Vadodara News: મકરપુરાની સોસાયટીમાં એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા, હથિયારો સાથે તસ્કરો CCTVમાં કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બનિયાન ગેંગ'ના તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. આ શાતિર ગેંગની ટોળકીએ સોસાયટીમાં ઘૂસીને એક જ રાતમાં એકસાથે ૫ જેટલા મકાનોના તાળા તોડી ધાડ પાડી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
હાથમાં ચપ્પલ અને હથિયારો સાથે રેકી કરતા દેખાયા
આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સાગરીતો પરંપરાગત ચડ્ડી-બનિયાન પહેરીને, અવાજ ન થાય તે માટે હાથમાં ચપ્પલ પકડીને સોસાયટીની ગલીઓમાં રેકી કરી રહ્યા છે. એટલું જ નહીં, તસ્કરોના હાથમાં તીક્ષ્ણ અને જોખમી હથિયારો પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હથિયારધારી તસ્કરોની આ હિલચાલ જોઈને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે કે જો કોઈ જાગી ગયું હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત.
CCTV ફૂટેજના આધારે મકરપુરા પોલીસ એક્શનમાં
મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ગ્રીન પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લઈ તેના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોએ વહેલી તકે આ ગેંગને પકડી પાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

