Sabarkanthaના ઇડરના લાલોડા ગામે ખનન માફિયાઓનો આતંક, ગૌચર જમીન અને તળાવમાંથી લાખો મેટ્રિક ટન રેતી-માટીની ખુલ્લેઆમ ચોરી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલોડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ખનન માફિયાઓની બેફામ લૂંટનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિકાસના પ્રોજેક્ટ્સની આડમાં બેફામ બનેલા ખનન માફિયાઓએ ગામના પશુઓની જીવાદોરી સમાન ગૌચર જમીન અને જળસ્રોતને બરબાદ કરી નાખ્યા છે. ગામના ગૌચર અને તળાવમાંથી પરવાનગી વગર લાખો મેટ્રિક ટન રેતી અને માટીની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી છે, જેના કારણે લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થઈ હોવા છતાં જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નથી.
8 હેક્ટર ગૌચર અને 3 હેક્ટર તળાવની જમીનમાંથી રેતી-માટીની ખુલ્લેઆમ લૂંટ
પ્રાપ્ત વિગતો મુજબ, લાલોડા ગામની ગૌચર જમીનના જૂના સર્વે નંબર 496 અને નવા સર્વે નંબર 32 માંથી 8 હેક્ટર કરતાં વધુ જમીન પરથી બેફામ ખનન કરીને રેતી અને માટી ઉઠાવી લેવાઈ છે. આટલું જ નહીં, પરંતુ વાચેરું તળાવના જૂના સર્વે નંબર 272 અને નવા સર્વે નંબર 828 ની અંદાજે 3 હેક્ટર જમીન માંથી પણ મોટા પાયે ખનિજ ચોરી કરવામાં આવી છે. શામળાજીથી ખેરાલુ સુધી બની રહેલા નેશનલ હાઈવે 168-G ના નવીનીકરણ અને રોડ નિર્માણની કામગીરીમાં આ ચોરી કરાયેલી માટીનો વપરાશ થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પશુપાલકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર ખનન થતું હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયત, મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારી, કલેક્ટર તેમજ ખાણખનિજ વિભાગના અધિકારીઓ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. સ્થાનિક પંચાયત આ મામલે સાચે જ અજાણ છે કે પછી ખનન માફિયાઓ સાથે તેમની મિલીભગત છે તે મોટો સવાલ છે. ગામના પશુપાલકો અને સ્થાનિક નાગરિકોના જીવ સમાન ગૌચર જોખમમાં મુકાતા હવે તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે અને તાત્કાલિક ધોરણે તમામ જવાબદાર માફિયાઓ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો : Gandhinagar News : ડિજિટલ સુરક્ષામાં ગુજરાતની મોટી સિદ્ધિ, મોબાઈલ રિકવરી રેટમાં 50.75% સાથે ગુજરાત દેશના મોટા રાજ્યોમાં બીજા ક્રમે!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

