અમદાવાદમાં NRI વ્યક્તિનો પ્લોટ ખોટી રીતે બીજાને વહેંચી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી પ્લોટની સ્કીમમાંથી વર્ષોથી પડતર રહેલા એક પ્લોટને ચેરમેન સહિત અન્ય લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી દેવાની ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સ્ટર્લિંગ ગ્રીનવુડ લી.ના MD ભરત લેખીની ધરપકડ
ફિનલેન્ડમાં રહેતા રાજેશ ઝા તથા કલ્પનાબેન ઝાની માલિકીનો અમદાવાદના પોશ વિસ્તાર એવા ઓગણજ ખાતે આવેલા ઓગણજ પાર્ક પ્લોટ ઓનર્સ એસોસિએશનની ગાર્ડન સિટીમાં પ્લોટ ખરીદેલો હતો, જે ઘણા સમયથી પડતર રહેલો હતો. NRI દંપતીની માલિકીના પ્લોટને ચાર આરોપીઓએ ભેગા મળી ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી નાખ્યો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાનો ખ્યાલ આવતા ફિનલેન્ડમાં રહેતા રાજેશ ઝાએ તેના અમદાવાદમાં રહેતા પિતાને જાણ કરી હતી અને રાજેશભાઈના પિતા યમુના ઝા દ્વારા સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સોલા પોલીસે કિશોર ગુપ્તા, રાજેશ પટેલ તેમજ ભરત લેખીની ધરપકડ કરી છે.
ખોટા દસ્તાવેજ તૈયાર કરી પ્લોટ બારોબાર વેચ્યો
સમગ્ર કૌભાંડની વાત કરીએ તો ગાર્ડન સિટીમાં આવેલો બી 15 નંબરના પ્લોટનો વર્ષ 2010માં બોગસ સહીઓ કરી નોટરી કરાવી ખોટો વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. જે બાદ તેનો કબજા કરાર બનાવી બોગસ ડેકલેરેશન આપી આરોપીઓએ પોતાના નામે રજિસ્ટર કરાવી તેનો દસ્તાવેજ કરી નાખ્યો હતો. આ પ્લોટને આરોપી કિશોર ગુપ્તાને વહેંચ્યો હોવાનો દસ્તાવેજ બનાવ્યો હતો. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્લોટ ખરીદનાર કિશોર ગુપ્તાએ વેચાણ દસ્તાવેજમાં જે મુજબ ચેકની વિગત જણાવી હતી, તે મુજબ એક પણ ચેક અન્ય આરોપી મનુ રાજપૂતને આપવામાં આવ્યા હતા નહીં, ઉપરાંત શેર સર્ટિફિકેટમાં નામ ટ્રાન્સફર કરવા માટે વિદેશમાં રહેતા મૂળ મલિક રાજેશ ઝા તેમજ તેના પત્ની કલ્પનાબેન ઝાની બોગસ સહીવાળા લેટરને આધારે જ પાર્ક પ્લોટ ઓનર એસોસિએશનમાં ટ્રેઝર તરીકે કામ કરતા રાજેશ પટેલ દ્વારા આ પ્લોટના આરોપીના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ બોગસ દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું.
પટાવાળાને ટ્રેઝર બનાવી જમીન ટ્રાન્સફર કરી દેતા
મહત્વનું છે કે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ આરોપી ભરત લેખી છે. આરોપી ભરત લેખી સ્ટર્લીંગ ગ્રીનવુડમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નોકરી કરે છે, સ્ટર્લીંગ ગ્રીનવુડ કંપનીએ ડેવલોપરની કંપની છે. ઓગણજ પાર્ક પ્લોટ ઓનર્સ એસોસિએશન નામની સોસાયટી આજ સુધી ભરત લેખી હસ્તક જ છે. જે સોસાયટીમાં આરોપી ભરત લેખી દ્વારા તેના પટાવાળા તરીકે નોકરી કરતા રાજેશ પટેલને ટ્રેઝર તરીકે નિમણૂક આપી હતી. આ ઉપરાંત અન્ય આરોપી મનુ રાજપુત વર્ષ 2010ની સાલમાં નોટરી વેચાણ અને કબજા કરાર કરેલા છે, જેનો ઉપયોગ તેણે વર્ષ 2024માં કરી પોતાના નામે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યો હતો, તેજ દિવસે આરોપી કિશોર ગુપ્તાને રજિસ્ટર વેચાણ દસ્તાવેજ પણ કરી દીધો હતો. જે બાદ ઓગણજ પ્લોટ ઓનર એસોસિએશનમાં પણ તે જ દિવસે પ્લોટના મૂળ માલિક રાજેશ અને કલ્પનાબેનના નામથી આરોપી મનુભાઈ રાજપૂતના નામે આરોપી કિશોર ગુપ્તાના નામ ઉપર પ્લોટ ગેરકાયદેસર ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરી હતી.
હાલ તો પોલીસે આ કૌભાંડના માસ્ટર માઈન્ડ ભરત લેખી ઉપરાંત પાવરને આધારે પ્લોટ ખરીદનાર કિશોર ગુપ્તા તેમજ મૂળ પટાવાળા તરીકે નોકરી કરતા અને ટ્રેઝરનો હોદો ધરાવતા શેર સર્ટિફિકેટ ટ્રાન્સફર કરનાર રાજેશ પટેલની ધરપકડ કરી છે. જોકે આ કૌભાંડમાં ખોટી નોટરી વેચાણ કરાર અને પાવર બનાવનાર મનુભાઈ રાજપુતની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ટોળકી દ્વારા અન્ય કોઈ વ્યક્તિના પ્લોટને ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કર્યા છે કે કેમ?