World Alzheimer's Day : ટેક્નોલોજી ઉપર વધુ પડતી નિર્ભરતા મગજના સ્વાસ્થ્ય માટે જોખમી, ડોક્ટરોએ આપી ચેતવણી

Sep 20, 2025 - 18:00
World Alzheimer's Day : ટેક્નોલોજી ઉપર વધુ પડતી નિર્ભરતા મગજના સ્વાસ્થ્ય માટે જોખમી, ડોક્ટરોએ આપી ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આપણા રોજિંદા જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટલ ટુલ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે ખૂબ જ સરળ કામગીરી માટે પણ ટેક્નોલોજી ઉપરની નિર્ભરતા સામે ડોક્ટરો ચેતવણી આપી રહ્યા છે. આ ટુલ્સ કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે ત્યારે તેનો વધુ પડતો ઉપયોગ મગજની કુદરતી પ્રવૃત્તિઓ અને કલ્પનાશક્તિને મર્યાદિત કરે છે.

ટેક્નોલોજી પર વધુ પડતી નિર્ભરતા કલ્પનાશક્તિ અને યાદ રાખવાની શક્તિને નબળી કરે છે

અલ્ઝાઇમર એક પ્રગતીશીલ ન્યુરોલોજીકલ સ્થિતિ છે અને ડિમેન્શિયાના સૌથી સામાન્ય કારણો પૈકીનું એક છે. મોટાભાગે 60 વર્ષની ઉંમરની વ્યક્તિમાં જોવા મળતી આ સમસ્યા અંગે જાગૃકતામાં વધારો તેમજ લોકો ઉંમર વધવાના સંકેતોની અવગણના કરવાને બદલે તબીબી સલાહ લઈ રહ્યાં હોવાથી તેની જાણકાર પહેલેથી મળી જાય છે. ડોક્ટર ભાર પૂર્વક કહે છે કે ડિમેન્શિયા વધતી ઉંમરનો એક સ્વાભાવિક હિસ્સો નથી, પરંતુ ગંભીર પરિસ્થિતિ છે, જેનું નિવારણ અને સમયસર હસ્તક્ષેપ આવશ્યક છે.

અમદાવાદ ખાતે સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ ડો. સુચેતા મુદગેરિકરે કહ્યું હતું કે, “વ્યક્તિનું મગજ નિયમિત ધોરણે પડકારોનો સામનો કરે ત્યારે સક્રિય અને સ્થિતિસ્થાપક રહે છે. કોયડા, આઉટડોર સ્પોર્ટ્સ અથવા નવા કૌશલ્યો શીખવાથી બ્રેઇન સેલ જીવંત અને કાર્યક્ષમ રહે છે. જોકે, આજના સમયમાં લોકો વાસ્તવિક દુનિયાની જગ્યાએ સ્ક્રીન સાથે વધુ જોડાયેલા છે. મુસાફરી કરતી વખતે પણ લોકો આસપાસની જગ્યાઓને જોવાને બદલે મોબાઇલ ફોન જોવાનું પસંદ કરે છે. ટેક્નોલોજી આપણા વિચારસરણીમાં મદદરૂપ બનવી જોઈએ, નહીં કે તેની જગ્યા લેવી જોઇએ. વધુ પડતી નિર્ભરતા કલ્પનાશક્તિ અને યાદ રાખવાની શક્તિને નબળી કરે છે, જે લાંબાગાળે મગજના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.”

ડિજિટલ લિસ્ટે સ્વાભાવિક યાદશક્તિનું સ્થાન લઇ લીધું

દૈનિક કામગીરીમાં પણ આ બદલાવ જોવા મળે છે. અમદાવાદ ખાતે ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ ડો. દેવાશીષ વ્યાસે કહ્યું હતું કે, “અગાઉ લોકો રૂટ, ફોન નંબર અથવા કોઇપણ કામ યાદ રાખતાં હતા. આ આદતોથી મગજ સક્રિય રહેતું હતું. આજે, નેવિગેશન એપ, રિમાઇન્ડર્સ અને ડિજિટલ લિસ્ટે સ્વાભાવિક યાદશક્તિનું સ્થાન લઇ લીધું છે, જેના પરિણામે માનસિક કસરતનું પ્રમાણ ઘટ્યું છે. જે વસ્તુ આપણી યાદશક્તિમાં વધારો કરતી હતી, તે હવે ડિવાઇસ દ્વારા થઇ રહી છે.” ડોક્ટર્સના કહેવા મૂજબ અલ્ઝાઇમરના શરૂઆતી લક્ષણોમાં હમણાં શું જમ્યાં, તે યાદ કરવામાં મૂશ્કેલી, વસ્તુ ઉપર ધ્યાન ન રાખી શકવું, પરિચિત રસ્તાઓ ભૂલી જવા અથવા નિર્ણય લેવામાં મૂશ્કેલી વગેરે સામેલ છે. શારીરિક પ્રવૃત્તિ અને પર્યાપ્ત આરામની અવગણના

ડોક્ટર્સે બાળકોના સ્ક્રીન ટાઇમ ઉપર નજર રાખવા પણ પરિવારોને સલાહ આપી છે. ટીવી, મોબાઇલ અથવા કોમ્પ્યુટર જોવાની જગ્યાએ તેમની સાથે મળીને પ્રોબ્લેમ-સોલ્વિંગ ગેમ રમો, જેનાથી બાળક અને પુખ્તવયના વ્યક્તિ બંન્નેની જ્ઞાનાત્મક કુશળતામાં વધારો થશે. જીવનશૈલીની પસંદગી વધુ એક મહત્વપૂર્ણ પરિબળ છે. મોટાભાગે ફળો અને શાકભાજીથી ભરપૂર સ્વસ્થ આહાર, શારીરિક પ્રવૃત્તિ અને પર્યાપ્ત આરામની અવગણના કરાય છે, પરંતુ તે મગજની કામગીરી માટે આવશ્યક છે. વિશેષ કરીને વિટામીન બી12 ચેતા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં શાકાહારી આહારમાં વિટામીન બી12નો પ્રાકૃતિક સ્રોત મર્યાદિત છે ત્યારે સપ્લીમેન્ટેશન અને જાગૃકતા યાદશક્તિ અને મગજની કામગીરીને સુચારું રાખી શકે છે.

ડો. મુદગેરિકરે ઉમેર્યું હતું કે “40 વર્ષની ઉંમર બાદ માનસિક અને શારીરિક સક્રિયતા મહત્વપૂર્ણ છે. નવી ભાષા શીખવી, શોખ પૂરો કરવો, ફિઝિકલ ગેમ રમવા જેવા કાર્યોથી મગજની સ્થિતિસ્થાપકતામાં સુધારો થઇ શકે છે. તે ઉપરાંત બેઠાડા જીવનથી દૂર રહીને ફિઝિકલ ફિટનેસથી માનસિક સ્વાસ્થ્યને ટેકો મળી રહે છે.” વર્લ્ડ અલ્ઝાઇમર ડે નિમિત્તે ડો. દેવાશીષ વ્યાસે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ વિચાર કરે કે કેવી રીતે ટેક્નોલોજી રોજિંદી કામગીરીને પ્રભાવિત કરે છે. સામાન્ય કામગીરી માટે ડિવાઇસ ઉપરની નિર્ભરતા ઘટાડવી, મગજને પ્રેરિત કરતી કામગીરી કરવી અને વૃદ્ધોને વ્યસ્ત રહેવામાં મદદ કરવાથી મગજના સ્વાસ્થ્યને સપોર્ટ મળી રહે છે. આખરે, મગજને સુરક્ષિત રાખવું એટલે ટેક્નોલોજીના લાભોને મગજની પ્રાકૃતિક શક્તિઓ સાથે સંતુલિત કરવી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0