અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા માનસિક તણાવ અને આપઘાતના કિસ્સાઓ વચ્ચે વધુ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ ‘એરિસ્ટો આનંદમ’ ફ્લેટ પરથી વહેલી સવારે એક વિદ્યાર્થીએ પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી દેશની સૌથી અઘરી ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષા 'નીટ' (NEET) ની તૈયારી કરી રહ્યો હતો. હજુ કારકિર્દી ઘડાય તે પહેલાં જ આશાસ્પદ યુવાને મોત વહાલું કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતેનો બનાવ
મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના આજે વહેલી સવારે ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતે બની હતી. સવારના સમયે ફ્લેટની નીચે લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રૂમ અને પરિવારને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીએ ફ્લેટ પરથી અગમ્ય કારણોસર કૂદકો મારીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે.
આત્મહત્યાનું કારણ અકબંધ, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ પરીક્ષાના ડિપ્રેશન કે સ્ટ્રેસના કારણે આ પગલું ભર્યું છે કે પછી કોઈ અન્ય અંગત કારણ જવાબદાર છે, તેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશો અને અન્ય વિદ્યાર્થીઓમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી