Bharuch News: વરસાદની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, મુખ્ય નર્મદા કેનાલમાં છોડાયું પાણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ધરતીપુત્રો માટે આખરે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદની ભારે ખેંચ વર્તાતા સમગ્ર પંથકના ખેડૂતો ચિંતામાં ડૂબી ગયા હતા. હજારો એકર જમીનમાં વાવણી કર્યા બાદ વરસાદ ન પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે નર્મદા નિગમની કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ધારાસભ્ય દેવકિશોર સ્વામીની રજૂઆત લાવી રંગ
જંબુસર વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોની આ ગંભીર સમસ્યાને સમજીને સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી. ધારાસભ્યએ સરકારને પત્ર લખીને જંબુસર તાલુકાના મુરઝાતા પાકને બચાવવા માટે નર્મદા કેનાલ મારફતે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. સરકાર દ્વારા આ સંવેદનશીલ રજૂઆતને ગંભીરતાથી લઈ નર્મદા નિગમને તાકીદે પાણી છોડવાના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.
સારોદ ગામની મુખ્ય કેનાલમાંથી પાણી વહેતું થયું
સરકારની લીલી ઝંડી મળતા જ નર્મદા નિગમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી છોડી દેવામાં આવ્યું છે. કેનાલમાં પાણીના ધસમસતા પ્રવાહને જોઈને વર્ષોથી વરસાદી ખેતી પર નિર્ભર રહેતા સ્થાનિક ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
કપાસ અને તુવેર જેવા પાકોને મળશે નવું જીવનદાન
ભૌગોલિક દ્રષ્ટિએ જંબુસર તાલુકો દરિયાકાંઠાના વિસ્તાર સાથે જોડાયેલો હોવાથી અહીં ભૂગર્ભ જળનો મોટો પ્રશ્ન છે, જેના કારણે મોટાભાગના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. આ વર્ષે વાવણી બાદ વરસાદ ખેંચાતા કપાસ, તુવેર સહિતના મોંઘા પાકો સુકાઈ રહ્યા હતા. હવે કેનાલમાં પાણી આવી જતાં આ તમામ પાકોને અમૃત સમાન જીવનદાન મળશે. જે કારણે જગતનો તાત દેવાના બોજમાંથી બચી જશે, તેવી આશા બંધાઈ છે.
ધરતીપુત્રોએ સરકાર અને ધારાસભ્યનો માન્યો આભાર
વરસાદની અછત વચ્ચે મુશ્કેલ સમયમાં સમયસર પાણીની વ્યવસ્થા થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને વિસ્તારના અગ્રણી ખેડૂતોએ એકઠા થઈને ખેડૂતલક્ષી નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ કપરી સ્થિતિમાં નર્મદાનું પાણી મળવું એ અમારા માટે કોઈ મોટો ચમત્કાર અને આશીર્વાદથી ઓછું નથી.
આ પણ વાંચો - Bharuch: નેત્રંગ તાલુકાના પીંગોટ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

