Gandhinagar: ગુજરાત સરકારની મોટી પહેલ, 48 કલાક કામની સાપ્તાહિક મર્યાદા સાથે 12 કલાકની શિફ્ટને સરકારે આપી મંજૂરી

Aug 19, 2026 - 14:00
Gandhinagar: ગુજરાત સરકારની મોટી પહેલ, 48 કલાક કામની સાપ્તાહિક મર્યાદા સાથે 12 કલાકની શિફ્ટને સરકારે આપી મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar: ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મંજૂરી છે. રાજ્યમાં સેમિકંડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી નવી રોજગારી ઉભી થશે. આ 12 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ માટે અઠવાડિયામાં કુલ કામકાજનો સમય 48 કલાકનો જ રહેશે.

આ મંજૂરી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે, જે 21 નવેમ્બર, 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આ કોડ રાજ્ય સરકારોને જરૂરી સુરક્ષા જોગવાઈઓ સાથે કેટલીક પરિસ્થિતિઓમાં ફેક્ટરીઓને ચોક્કસ જોગવાઈઓમાંથી છૂટ આપવાની સત્તા આપે છે, પરંતુ કર્મચારીઓના સાપ્તાહિક કામકાજના કલાકો નિર્ધારિત મર્યાદાથી વધુ ન થાય તેની ખાતરી પણ આપે છે. 

ગુજરાતનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, "ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડનો મુખ્ય હેતુ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ કોમ્પ્લાયન્સને પ્રોત્સાહન આપવાનો છે. કોડમાં સપ્તાહના મહત્તમ 48 કલાકના કામકાજની જોગવાઈ છે. ગુજરાત સરકારે રાજ્યના વ્યાપક જાહેર હિત, આર્થિક વિકાસ અને રોજગારી સર્જનને ધ્યાનમાં રાખીને આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે."

“કોઇ પણ ઔદ્યોગિક એકમે કર્મચારીઓ માટે 12 કલાકની શિફ્ટ રાખવા માટે સરકારની પૂર્વ મંજુરી લેવી ફરજિયાત છે. મંજુરી વગર કોઇ ઔદ્યોગિક ગૃહ કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ રાખી શકશે નહી. આ પ્રકારની જોગવાઇ ચોક્સ ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે,’’ કુંવરજીભાઇ બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર બનાવવાના વિઝનમાં સેમિકન્ડક્ટરને વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે સ્થાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું સૌથી આકર્ષક રોકાણ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ફેબ્રિકેશન, એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સતત રોકાણ થઈ રહ્યું છે.

માઇક્રોન ટેક્નોલોજીનો સાણંદ પ્લાન્ટ કંપનીના વૈશ્વિક ઉત્પાદન નેટવર્કમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 5 લાખ ચોરસ ફૂટથી વધુ ક્લીનરૂમ વિસ્તારનો સમાવેશ થશે, જેમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-ફ્લોર સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ક્લીનરૂમ પૈકીનો એક ક્લીનરૂમ હશે. વર્ષ 2026 દરમિયાન અહીં કરોડો સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે 2027થી ઉત્પાદન ક્ષમતા દર વર્ષે સેંકડો મિલિયન ચિપ્સ સુધી પહોંચવાની સંભાવના છે.

સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સતત કામગીરી અનિવાર્ય

સેમિકન્ડક્ટર ઉત્પાદન પરંપરાગત ફેક્ટરીઓથી અલગ છે કારણ કે અહીં અત્યંત નિયંત્રિત ક્લીનરૂમ પરિસ્થિતિમાં ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલે છે. ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે અત્યાધુનિક ઓટોમેટેડ મશીનો 24 કલાક કાર્યરત રહે છે, જેના કારણે સતત ઉત્પાદન જાળવવું કાર્યક્ષમતા અને ગુણવત્તા માટે અત્યંત મહત્વપૂર્ણ બને છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 12 કલાકની શિફ્ટ વિશ્વભરના સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં સ્વીકૃત કાર્યપદ્ધતિ છે. લાંબી શિફ્ટને કારણે શિફ્ટ બદલવાની સંખ્યા ઘટે છે, ક્લીનરૂમમાં પ્રવેશ ઓછો થાય છે, મશીનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને અબજો રૂપિયાના રોકાણ ધરાવતા પ્લાન્ટમાં સતત ઉત્પાદન જાળવી શકાય છે. સાથે જ, કર્મચારીઓ સપ્તાહમાં ઓછા દિવસ કામ કરતાં હોવાથી કુલ સાપ્તાહિક કામકાજનો સમય 48 કલાક જ રહે છે.

શ્રમિકોના હિતોના રક્ષણ માટે કડક શરતો

રાજ્ય સરકારે આ મંજૂરી સાથે શ્રમિકોના હિતોની સુરક્ષા માટે કડક શરતો લાગુ કરી છે. પુખ્ત વયના કર્મચારીઓ દિવસના વધુમાં વધુ 12 કલાક કામ કરી શકશે, પરંતુ સપ્તાહમાં કુલ કામકાજનો સમય 48 કલાકથી વધુ નહીં હોય. બાકીના દિવસોને પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, માત્ર પોતાની સ્વૈચ્છિક લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકશે. રાજ્ય સરકારે વધુમાં નિર્ધારિત કર્યું છે કે, આરામના વિરામ સહિતનો કુલ કાર્યસમય દિવસના 12 કલાકથી વધુ નહીં હોય. 

કંપનીએ આ વ્યવસ્થા હેઠળ કામ કરતા કર્મચારીઓનો અલગ રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. તેમજ ફેક્ટરીઓના ચીફ ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર દ્વારા લાદવામાં આવેલી વધારાની શરતોનું પણ પાલન કરવું પડશે. જો કોઈપણ શરતનો ભંગ થશે તો આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવશે અને સંબંધિત સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, "આ છૂટછાટ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા, આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા, નવી રોજગારીનું સર્જન કરવા અને ખાસ કરીને રાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે."

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત

સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે વિશેષ નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ નીતિ હેઠળ ઉદ્યોગોને વ્યાપક પ્રોત્સાહનો અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા છ મોટા પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે, જેના દ્વારા અંદાજે ₹1.40 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સથી આશરે 50,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે, જે ભારતના ઉભરતા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.








What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0