Gujarat Budget 2025 : નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને CM ભૂપેન્દ્ર પટેલે આવકાર્યુ

Feb 20, 2025 - 16:00
Gujarat Budget 2025 : નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને CM ભૂપેન્દ્ર પટેલે આવકાર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સીએમનું કહેવું છે કે,વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ છે.

50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ

01-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ

02-બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેઃ નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે, દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે

03-વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશેઃ શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી

04-ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ

05-આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની રકમ ફાળવાશે

06-રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ 1622 કરોડનું પેકેજ જાહેર

07-બાળકોના પોષણ માટે રૂ. 8460 કરોડની બજેટ ફાળવણી

ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે.આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે.રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

કુલ છ ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન છે.

સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે

મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં કામોના આયોજનની ભૂમિકા આપી હતી.તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાના પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે.

માળખાકીય વિકાસ સહિતના કામો

આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત તેમજ વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવીટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રીશ્રીએ વધાવી હતી. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા માટે 2025ના સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ માટે સમગ્રતયા શહેરી વિકાસના બજેટમાં 40%નો વધારો કરીને વધુ 31 હજાર કરોડ રૂપિયા આ બજેટમાં ફાળવ્યા છે. આ સાથે જ નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.

સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

વડાપ્રધાને જળસંચય માટે કરેલા આહવાનને આગળ ધપાવવા માટે ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી ‘કેચ ધ રેઈન’ અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દરેક વ્યક્તિને માથે પાકી છત હોય એવું સપનું સેવ્યું છે, તે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી સાકાર થઈ રહ્યું છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપાતી સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દરેક લાભાર્થીને રૂ. 1 લાખ 70 હજારની સહાય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે

મુખ્યમંત્રીએ આદિજાતિના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટમાં વસવાટ કરતાં વનબંધુઓના વિકાસ માટે 30 હજાર કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. બજેટમાં ફાળવાયેલી આ રકમથી આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધા વધારવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યના મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ફિશરીઝ એટલે કે બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્યોદ્યોગમાં અગ્રેસર છે

મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે અભૂતપૂર્વ 1622 કરોડ રૂપિયાની માતબર રકમનું પેકેજ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ દ્વારા માછીમારો માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1612 કરોડ બજેટમાં ફાળવીને રાજ્યના ખેડૂતો અને ખેતીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનના વેલ્યૂ એડિશન દ્વારા ખેડૂતની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રમોશન માટે આ બજેટમાં પ્રાવધાન છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં યુવાઓ, નારીશક્તિ અને બાળકોના પોષણ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો

યુવાશક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રિજિયનમાં આઈ-હબની સ્થાપનાને તેમણે આવકારી હતી.મુખ્યમંત્રીએ નારીશક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના ‘સખી સાહસ યોજના’ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે.તેમણે કહ્યું હતું કે, ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ માટે ગત વર્ષના બજેટ કરતા 25 ટકાનો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે.

85 હજારથી વધુ દિવ્યાંગો લાભાર્થી બનશે

રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષાની પણ દરકાર સરકારે કરી છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચને બમણું એટલે કે બે લાખથી ચાર લાખ કરવામાં આવ્યું છે. આ વીમા કવચનો લાભ લગભગ 4 કરોડ 45 લાખથી વધુ લોકોને મળશે એમ પણ ઉમેર્યું હતું.તેમણે દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિવ્યાંગો માટેની પાત્રતા 80 ટકાથી ઘટાડીને 60 ટકા કરી છે. આના પરિણામે 85 હજારથી વધુ દિવ્યાંગો લાભાર્થી બનશે.

નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા યોગદાન આપવા પ્રેરિત કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0