Teachers Day 2025 : વલસાડના એવા 4 શિક્ષક જેમણે વિદ્યાર્થીઓનું 'ભણતર' જ નહીં, પરંતુ સમાજના 'ઘડતર'નું પણ કર્યું 'ચણતર'

Sep 4, 2025 - 19:30
Teachers Day 2025 : વલસાડના એવા 4 શિક્ષક જેમણે વિદ્યાર્થીઓનું 'ભણતર' જ નહીં, પરંતુ સમાજના 'ઘડતર'નું પણ કર્યું 'ચણતર'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

5 સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ કરાવે છે કે, શિક્ષક સમાજની કરોડરજ્જુ છે, તેમના વિના દેશ પર્ગતિના પંથે આગળ વધી શકતો નથી. 5 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લાના એવા ચાર શ્રેષ્ઠ શિક્ષકો કે જેમનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે એવોર્ડ દ્વારા સન્માન થશે. જિલ્લાના આ 4 શ્રેષ્ઠ શિક્ષકો કોણ છે અને તેઓએ શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન આપ્યુ હતું કે, તેઓ આ સન્માનના અધિકારી બન્યા છે , જોઈએ આ અહેવાલમાં.

વલસાડમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2025 યોજાશે

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 5 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ- 2025 યોજાનાર છે. જેમાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થશે. જિલ્લા કક્ષાએ સન્માન શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર છે કપરાડા તાલુકાના ટીસ્કરી જંગલ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તૃપ્તિબેન પટેલ. તેમણે શાળા કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ, સમાજમાં વિવિધ સેવા માટે પ્રદાન અને જોડાણ, વિદ્યાર્થીઓનો બાહ્ય વિકાસ, ગુણોત્સવમાં શાળાનું ઉત્તમ પરિણામ, રાજ્યકક્ષાએ લેખન કામગીરી, કે.આર.પી તરીકેની વિશેષ ભૂમિકા, ગુજરાતી અને ગણિત નાના બાળકોને સરળ રીતે રમતા રમતા શીખવવું, ઈનોવેટિવ પેડાગોજી આધારિત વર્ગમાં શિક્ષણ કાર્ય, ઇનોવેશનમાં રાજ્ય કક્ષાએ તથા ઝોન કક્ષાએ વિદ્યાર્થીઓને જરૂરિયાત સમયે દાન ભેટ, શાળા બહારના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે વિશેષ પ્રયાસ વગેરે જેવી બાબતોને ધ્યાને લઈ તેઓની જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે.

શિક્ષક ડિમ્પલબેને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ભગીરથ પ્રયાસ કર્યા

બીજા શિક્ષક છે વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક ડિમ્પલબેન પટેલ. છેલ્લા 16 વર્ષથી તેઓ અનેક વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન ભણાવી રહ્યા છે. તેમના અથાગ પ્રયાસને કારણે એસએસસી બોર્ડમાં ગણિત અને વિજ્ઞાન વિષય તેમજ ગુણોત્સવમાં શ્રેષ્ઠ પરિણામ આવ્યું હતું. શાળામાં સ્વચ્છતા જાળવી વર્ષ 2017 અને 2018માં રાજ્ય કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ તેમજ વર્ષ 2024-25માં જિલ્લા કક્ષાએ સક્ષમ શાળાનો દ્વિતિય ક્રમ મેળવ્યો હતો. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પણ તેમણે ભગીરથ પ્રયાસ કર્યા હતા. જિલ્લા પરીક્ષા સમિતિ સાથે સંકલન કરી આદર્શ પ્રશ્ન બેંક – 2021 અને ‘‘100 ટકા પરિણામ એક સર્વેક્ષણ’’ પુસ્તક રચનામાં શ્રેષ્ઠ સંકલનકર્તા તરીકે ભૂમિકા ભજવી હતી. આ સિવાય વખતોવખત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરતા આવ્યા છે. શિક્ષક વિનોદભાઈએ સમાજશાસ્ત્ર અને ભૂગોળ વિષયમાં વર્ષ 2010થી અત્યાર સુધી 100 ટકા પરિણામ મેળવ્યું

ત્રીજા શિક્ષક છે, ઉમરગામ તાલુકાના ગોવાડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક વિનોદભાઈ ધોડી કે જેમણે કલગામ ખાતે નવી મંજુર થયેલી મોડેલ ડે સ્કૂલ ચાલુ કરવામાં આચાર્ય અને સાથી શિક્ષકને મદદરૂપ થઈ મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ સિવાય સમાજશાસ્ત્ર અને ભૂગોળ વિષયમાં વર્ષ 2010થી અત્યાર સુધી 100 ટકા પરિણામ મેળવ્યું છે. આજે પણ તેઓ અધ્યયન અને અધ્યાપનમાં ટેકનોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પીરસી રહ્યા છે. ચારેય શિક્ષકો સમાજને સાચી દિશા બતાવનારા અને બાળકોના ઘડવૈયા બન્યા

ચોથા છે નેહલબેન ઠાકોર કે જેઓ ધરમપુર તાલુકામાં બી.આર.સી.કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે વર્ષ 2010માં રાજ્ય કક્ષાના રમોતોત્સવમાં યોગામાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. બીઆરસી તરીકે તાલુકાના વધુને વધુ બાળકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ મેરીટમાં આવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવે એ માટે વિશેષ પ્રયત્નો કર્યા છે. આ સિવાય દિવ્યાંગ બાળકોના શિક્ષણ પર વિશેષ ભાર આપી રિસોર્સ રૂમ પર આવતા બાળકોને જરૂરી તમામ સાધન સામગ્રી અપાવી સારું શિક્ષણ મેળવે એવા પ્રયત્નો કર્યા હતા જેના પરિણામ સ્વરૂપે તાલુકાના બે દિવ્યાંગ બાળકો રાજ્ય કક્ષાના રમતોત્સવમાં રાજ્યમાં પ્રથમ આવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. આમ, ઉપરોક્ત ચારેય શિક્ષકો સમાજને સાચી દિશા બતાવનારા અને બાળકોના ઘડવૈયા બન્યા છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનનો સંદેશ છે કે, શિક્ષણ જ વાસ્તવિક શક્તિ છે અને શિક્ષક જ શક્તિના વાહક છે જેને ખરા અર્થમાં આ શિક્ષકો ચરિતાર્થ કરી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0