Ahmedabad: AMC ક્રેડિટ સોસાયટીની લોન લેવા 20-30 ટકા કમિશનનો ખેલ, સેક્રેટરી સંજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ સ્ટાફ કામદાર કો.ઓ. ક્રેડિટ એન્ડ સપ્લાયર સો.લી.ના સેક્રેટરી, કર્મચારીઓ અને દલાલો દ્વારા ચલાવવામાં આવતા લોન કૌભાંડનો પર્દાફાશ સીઆઈડી ક્રાઈમની તપાસમાં થયો છે. સીઆઈડી ક્રાઈમે ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ સહિત આઠ આરોપી સામે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એએમસીના 3,368 સફાઈ કામદારો આ સોસાયટીમાં સભ્યો છે. સફાઈ કામદારોની નિરક્ષરતાનો લાભ લઈ આરોપીઓએ એક લોન ફોર્મની જગ્યાએ બે ફોર્મ ભરી બે લોન પાસ કરાવી એક લોનની રકમ ચાંઉ કરતા હોવાનો આક્ષેપ થયો છે. સફાઈ કામદારની જે લોન પાસ થાય તેમાં પણ આરોપીઓ 20-30ટકાનું ઊંચું કમિશન લઈ કૌભાંડ આચરતા હતા. સફાઈ કામદારની લોનની પાસબૂક પણ ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં રખાતી હતી. સીઆઈડી ક્રાઈમના પીઆઈએ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ, કેશિયર પ્રફુલ્લ પટેલ, બિંદેશ પટેલ, મનુ પટેલ અને ચાર દલાલ નજીરઅહેમદ શેખ, અકબર શેખ, સંજય રાજપૂત તેમજ રાજુ ઉર્ફ તરબૂચ શાહ સામે ગુનો દાખલ કર્યો છે.
આ ક્રેડિટ સોસાયટીમાં એએમસીના 3,368 સફાઈ કામદારો ક્રેડિટ સોસાયટીના સભાસદ છે. આ ક્રેડિટ સોસાયટીમાં સફાઈ કામદારના પગારમાંથી દર માસે રૂ.100 જમા થતા હોય છે. જો સફાઈ કામદાર ત્રણ લાખની લોન લે તો તેના પગારમાંથી હપ્તા પેટે રૂ.4,400ની રકમ કપાતી હોય છે. આમ, લોન લેનાર સફાઈ કામદારના પગારમાંથી રૂ.4,500ની રકમ ક્રેડિટ સોસાયટીમાં જાય છે. આ સોસાયટીમાં ચાલતા કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઈમની તપાસમાં ધ્યાને આવ્યું કે જે સફાઈ કામદારને લોન લેવી હોય તો દલાલોનો સંપર્ક કરવો પડતો હતો. જે દલાલો લોન માટેનું ફોર્મ ભરતા જેમાં સફાઈ કામદારની સહી કરાવતા પણ તે ફોર્મમાં લોનની રકમનો ઉલ્લેખ કરતા નહીં. આ રીતે બે ફોર્મમાં સહી કરાવી આરોપીઓ બે લોન પાસ કરાવતા જેમાંથી એક લોનની રકમ સફાઈ કામદારને આપતા જ્યારે બીજી લોનની રકમ પોતે ચાંઉ કરી જતા હોવાનો આક્ષેપ પણ અરજદારે કર્યો છે. આ ઉપરાંત લોન એમાઉન્ટ ચુકવવા માટે ક્રેડિટ સોસાયટી તરફથી એકાઉન્ટ પેનો ચેક આપવાનો હોય પરંતુ આરોપીઓ બેરર ચેક ઈસ્યુ કરતા હતા. આ બેરર ચેકથી આરોપીઓ જાતે લોનની રકમ ઉપાડી લીધા બાદ પોતાના 20-30ટકા કમિશનની રકમ કાપી લીધા બાદ સફાઈ કામદારને રોક્ડ રકમ આપતા હતા. આ કમિશનખોરીમાં ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી, કેશિયર અને કર્મચારીઓને પણ હિસ્સો મળતો હતો. આ ઉપરાંત સફાઈ કામદારની લોનની પાસબૂક પણ આરોપી પોતાની ઓફિસમાં રાખતા જેથી આરોપીઓએ કેટલી રકમની એન્ટ્રી કરી તેની જાણકારી પણ સફાઈ કામદાર પાસે રહેતી ન હતી. લોનના નામે ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી સહિતના કેટલાક કર્મચારીઓ દલાલો સાથે મળી મોટું કૌભાંડ કરતા હોવાનું સીઆઈડી ક્રાઈમના ધ્યાને આવ્યું હતું. પોલીસ તપાસમાં અત્યાર સુધી લોન લેનાર પાંચ સફાઈ કામદારો પાસેથી આરોપીઓ દ્વારા તગડું કમિશન લેવાયાની વિગતો પોલીસને મળી છે. કામદારો તરફથી હાલ પાંચ જેટલા સાક્ષીઓ પણ મળ્યા છે.
2.85 લાખની લોનમાં 90 હજાર કમિશન કાપ્યું
સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખુલેલી વિગત મુજબ એક સફાઈ કામદારે 2.85લાખની લોન લીધી હતી. આ લોનની રકમમાંથી એજન્ટે 90હજારની રકમ કાપી સફાઈ કામદારને માત્ર 1.60 લાખ જ રોક્ડા આપ્યા હતા. આ કમિશનની ટકાવારી જોવા જઈએ તો 30ટકાથી પણ વધુનું કમિશન ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા હતા.
2019થી ચાલતા રેકેટની અનેક અરજી છતાં કાર્યવાહી ન થઈ
એએમસી સફાઈ કામદાર ક્રેડિટ સોસાયટીમાં 2019થી કૌભાંડ ચાલી રહ્યાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. આ મામલે સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં અનેક અરજીઓ થઈ હતી. જો કે, તે સમયે એક્શનની જગ્યાએ અરજદારને અમુક રકમ આપી સમાધાન કરી લેવામાં આવતું હતું.
What's Your Reaction?






