અપાવતો દિવસ છે. ગીરનો એશિયાટિક સાવજ માત્ર ગુજરાતની આન, બાન અને શાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે સફળ વન્યજીવ સંરક્ષણનું જીવંત પ્રતીક છે. ગીરની આ ગર્જના આવનારી પેઢીઓ સુધી ગૂંજતી રહે, એ જ વિશ્વ સિંહ દિવસનો સાચો સંદેશ છે.


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0