અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસમાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જો કે આ વખતે તો અસમાજીક તત્વો એ પ્રજાના રક્ષક એવા પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો છે અને જાણે કે પોલીસના કોમ્બિંગનો કોઈ ડર જ ન હોય તેમ જાહેર રોડ પર તલવારો જેવા હથિયાર સાથે આતંક મચાવ્યો છે.
લુખ્ખા તત્વોએ વિસ્તારને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
ગુનાખોરીનો દર ઘટી રહ્યો હોવાના બણગા ફૂંકી રહેલા પોલીસ કમિશ્નર દ્વારા શરૂ કરવામાં આવેલી કોમ્બિંગનો અસામાજિક તત્વોને જાણે કે કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે શહેરના રખિયાલ બાપુનગર વિસ્તારને લુખ્ખા તત્વોએ જાણે કે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સર્વર ઉર્ફે કડવા, ફઝલ, અન્ની રાજપૂત, અલ્તાફ ઉર્ફે જુમ્મન, મહેફૂજ અને સમીર ઉર્ફે ચીકનો નામના આરોપીઓ મર્ડરના ગુનામાં આજીવન કેદ ફોગવી રહેલા અને હાલમાં પેરોલ જમ્પ કરેલા સલમાનને શોધવા માટે નીકળ્યા હતા અને નુર મહેલ હોટલ પાસે ઉભેલા સલમાનના ભાઈને પૂછતા તેને સલમાન અંગે કઈ જાણ ના હોવાનું કહ્યું હતું. જેથી આરોપીઓ ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો, જેથી તે ત્યાંથી ભાગી જઈને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
આરોપીઓએ હથિયાર સાથે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો
ઘટના અંગેની જાણ થતાં જ બાપુનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસને જોઈને આરોપીઓ ડરવાના બદલે ગાજ્યા હતા અને પોલીસને જ ધમકી આપવા લાગ્યા હતા. આરોપીઓમાંથી ફઝલ નામનો આરોપી છરી સાથે પોલીસ પાસે આવ્યો હતો અને ધમકી આપવા લાગ્યો હતો કે ગાડીમાંથી કેમ નીચે ઉતર્યા છો, ગાડીમાં પાછા બેસી જાવ અને અહીંથી જતા રહો. તેમ કહીને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ અન્ની રાજપુત પણ તલવાર સાથે આવી પહોંચ્યો હતો અને તલવાર વડે હુમલાનો પ્રયાસ કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આમ આરોપીઓએ હથિયાર સાથે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બીજી તરફ વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ જાણે કે મુક પ્રેક્ષક બની ગયેલ હોય તેમ અસરકારક કાર્યવાહી કરવાને બદલે તમાશો જોતી રહી હતી.
આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી
હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં એમ અલગ અલગ બે ગુના દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે અને સમીર ઉર્ફે ચીકના નામના આરોપીને ઝડપી અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. જ્યારે બનાવ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તાત્કાલિક દોડી આવી હતી.