શાકભાજીના ભાવ ગગડતા કચ્છના ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. પરિણામે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે. એક બાજુ ખેડૂતોને મોટો ખર્ચ થઈ રહ્યો છે અને વળતર રૂપે કંઈ હાથ લાગતું નથી અને ખર્ચ માથે પડે છે.
શાકભાજીના ભાવ બેથી ત્રણ રૂપિયે પ્રતિ કિલો
હાલમાં એક બાજુ ખેતીમાં ખર્ચ સતત વધી રહ્યો છે, દવા, બિયારણ મોંઘા થઈ રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું હતું. સારા ભાવ મળવાની આશાએ ટામેટા, કોબી, ફુલાવર અને રીંગણા સહિતના શાકભાજીનું વાવેતર કર્યું હતું. હાલમાં શાકભાજીના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તમામ શાકભાજીના ભાવ બેથી ત્રણ રૂપિયા પ્રતિ કિલોના મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો શાકભાજીના મફત ભાવે ગૌશાળામાં મોકલી રહ્યા છે. ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સરકાર ટેકાના ભાવે શાકભાજીની ખરીદી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
ઊંઝાના માર્કેટયાર્ડમાં જીરૂના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો
એશિયામાં જીરૂ, વરિયાળીના હબ તરીકે જાણીતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં છેલ્લા 10 દિવસમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. નવા વર્ષના કોપને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણને કારણે જીરૂના બજારમાં આ ઘટાડો થયો છે. જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરૂના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. જીરૂનો 10 દિવસ પહેલા જે ભાવ 4800 આસપાસ બોલાતો હતો, તે ભાવ હાલમાં 4500ની આસપાસ બોલાઈ રહ્યો છે.