રાતનું અંધારું ઓઢીને આવતા એક દીપડાએ નવસારી જિલ્લામાં ભારે ઉત્પાત મચાવ્યો છે.જંગલ તરફથી ગામમાં આવતો એ દીપડો કડકડતી ઠંડી માં લોકો ને ધ્રુજાવી રહ્યો છે.દીપડાનો ત્રણ મહિનામાં છ થી વધુ લોકો ભોગ બન્યા છે.જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં દીપડાના ભારે ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બનેલા લોકો રાત્રી પેહરો ભરી રહ્યા છે.સાથે જ દીપડાના આતંકથી બચાવ માટે મદદ માંગી રહ્યા છે.
દીપડાના કારણે આખી રાતનો કરવો પડવો છે ઉજાગરો
આ વાત છે નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર વાંસદા તાલુકાની.વાંસદા તાલુકા સંપૂર્ણ જંગલ આચ્છાદિત વિસ્તાર છે.અને અહીના જંગલો આરક્ષિત પણ છે.વીસ હજાર હેકટર વિસ્તારમાં ફેલાયેલું જંગલ વન્ય જીવસૃષ્ટિથી પણ સમૃદ્ધ છે.અને આજ આરક્ષિત જંગલ વિસ્તારની નજીક અથવા તો કહો કે જંગલ માં જ માનવ વસ્તી એટલે કે કેટલાક ગામડા પણ વસ્યા છે.જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોને હવે ચોપગા આતંકનો ભય સતાવી રહ્યો છે.છાના પગલે આવતો અને રાત્રિના અંધકારમાં અલોપ થઈ જતો એ ચોપગો એટલે ખૂંખાર વન્ય પ્રાણી દીપડો.
વાંરવાર આવી જાય છે દીપડો ગામમાં
વાંસદા તાલુકાના ધાકમાળ, ઉપસળ,ખાંભલા,સીતાપુર,આંબાબારી,મોટી વાલઝર,રૂપવેલ સહિત ના ગામો માં દીપડાએ આતંક મચાવ્યો છે.વીતેલા ત્રણ માસમાં છ થી વધુ લોકો ઉપર દીપડાએ હુમલા કર્યા છે.જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.તો બીજી તરફ વાંસદા તાલુકાનો વન્ય વિસ્તાર નજીક નાજ સાદકપોર ગામની એક મહિલા ને દીપડાએ ફાડી ખાધી હતી.મહિલાના મોત ની ઘટના ને હજી થોડા મહિના જ વીત્યા છે.ત્યાં ફરીથી આતંકી ચોપગા નો આતંક વધતા હવે લોકો ફફડી ઉઠ્યા છે.
લોકો શાંતિથી ઉંઘી શકતા નથી
કોઈ ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂત ઉપર એ દીપડો હુમલો ના કરી દે,એ ભય થી લોકો ધ્રુજી ઉઠ્યા છે.વાંસદા તાલુકાના આ ગામોમાં હવે લોકો નિરાંતની નીંદર માણી શકતા નથી.ગામ ના લોકો હવે ભેગા મળી હાથ માં સળગતી મશાલ ના અજવાળે દીપડા ને ગામથી દૂર રાખવા પ્રયાસ કરી રહ્યા છે.તો કેટલાક ગામો માં લોકો મોટી ટોર્ચ અને હાથ માં લાકડા સાથે ગામ માં આતંકી આવી ન જાય તે માટે પેહારો ભરી રહ્યા છે.તો બીજી તરફ ગામ ની મહિલાઓ પણ બાળકો ને જોડે રાખી રાત ના ઉજાગરા કરી રહી છે.
વાસંદા તાલુકામાં દીપડાનો વધ્યો આતંક
કડકડતી ઠંડીના દિવસોમાં દીપડાના ભયથી ધ્રુજી ઉઠેલા ગ્રામજનો હવે મદદનો પોકાર કરી રહ્યા છે.જંગલમાંથી માનવ વસ્તી સુધી પોહચી ગયેલા અને હુમલાખોર બનેલા એ આતંકી ચોપગા પાંજરે પુરાય તે માટે લોકો ગુહાર લગાવી રહ્યા છે.દીપડા ના હુમલા અને આતંક વધતા વન વિભાગ પણ સતર્ક બન્યું છે.વન વિભાગ દ્વારા વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ સભાઓ કરવામાં આવી રહી છે.અને દીપડા થી બચવા માટેના વિશેષ સૂચનો આપવામાં આવ્યા છે.
દીપડાની ગતિવિધી પર વન વિભાગની નજર
દીપડાના ભય હેઠળ જીવવા મજબૂર બનેલા લોકોની મદદ માટે વન વિભાગે વિશેષ પ્રયત્નો પણ હાથ ધર્યા છે.વન વિભાગ દ્વારા વાંસદા તાલુકાના પાંચથી વધુ ગામોમાં ૧૮ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.જે પૈકી દસ પાંજરા તો ૨૬મી જાન્યુઆરીએ બાળક ઉપર હુમલો થયેલ ધાકમાળ ગામમાં જ ગોઠવી દેવામાં આવ્યા છે.ગોઠવાયેલા પાંજરા સાથે વન વિભાગ ટ્રેપ કેમેરા અને સીસીટીવી કેમેરા નો પણ ઉપયોગ કરી રહ્યું છે.અને દીપડાની તમામ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વન વિભાગ દીપડાને પાંજરે પૂરવા ભારે મથામણ કરી રહ્યું છે
રાત્રિ દરમિયાન પણ સીસીટીવી કેમેરા દ્વારા દીપડા ઉપર નજર રાખવામાં આવી રહી છે. ચોપગાનું પગેરું દબાવવા પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પરંતુ ચાલાક બની ચૂકેલા દીપડો હજી પાંજરે પુરાયો માંથી.જોકે વન વિભાગ દ્વારા બે ત્રણ દિવસ માંજ દીપડો પાંજરે પુરાઇ જસે તેવો આશાવાદ સેવવામાં આવી રહ્યો છે.માનવ અને વન્ય જીવ વચ્ચે વધી રહેલો સંઘર્ષ હવે ચિંતા નું કારણ બન્યો છે.માનવ વસ્તી નો વધતો વ્યાપ હવે વન્ય જીવો ના રહેઠાણ જંગલ તરફ વિસ્તરી રહ્યો છે.એટલે હવે દીપડો માનવ વસ્તીમાં આવી પોહાચે છે કે પછી માણસ દીપડા ના જંગલ માં પગ પેસારો કરી રહ્યો છે? તે કેહવુ હવે મુશ્કેલ થઈ પડ્યું છે.ત્યારે આવનારા સમય વધી રહેલો આ સંઘર્ષ તાળી શકાશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.