Kheda: ATM બદલી રૂપિયા ઉપાડી લેતો શાતિર ઠગ કપડવંજમાંથી ઝડપાયો, 66 એટીએમ કાર્ડ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એટીએમ કેન્દ્રો પર પૈસા ઉપાડવા આવતા અને ટેકનોલોજીથી બહુ માહિતગાર ન હોય તેવા સિનિયર સિટીઝન તેમજ મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવી બેંક ખાતા સાફ કરી નાખતી ગેંગનો ખેડા પોલીસે પર્દાફાશ કર્યો છે. કપડવંજ ટાઉન પોલીસની ટીમે બાતમી અને આધુનિક ટેકનોલોજીની મદદથી ધીરજ મોહનલાલ પંચાલ નામના એક કુખ્યાત ઠગને ઝડપી પાડ્યો છે. પોલીસને તેની પાસેથી જે મુદ્દામાલ મળ્યો છે તે જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
આવી રીતે આચરતો હતો છેતરપિંડી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી ધીરજ પંચાલ મુખ્યત્વે એવા એટીએમ સેન્ટરો પર વોચ રાખતો હતો જ્યાં સુરક્ષા ગાર્ડ ન હોય. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ અથવા મહિલા પૈસા ઉપાડવા માટે એટીએમ મશીનમાં જાય અને કોઈ મુશ્કેલી અનુભવે, ત્યારે આરોપી મદદ કરવાના બહાને ખૂબ જ વિવેકપૂર્વક અંદર ઘૂસી જતો હતો. ગ્રાહક જ્યારે પૈસા ઉપાડવા પિન નંબર (પાસવર્ડ) એન્ટર કરે ત્યારે આરોપી તે પાસવર્ડ ચોરીછૂપીથી જોઈ લેતો હતો. ત્યારબાદ, પૈસા ન નીકળવાનું બહાનું બતાવી અથવા નજર ચૂકવીને તે ગ્રાહકનું અસલી એટીએમ કાર્ડ બદલી નાખતો અને ગ્રાહકને તેની પાસે રહેલું બીજું નકામું કાર્ડ પધરાવી દેતો હતો. ગ્રાહક ત્યાંથી રવાના થાય એટલે આરોપી તે જ અસલી કાર્ડ અને પાસવર્ડની મદદથી ખાતામાંથી રોકડા રૂપિયા ઉપાડી લેતો હતો.
66 કાર્ડ મળતા પોલીસ પણ સ્તબ્ધ
લોકોની ફરિયાદોને આધારે કપડવંજ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી જાળ બિછાવી આરોપી ધીરજ પંચાલને દબોચી લીધો હતો. તેની અંગઝડતી લેતા અલગ-અલગ લોકોના નામના ૬૬ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસ રેકોર્ડ તપાસતા માલૂમ પડ્યું છે કે આ શાતિર ગુનેગાર સામે અગાઉ પણ જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ૮ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે તમામ કાર્ડ જપ્ત કરી આરોપીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો: Rajkot: સોની બજારમાં કોમ્પ્લેક્સની દુકાનમાં ભીષણ આગ બાદ પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ, લાઇવ વિડીયો આવ્યો સામે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

