Kachchhમાં 22 જૂને સરપંચ-વોર્ડ સભ્ય માટેના 1,656 ઉમેદવારના ભાવિ મતપેટીમાં થશે સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં તા. ૨૨ જૂને ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને વહીવટી તંત્ર દ્વારા કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે મતદારો બેલેટ પેપરનાં માધ્યમથી મતદાન કરશે. જિલ્લામાં કુલ ૨૮૮ મતદાન મથકો ઉપર બેલેટ પેપર, મતપેટી સહિતની સ્ટેશનરી સાથે કર્મચારીઓને બપોરનાં સમયે વિવિધ તાલુકા મથકોએથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એસ.ટી. બસ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.
તાલુકા મથકોએ પણ ડિસ્પેચિંગ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા
જિલ્લામાં ૧૦૮ સામાન્ય, ૭ વિભાજન, ૩ મધ્યસત્ર અને ૧૧ પેટા મળી કુલ ૧૨૯ ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કર્મચારીઓ, સુરક્ષા કર્મીઓ સહિતનો સ્ટાફ તેમને ફાળવેલા બૂથો ઉપર પહોંચી ગયા છે. વિવિધ બૂથો ઉપર બેલેટ પેપર, મતદાન પેટી સહિતની સામગ્રી સમય પહોંચી જાય તે માટે તાલુકા મથકોએ પણ ડિસ્પેચિંગ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા. અહીંથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે અલગ અલગ ટીમો બેલેટ પેપર, મતપેટી સહિત જરૂરી સાહિત્યોને લઇને રવાના થઇ હતી.
ભુજ ખાતે લાલન કોલેજમાં ઊભા કરાયેલા સ્ટ્રાંેગરૂમમાંથી ચૂંટણી સ્ટાફને બેલેટ પેપર, મતદાન પેટી સહિતની જરૂરી સામગ્રીની ફાળવણી કરાઇ હતી. બાદમાં પોલીસ બંદોબસ્ત સાથે બેલેટ પેપર, મતદાન પેટી સાથે કર્મચારીઓને મતદાન મથક સુધી લઇ જવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં તમામ તાલુકા મથકોએ સ્ટ્રાંેગરૂમમાંથી બેલેટ પેપર સહિતની સામગ્રી મતદાન મથકો સુધી પહોંચતી કરવામાં આવી હતી. તા.૨૨ જૂનનાં યોજાનારી મતદાન પ્રક્રિયા ન્યાયી અને પારદર્શી રીતે થાય તે માટે તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાયા છે. સવારે ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરાશે અને સાંજનાં ૬ વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. આગામી તા. ૨૫ જૂનનાં મત ગણતરી હાથ ધરાશે.
૨,૩૮,૦૪૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
કચ્છની ૧૨૯ ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૨૯૨ અને વોર્ડનાં સભ્ય માટે ૧,૩૬૪ મળીને કુલ ૧,૬૫૬ જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. કુલ ૨,૩૮,૦૪૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં ૧,૧૭,૩૩૩ સ્ત્રી અને ૧,૨૦,૭૦૯ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે.
ચૂંટણી માટે ૧,૪૫૦ જેટલો પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો
જિલ્લામાં ૧૨૯ ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડનાં મળીને કુલ ૧,૬૫૬ જેટલા ઉમેદવારોને ધ્યાને લઇને ૨૮૮ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. આ માટે ૧,૪૫૦ જેટલો પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. આ તમામ કર્મચારીઓએ સાંજ સુધીમાં તેમને ફાળવાયેલા મતદાન બૂથો ઉપર પહોંચી ગયા હતા અને મતપેટી સહિતની ગોઠવણી પણ શરૂ કરી દેવાઇ હતી.
સરપંચ માટે પિંક અને વોર્ડનાં સભ્ય માટે વ્હાઇટ બેલેટ પેપર
૧૨૯ ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ માટેનાં ૨૯૨ ઉમેદવાર અલગ તરી આવે તે માટે એક જ કલરના બેલેટ પેપર રહેશે. જ્યારે વોર્ડનાં સભ્યપદના ઉમેદવાર માટે પણ અલગ કલરનું બેલેટ પેપર રહેશે. સરપંચ માટે પિંક કલરનું બેલેટ પેપર અને વોર્ડ સભ્ય માટે વ્હાઇટ કલરનું બેલેટ પેપર તૈયાર કરાયું છે, જેને કારણે મતદારો સરપંચ માટેનાં ઉમેદવાર અને વોર્ડ માટેનાં ઉમેદવારને ઓળખી શકે.
સૌથી વધુ ભુજ તાલુકામાં ૭૮ મતદાન કેન્દ્ર ઊભા કરાયા
જિલ્લાની ૧૨૯ ગ્રામપંચાયત માટે કુલ ૨૮૮ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં લખપત તાલુકામાં ૧૧, ભુજ તાલુકામાં ૭૮, અંજાર તાલુકામાં ૩૩, માંડવી તાલુકામાં ૨૧, રાપર તાલુકામાં ૬૩, અબડાસા તાલુકામાં ૮ અને ભચાઉ તાલુકામાં ૧૩ મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ તમામ મથકો ઉપર સાંજે પોલિંગ સહિતનો સ્ટાફ તૈનાત થઇ ગયો છે. પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે.
What's Your Reaction?






