Banaskanthaના પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું.
દિવ્યાંગ લોકને મળ્યા લાભ
આ કેમ્પમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં ૭૧૩ દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને ૬ જેટલા કેમ્પનું આયોજન હાથ ધરાયું છે. તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ આયોજન હાથ ધર્યું છે. તેમણે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
સરકારના વિવિધ લાભ મળે છે
આ કેમ્પમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સરકારના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે દિવ્યાંગતા સર્ટિફિકેટ છે. આ માટે જિલ્લામાં એક જ સ્થળેથી સર્ટિફિકેટ મળી રહે તે મુજબનું આયોજન કરાયું છે. આ કેમ્પ થકી જિલ્લાના દિવ્યાંગ લોકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો.
713 દિવ્યાંગોને મળ્યો લાભ
આ કેમ્પમાં ડીસાના લાભાર્થી ભાવેશભાઈએ જણાવ્યું કે, વર્ષો પહેલા બીમારીના હિસાબે તેઓ બંને પગે ચાલી શકતા નથી. દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા માટે પ્રયત્નો કર્યા અને છેલ્લે આ સેવા કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કુલ ૭૧૩ દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ છે. જેમાં ડીસા અને પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. ડીસા ખાતે ૬૦ અને પાલનપુર ખાતે કુલ ૧૦૨ દિવ્યાંગ લોકોને કેમ્પ થકી સર્ટિફિકેટ કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ સિવાય તા. ૯ જાન્યુઆરીના રોજ અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે, ૧૧ જાન્યુઆરીના રોજ ખીમંત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ૧૩ જાન્યુઆરીના રોજ થરાદ જનરલ હોસ્પિટલ ખાતે તથા ૧૬ જાન્યુઆરીના રોજ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાશે.
અધિકારીઓ રહ્યાં હાજર
અહીં નોંધનીય છે કે, દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી.બસમાં મફત મુસાફરી યોજના, બૌદ્ધિક અસમર્થતા ધરાવતી (મનો દિવ્યાંગ) યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦ની સહાય, સંત સુરદાસ યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦ની સહાય, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે ૧ લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે. આ કેમ્પમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી.સોલંકી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશભાઈ પટેલ સહિત આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






