Ahmedabad: રબારી કોલોનીથી વટવા જતી કેનાલમાં પાણી નહીં છોડાતા દુર્ગંધથી લોકો ત્રાહિમામ્

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મ્યુનિ.કોર્પોરેશન અને સિંચાઇ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાના લીધે રબારી કોલોનીથી સીટીએમ થઇ વટવા જતી કેનાલમાં સિંચાઇ વિભાગ દ્વારા પાણી નહીં છોડાતા દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
કેનાલમાં ગંદા પાણી અને કચરાંના લીધે સાંજ પડતાં જ મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મ્યુનિ. અધિકારીઓએ સિંચાઇ વિભાગના માંથે ઠીકરૂ ફોડીને હાથ ઉંચા કરી દીધા છે.
ચોમાસાના લીધે પૂર્વ વિસ્તારની કેનાલમાં પાણી છોડાતું નથી. કેનાલમાં પાણીનું સ્તર ઓછુ રખાય છે. વધુ વરસાદ પડે તો સ્તર સાવ ઘટાડી દેવાય છે. ચોમાસા બાદ કેનાલમાં પાણીનું સ્તર વધારી દેવાય છે. પરંતુ હાલની સ્થિતીએ રબારી કોલોનીથી સીટીએમ જામફળવાડી થઇ વડોદરા એક્ષપ્રેસ, મણીનગર ગોરનો કુવો અને ઘોડાસરથી વટવા જતી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેના લીધે હાલ કેનાલની આસપાસના મકાનોમાં સખત દુર્ગંધ ફેલાઇ રહી છે. સાંજથી લઇ રાત્રિના સમય તો સખત દુર્ગંધનો સામનો કરવો પડે છે. કેનાલમાં કચરાંનો ઢગલાં પણ જોવા મળી રહ્યા છે. પાણીનું સ્તર સાવ ઘટી જવાના લીધે હાલ રહેલા તળિયાનું પાણી એકમદ કેમિકલવાળું કાળુ પાણી છે. ગંદા કાળા પાણીના લીધે સાંજથી લઇ રાત્રિના સમય મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. ખાણીપીણીના સ્ટોલ પર મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે. બિમારીના ખાટલા થવાની પણ લોકોમાં દહેશત છે.
સ્થાનિકોએ કહ્યું કે, કેનાલમાં પાણી નહીં ભરી રાખવાના લીધે હાલ ગંદકીથી લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. ઘરની બહાર નીકળવાની વાત તો દૂર રહી પણ ઘરના બારી બારણાં પણ ખુલ્લા રાખી શકાતા નથી. સુત્રો કહ્યું કે, ખરેખર સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવે છે. હાલની સ્થિતીએ પાણી છોડાયું નથી. મ્યુનિ. કોર્પોરેશનને સંકલન કરીને કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરવી જોઇએ. પરંતુ પૂર્વ વિસ્તારમાં હેરાન થતી પ્રજાના હિતમાં કોઇ ઉચ્ચઅધિકારી પહેલ કરવામાં માનતા નથી. જેના લીધે હાલની સ્થિતીએ હજારો લોકો પરેશાન થઇ રહ્યા છે.
What's Your Reaction?






