Surat: ઉધના સ્ટેશનનો 15,000 ની ક્ષમતાવાળો હોલ છલકાઈ ગયો; ટ્રેન પકડવા શ્રમિકો 24 કલાક અગાઉથી લાઈનમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રકાશના મહાપર્વ દિવાળી તેમજ ઉત્તર ભારતીયોના સૌથી મોટા લોકઆસ્થાના પર્વ છઠ પૂજાની ઉજવણી માટે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત જાણે ખાલી થઈ રહ્યું હોય તેવા અભૂતપૂર્વ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરત શહેર અને તેની આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં રાત-દિવસ પરસેવો પાડતા લાખો પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતને પહોંચવા માટે ઉમટી પડતાં સુરત સેન્ટ્રલ અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો મહાસાગર હિલોળે ચડ્યો છે. મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા ઉધના સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલો ૧૫,૦૦૦ થી વધુ યાત્રીઓની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ્ડિંગ એરિયા અને યાત્રી સુવિધા કેન્દ્ર સંપૂર્ણપણે ખીચોખીચ ભરાઈ ગયો છે. ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા મેળવવા માટે શ્રમિક પરિવારો ૨૪ કલાક અગાઉથી જ સ્ટેશને ધામા નાખીને બેસી ગયા છે.
10 ટ્રેનો દોડાવાઈ, છતાં 12 થી 18 કલાક સુધી ઊભા રહેવાની મજબૂરી
ગઈકાલ રાતથી આજના દિવસ સુધીમાં પશ્ચિમ રેલવે દ્વારા કુલ 10 ટ્રેનો દોડાવવામાં આવી છે, જેમાં 3 નિયમિત અને 7 સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ પૈકી 6 ટ્રેનો યુપી અને બિહાર તરફ રવાના થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી લઈને આજે સવારે 10 વાગ્યા સુધીમાં જ 15,000 થી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા શેડ અને હોલ્ડિંગ એરિયા બનાવીને મુસાફરોને તડકાથી બચાવવાની સુવિધા ચોક્કસ પૂરી પાડવામાં આવી છે, પરંતુ જનરલ કોચમાં જગ્યા મેળવવા માટે મુસાફરો 12 થી 18 કલાક સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નાના બાળકો અને સામાન સાથે પરિવારો કલાકો સુધી પ્લેટફોર્મ અને હોલમાં અટવાયેલા જોવા મળી રહ્યા છે.કન્ફર્મ ટિકિટ ન હોવા છતાં જનરલ ડબ્બામાં બેસવાની આશાએ યાત્રીઓ પોતાની નિયત ટ્રેનના સમય કરતાં 24 કલાક અગાઉથી જ ઉધના હોલ્ડિંગ સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે.
અગિયારસથી છઠ પૂજા સુધી 3 લાખ શ્રમિકો વતન જશે
રેલવેના સત્તાવાર ડેટા મુજબ, 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત અને ઉધનાથી 4 લાખથી વધુ મુસાફરો વતન તરફ રવાના થઈ ચૂક્યા છે. માત્ર દિવાળીની અગિયારસથી લઈને છઠ પૂજાના સમાપન સુધીમાં જ વધુ અઢીથી ત્રણ લાખ જેટલા શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા તરફ પ્રયાણ કરશે. લાખો કારીગરો એકસાથે વતન રવાના થતાં શહેરના ડાઇંગ-પ્રિન્ટિંગ મિલો, લૂમ્સ કારખાનાઓ અને હીરાના એકમોમાં મિની વેકેશન જેવો માહોલ છવાઈ ગયો છે.ભીડને નિયંત્રિત કરવા માટે RPF, GRP અને સુરત શહેર પોલીસના જવાનો ખડેપગે તૈનાત છે અને કતારબદ્ધ રીતે યાત્રીઓને ટ્રેનમાં ચડાવવામાં આવી રહ્યા છે જેથી નાસભાગ જેવી કોઈ અણધારી ઘટના ન બને.
આ પણ વાંચો: Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક; CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, CS, DGP અને સેન્ટ્રલ એજન્સીઓ હાજર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

