Ahmedabad News : ટ્રાઇકોબેઝોઅરનો દુર્લભ કેસ, શુભમ નિમાણાને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મળ્યું નવું જીવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ મધ્ય પ્રદેશના રતલામમાં રહેતા 7 વર્ષના શુભમ નિમાણાના પેટ અને નાની આંતરડામાંથી વાળ, ઘાસ અને જૂતાના દોરાનો એક મોટો ગુચ્છો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. આ એક અત્યંત દુર્લભ બીમારી છે, જે બાળકોમાં માત્ર 0.3-0.5% કેસમાં જ જોવા મળે છે. અમદાવાદ સિવિલમાં સફળ ઑપરેશન બાદ બાળક હવે સ્વસ્થ છે અને તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ કેસની સફળતાએ ડૉક્ટરોની કુશળતાને ફરી એકવાર સાબિત કરી છે.
ઓપરેશન અને બિમારીનું નિદાન
શુભમ છેલ્લા બે મહિનાથી પેટમાં દુખાવો, ઊલટી અને વજન ઘટવાની સમસ્યાથી પીડાતો હતો. મધ્ય પ્રદેશની એક ખાનગી હૉસ્પિટલમાં રૂ. 2 લાખનો ખર્ચ કરવા છતાં તેને રાહત મળી નહોતી. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ. જયશ્રી રામજીના નેતૃત્વમાં ડૉક્ટરોની ટીમે બાળકનું સીટી સ્કેન અને એન્ડોસ્કોપી કરી, જેમાં પેટમાં વાળ અને દોરાનો ગુચ્છો હોવાનું જણાઈ આવ્યું. ત્યારબાદ એક્સપ્લોરેટરી લેપરોટોમી સર્જરી કરીને આ ગુચ્છો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો. ઑપરેશન પછી, છ દિવસ સુધી બાળકને મોઢા વાટે કંઈ આપવામાં આવ્યું ન હતું અને સાતમા દિવસે ડાઈ ટેસ્ટ કરીને ખાતરી કરવામાં આવી હતી કે પેટમાં કોઈ અવશેષ બાકી નથી.
ડૉક્ટરોની સલાહ અને બીમારીના લક્ષણો
ટ્રાઇકોબેઝોઅર એ એક દુર્લભ સમસ્યા છે જેમાં બાળકો વાળ અથવા અન્ય વસ્તુઓ ખાઈ જાય છે, જે પેટમાં ગુચ્છા સ્વરૂપે જમા થઈ જાય છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, તેના મુખ્ય લક્ષણોમાં વારંવાર પેટમાં દુખાવો, સોજો, ઓડકાર, ઊલટી, ભૂખ ન લાગવી અને વજન ઘટવાનો સમાવેશ થાય છે. ડૉ. રાકેશ જોશીએ માતા-પિતાને સલાહ આપી છે કે, જો બાળકોને વાળ અથવા અજાણી વસ્તુઓ ખાવાની આદત હોય તો તરત જ ધ્યાન આપવું, અને તેમને ખોરાક સારી રીતે ચાવતા શીખવવું જોઈએ. આ ઉપરાંત, આવા બાળકોને માનસિક કાઉન્સેલિંગ પણ અત્યંત જરૂરી છે.
What's Your Reaction?






