Ahmedabad: કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, 24 કલાકમાં ત્રણ હત્યાથી ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉપરાછાપરી ત્રણ હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાણીપ, અમરાઇવાડી અને અસલાલીમાં બનેલી આ ઘટનાઓમાં પારિવારિક કલહ, અનૈતિક સંબંધોની શંકા અને લૂંટ જેવા કારણો સામે આવ્યા છે.
રાણીપમાં કંટાળીને પિતા જ બન્યા હત્યારા
પહેલો બનાવ શહેરના રાણીપ વિસ્તારમાં ખોડિયાર નગરમાં બન્યો હતો, જ્યાં પુત્રના વર્તનથી કંટાળી ગયેલા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી નાખી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવક જયેશ ગોહેલની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને પુત્રના હત્યારા પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પારિવારિક કલહનું આ કરુણ પરિણામ જોઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
અસલાલીમાં લૂંટ વિથ મર્ડર
બીજો ગંભીર બનાવ અમદાવાદના અસલાલી નજીક આવેલા મહિજડા ગામે સામે આવ્યો છે, જ્યાં લૂંટના ઇરાદે એક વૃદ્ધાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધા કચરો વીણવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજે ઘરે પરત ન ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હત્યારાઓએ વૃદ્ધાના શરીર પરના દાગીનાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ તેમની હત્યા કરી દીધી હતી. મૃતદેહ પાસેથી આશરે ૧.૧૧ લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ થયાની વિગતો સામે આવી છે. અસલાલી પોલીસે આ લૂંટ વિથ મર્ડરના બનાવમાં અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમરાઇવાડીમાં અનૈતિક સંબંધોની આશંકાએ હત્યા
ત્રીજી હત્યાનો બનાવ અમરાઈવાડીના આદર્શ એપાર્ટમેન્ટમાં બન્યો હતો, જેનું કારણ અનૈતિક સંબંધોની શંકા હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પતિને શંકા હતી કે તેની પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો છે. પતિની ગેરહાજરીમાં પત્નીનો મિત્ર/પ્રેમી તેને મળવા આવ્યો હતો. આ વાતની જાણ થતાં પતિ ત્યાં પહોંચ્યો હતો અને આવેશમાં આવીને ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકીને પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં 24કલાકમાં બનેલી આ ત્રણ હત્યાની ઘટનાઓથી શહેરીજનોમાં ભયની લાગણી ફેલાઈ છે અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
What's Your Reaction?






