Panchmahalના શહેરાના ધમાઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે ખરાબ રોડની ઉઠી સમસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલના શહેરાના ધમાઈ ગામમાં આવેલ ટેકરી ફળિયાના મતદારોએ રસ્તાની સમસ્યાને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે અહીંના રસ્તા સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ આજ દિન સુધી નહીં આવતા રસ્તો નહીં તો વોટ નહી તેવા સૂત્રો સાથે મતદાનના દિવસે અહીંના મતદારો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
સ્થાનિકોએ સ્વ ખર્ચે રસ્તો બનાવ્યો
પંચમહાલના શહેરા તાલુકાના ધમાઈ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 2 માં ટેકરી ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાને લઈને અહીંના જાગૃત ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી લઈને લાગતી વળગતી કચેરી ખાતે અનેક રજૂઆત કરવામાં આવી હતી, જાગૃત ગ્રામજનો દ્વારા વર્ષ 2019 થી ટેકરી ફળિયામાં અવર જવરનો કાચો રસ્તો પાકો બને તે માટે અનેક રજૂઆત કરવા છતાં આ રસ્તો પાકો નહીં બનતા આ વિસ્તારના રહીશોએ ફાળો એકત્રિત કરીને સ્વખર્ચે બાઈક અને પગપાળા અવર-જવર કરી શકાય તેવો કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી સ્થાનિકોએ
જોકે ત્યારબાદ પણ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા રસ્તો પાકો બને તેવી આશા અને ઉમ્મીદ સાથે રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં આ ફળિયાનો અવર-જવરનો મુખ્ય રસ્તો ઉબડખાબડ અને પગપાળા પણ નીકળવું મુશ્કેલરૂપ બની જતા ટેકરી ફળિયાના ગ્રામજનોએ આ વખતની યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. વોર્ડ નંબર 2 માં અંદાજિત 218 જેટલા મતદારો આવેલા હોવા સાથે મતદારો દ્વારા વર્ષો જૂની પાકા રસ્તાની માંગણીને લઈને રસ્તો નહીં તો વોટ નહી તે સહિતના અનેક સૂત્રોના લખાણ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને અહીંની મુલાકાત લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે.
ગ્રામજનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો
મહત્વનું છે કે કાચા રસ્તા પર મસ મોટા ખાડા પડી જવા સાથે ઉબડખાબડ બની જતા અહીં કોઈ બીમાર પડે તો 108 ને પણ આ ફળિયામાં આવતા વધુ સમય લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોય તેમજ ચોમાસામાં પણ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને અને બાળકોને અભ્યાસ કરવા માટે જવામાં પણ તકલીફ પડતી હોવાનું અહીંના ગ્રામજનો એ જણાવ્યું હતુ.સાથે રસ્તા સહિતના અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 22 જૂનના રોજ યોજાનાર આ ચૂંટણીમાં આ વિસ્તારના ગ્રામજનો મતદાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહીંના જાગૃત મતદારો પાસેથી જાણવા મળ્યુ હતુ.
વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તેના પર સૌ ગ્રામજનોની મીટ મંડાઇ હતી
ટેકરી ફળિયાના ગ્રામજનોની વર્ષો જૂની પાકા રસ્તાની માંગ 22 જૂનના રોજ થનાર ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સંબંધિત તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવશે કે નહીં એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહી, ઉલ્લેખનીય છેકે ધમાઈ ગામના વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ ટેકરી ફળિયાના રહીશોએ પાકા રસ્તાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી જોકે આ વોર્ડની સભ્યપદની ચૂંટણીમાં ઉમેદવાર બિન હરીફ થયેલ હતા.ત્યારે વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તેના પર સૌ ગ્રામજનોની મીટ મંડાઇ હતી.
What's Your Reaction?






