Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ

Oct 26, 2026 - 10:30
Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં સામે આવેલા સાયબર ફ્રોડના આ ચકચારી કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે.સાયબર ફ્રોડ આચરતી ટોળકી દ્વારા કુલ રૂ.3.49 કરોડ જેટલી તોતિંગ રકમની નાણાકીય હેરાફેરી આચરવામાં આવી હતી.આ પ્રકરણમાં કમિશનની લાલચ આપીને અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.નાણાકીય કમિશન મેળવવાની લાલચમાં બેંક એકાઉન્ટ સોંપવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તે દિશામાં તપાસ તેજ બનાવી હતી.સાયબર અપરાધીઓ દ્વારા આ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના વ્યવહારો પાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક કાર્યવાહી અને તપાસમાં જણાઈ આવ્યું છે.

સાયબર ફ્રોડ અંગેની બે ઓનલાઈન ફરિયાદો હતી

પ્રાપ્ત વિગતો અનુસાર,મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PSI અશોક શુક્લાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, ગાંધીનગર તરફથી 'SAMANVAYA' તથા 'NCCRP' પોર્ટલ મારફતે મોકલાયેલી માહિતીમાં મોરબી શનાળા રોડ પર આવેલી ડીસીબી બેંકના એકાઉન્ટ નંબરમાં સાયબર ફ્રોડ અંગેની બે ઓનલાઈન ફરિયાદો હતી.આ બંને ઓનલાઈન ફરિયાદોમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યના નાગરિકો સાથે થયેલી કુલ રૂ.74000ની નાણાકીય છેતરપિંડીની વિગતો દર્શાવવામાં આવી હતી.સાયબર ક્રાઈમ સેલ તરફથી આ વિગતો મળતાં જ સ્થાનિક પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જીતેન્દ્રભાઈ ચાવડાની અટકાયત કરી

પોલીસે બેંક એકાઉન્ટની ઊંડાણપૂર્વક વિગતો કઢાવતા આ ખાતું મોરબીના વિજયનગર રોડ પર સનરાજ પાર્કમાં રહેતા અને ગેરેજમાં મજૂરીકામ કરતા ભાવેશ વઘોરાના નામનું હોવાનું ખૂલ્યું હતું.પોલીસે ભાવેશભાઈને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને અગાઉ પૈસાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.આથી તેના મિત્ર જીતેન્દ્રભાઈની વાતમાં આવીને તેણે ડીસીબી બેંકમાં પોતાના નામે ખાતું ખોલાવ્યું હતું.ત્યારબાદ તેણે આ એકાઉન્ટની સંપૂર્ણ કીટ જીતેન્દ્રભાઈને સોંપી દીધી હતી, જેના બદલામાં તેને રોકડા રૂ.5000 મળ્યા હતા.ત્યારબાદ પોલીસે જીતેન્દ્રભાઈ ચાવડાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

નિર્દોષ લોકો સાથે સાયબર ફ્રોડ આચર્યો

પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે જીતેન્દ્રએ આ બેંક એકાઉન્ટ પોતાના પરિચિત નિલેશ કાસુન્દ્રાને રૂ.15,000ના ભાડે વાપરવા આપ્યું હતું.આ 15,000માંથી જીતેન્દ્રએ રૂ.10,000 પોતાનું કમિશન રાખી લીધું હતું અને બાકીના રૂ.5,000 ભાવેશને આપ્યા હતા. પોલીસ સમક્ષ જીતેન્દ્રએ કબૂલાત આપી હતી કે આ બેંક એકાઉન્ટમાં તમામ પ્રકારના ટ્રાન્ઝેકશન નિલેશ પટેલ દ્વારા જ કરવામાં આવતા હતા.પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપી નિલેશ કાસુન્દ્રાએ પોતાના મળતિયાઓ સાથે મળી અલગ-અલગ રાજ્યોના નિર્દોષ લોકો સાથે સાયબર ફ્રોડ આચર્યો હતો.તેણે આ એકાઉન્ટમાં કુલ રૂ.3,49,61,073 જેવી માતબર રકમ જમા કરાવી હતી.આ તમામ રકમ બાદમાં UPI ID, IMPS અને RTGS મારફતે અન્ય વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.આ સમગ્ર નેટવર્ક અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Surat News: વિન્ટર શિડ્યૂલમાં એરપોર્ટથી 2 ઈન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0