Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Jun 4, 2026 - 10:00
Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે પ્રતિબંધિત અને કિંમતી એવા લીલા ખેરના ઝાડનું ગેરકાયદેસર કટિંગ કરીને લાકડા ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ દરમિયાન ગત રાત્રે વાઘોડિયાના વલવા ગ્રામ પંચાયત વિસ્તારની સીમમાંથી કિંમતી લાકડાની ચોરી કરવાનું એક મોટું કૌભાંડ સ્થાનિક જાગૃત ગ્રામજનો અને ખેડૂતોની સતર્કતાના કારણે નિષ્ફળ રહ્યું છે. રાત્રિના અંધારાનો લાભ લઈને વલવા ગામની સીમમાં ઘૂસેલા ચાર શખ્સો લીલાછમ ખેરના ઝાડનું કટિંગ કરી રહ્યા હતા, જેમને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

2 ચોરને લોકોએ ઝડપી લીધા

મળતી વિગતો મુજબ, રાત્રિના સમયે ખેતરોની સીમમાં ઝાડ કપાવાનો અવાજ આવતા સ્થાનિક ખેડૂતો અને વલવા ગામના લોકો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસાથે દરોડો પાડીને લાકડા ચોરોને ચારેય તરફથી ઘેરી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન હોબાળો મચી જતાં તસ્કરોમાં દોડધામ મચી ગઈ હતી. તકનો લાભ લઈને બે શખ્સો અંધારામાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ ગ્રામજનોએ પીછો કરીને અન્ય બે આરોપીઓને ઘટનાસ્થળે જ દબોચી લીધા હતા. ગેરકાયદેસર રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડી આર્થિક ફાયદો મેળવનારા આ લાકડા ચોરોને ગ્રામજનોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

2 શખ્સ ભાગવામાં સફળ

આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પકડાયેલા બંને શખ્સોને પોતાના તાબામાં લીધા હતા અને ચોરીના લાકડા તેમજ કટિંગના સાધનો જપ્ત કર્યા હતા. વાઘોડિયા પોલીસે ગ્રામજનોની ફરિયાદના આધારે ગુનો નોંધીને પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેના આધારે ભાગી છૂટેલા અન્ય બે શખ્સોને ઝડપી પાડવા અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0