Jasdan News : ઘેલા સોમનાથના મીનળદેવી મંદિરના પટાંગણમાં મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં 5000 રોપાઓનું કરાયું વાવેતર

Jul 28, 2025 - 20:00
Jasdan News : ઘેલા સોમનાથના મીનળદેવી મંદિરના પટાંગણમાં મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં 5000 રોપાઓનું કરાયું વાવેતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોતરફ આંખને ઠંડક આપતી હરિયાળી દ્રશ્યમાન થતી જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં આવેલું શંકર ભગવાનનું ઘેલા સોમનાથ સૌરાષ્ટ્રના લોકોનું આસ્થાનું પ્રતીક છે. ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં અહીં શ્રાવણીયો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં મહાલવા આસપાસથી લોકો આવે છે.

જુદી-જુદી જાતના 50 પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું

જસદણના ઘેલા સોમનાથ મંદિર સામે જ ટેકરી પર માતા મીનળદેવીનું મંદિર છે. અહીં પટાંગણમાં ચારે તરફ હરિયાળી છવાઈ જાય, તે માટે વન વિભાગ દ્વારા ખાસ અડધા હેકટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 5000 વૃક્ષ ઉછેરના સંકલ્પ સાથે ઘનિષ્ઠ વનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. 'એક પેડ, મા કે નામ -2.0' કાર્યક્રમ અન્વયે મીનળદેવી મંદિરના પટાંગણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મીનળદેવી મંદિરના પટાંગણમાં 0.5 હેકટરમાં 'વન કવચ' મોડેલ તૈયાર કરવામાં આવેલું છે, જેમાં ફળ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં જુદી-જુદી જાતના 50 પ્રકારના એક સાથે 5000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આવનારા સમયમાં વન કવચને ઘેઘુર વનમાં પરિવર્તિત કરાશે

વન કવચમાં દેશી આંબો, કરમદા, સેવન, રાયણ, ગુગળ, બહેડો, ખાટી આંબલી, સીતાફળ, ગરમાળો, અરીઠા, ગુંદી, મહોડો, ખાખરો, નગોળ, બીલી, અરડુસી, પીપળો, બોરસલી, પીલુ, અર્જુન સાદડ, ગોરસ આંબલી, પારીજાત, કોઠી, ગુંદા, કણજી, પારસ પીપળો, સિદુરી, સરગવો, ફાલસા,આંબળા, ચંદન, શેતુર, જાંબુ, સીસું, પીપળ, કરંજ, લીમડો સહિતના વૃક્ષો આવનારા સમયમાં વન કવચને ઘેઘુર વનમાં પરિવર્તિત કરશે. આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા સામાજિક વનીકરણ રેન્જ વિંછીયા, નોર્મલ રેન્જ જસદણ, હિંગોળગઢ રેન્જના વન વિભાગનો સ્ટાફ મદદરૂપ બન્યો હતો.

આ વિસ્તારને હરિયાળો બનાવવા આસપાસના ગામના આગેવાનો, સરપંચો, પદાધિકારીઓ, જસદણ તથા વિંછીયાના તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ તથા આસ્થા સ્કૂલના બાળકો, ક્રિષ્ના સ્કૂલના બાળકો જસદણ તથા વિંછીયા પંથકના 550 જેટલા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગ સામે સઘન વૃક્ષારોપણ જ એક માત્ર રસ્તો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણના જતન માટે 'એક પેડ, મા કે નામ' અંતર્ગત જન-જનને આ ઝૂંબેશમાં જોડવાનું અભિયાન શરુ કર્યું છે, જે યથાર્થ થતું જોવા મળે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0