Dhandhuka: પાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ રહેવાનાં એંધાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધંધૂકા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે જાહેરનામું બહાર પડતા જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. મોટી ચહલપહલ રાજકીય પક્ષમાં જોવા મળી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ખરાખરીનો જંગ જીતવા કમર કસવામાં આવી છે.
પાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ જ્ઞાતિ જાતિના સમીકરણને ધ્યાને લઇ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી તા. 2જી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં બને પક્ષના ઉમેદવારોની કોઈ અધિકૃત યાદી બહાર આવી નથી. જેને લઈ મુરતિયાઓ અવઢવમાં દેખાઈ રહ્યા છે. બંને પક્ષ મળતી માહિતી મુજબ બળવો ખાળવા માટે અંતિમ ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરે તેવું મનાઇ રહ્યું છે. ત્યારે ભાજપ સતત ચોથી વખત સત્તાના સૂત્રો સંભાળવા માટે મથામણ કરી રહ્યું છે. તો કોંગ્રેસ માત્ર એક બે બેઠકો માટે સત્તાથી દુર રહેતું હોઈ હાલ પૂર્ણ બહુમતી માટે અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
ધંધૂકા નગરપાલિકા ચૂંટણીને લઈ સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તો રાજકીય પક્ષ પણ સોગઠા ગોઠવવામાં લાગી ગયા છે. બંને પક્ષ દ્વારા ખાનગી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સંભવિત ઉમેદવારો સાથે પાર્ટી આગેવાનો વિચારવિમર્શ પણ કરી રહયા છે.ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે તો કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિને લઈ અગત્યની બેઠક પ્રદેશના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. ધંધૂકા પાલિકામાં વોર્ડ વાઇઝ જ્ઞાતિ જાતિના સમીકરણોને રાજકીય પક્ષ ધ્યાને લઇ રહ્યા છે. આ વખતે પ્રમુખ તરીકે મહિલાને મોકો મળવાનો છે. ત્યારે સક્ષમ મહિલા ઉમેદવારની શોધમાં બને પક્ષ લાગી ગયા છે. 32 હજાર ઉપરાંત મતદારો આગામી પાલિકા ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરવાના છે. ત્યારે ભાજપ સતત ચોથી ટર્મ સત્તા ટકાવવા મથામણ કરી રહ્યું છે તો કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા ઝુંટવી લેવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક મુદાઓ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. ત્યારે એ જોવાનું રહ્યું કે મતદારો ફરી ભાજપ પર વિશ્વાસ કરશે કે પરિવર્તન માટે મતદાન કરશે. તે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે.
ભાજપ માટે પોઝિટિવ-નેગેટિવ સમીકરણ
પાલિકા ચૂંટણીમાં ભાજપ માટે પોઝિટિવ સમીકરણમાં ભાજપનું સુદ્રઢ સંગઠન માળખું અને ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા રહેશે તો પાછલી ત્રણ ટર્મમાં કરેલા વિકાસ કાર્યોને લઈ વિકાસના નામ પર ભાજપ મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે તો નેગેટિવ પાસામાં ત્રણ ટર્મની એન્ટી ઇન્કમબન્સી, અધૂરા વિકાસના કાર્યો, માળખાકીય સુવિધાના અધૂરા કામો અને પાછલા કેટલાક દિવસોથી નવા સંગઠનને લઈ પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી હાલત ભાજપને નુકસાન કરી શકે છે.
કોંગ્રેસ માટે શું પ્લસ, શું માઇનસ
કોંગ્રેસ માટે પ્લસ પોઇન્ટ કદાચ ભાજપના વિકાસના અધૂરા કામો, શહેરનો ફ્લ્ટિર પ્લાન્ટ, રોડ રસ્તાની ખરાબ હાલત, ગંદા પાણીની સમસ્યા,ભૂગર્ભ ગટર જેવા લોકોને સ્પર્શતા પ્રશ્નો સાથે ભાજપમાં કથિત વિકાસની પોલ ખોલી પ્રજા સમક્ષ વોટ માંગશે. જ્યારે માઇનસ પોઇન્ટમાં શહેરનું સંગઠન સાવ નબળું છે. પાછલા 15 વર્ષમાં પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા કોઈ પ્રયત્ન કરાયા નથી. અને આંતરિક જૂથવાદ ફરી એકવાર સત્તાના સ્વપ્ન જોતી કોંગ્રેસને સત્તાથી ફરી દૂર થાય તો નવાઈ નહીં.
What's Your Reaction?






