જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તવી નદી બન્ને કાંઠે વહી રહી છે. નવા નીરની આવક થતા નદી, ડેમ, નાળાઓ છલકાયા છે. પાકિસ્તાનમાં પૂરનું સંકટ વધવાની ચેતાવણી આપવામાં આવી છે. પાડોશી દેશમાં કુદરતે બતાવેલા રૌદ્ર સ્વરૂપ સામે મદદ કરવા માટે ભારત આગળ આવ્યુ છે. ભલે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હોય પરંતુ સારા પાડોશી તરીકે ભારત પોતાની ફરજ નિભાવી રહ્યુ છે.
વરસાદના કારણે જન-જીવન ખોરવાયુ
જમ્મૂ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તવી નદીના વહેણ રૌદ્ર બન્યા છે. આ નદી બન્ને કાંઠે વહેતી થઇ છે. ભારતે તવી નદીમાં આવેલા પૂર સંકટ મામલે પાકિસ્તાનને ચેતવ્યુ છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તેમ છતાં ભારત પાડોશી દેશ માટે આગળ આવ્યુ છે. ભારતે પાકિસ્તાનને ચેતાવણી આપતા સાવચેત રહેવા જણાવ્યુ છે. જમ્મૂ-કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે જન-જીવન ખોરવાયુ છે. અને વેપારને મોટુ નુકસાન થયુ છે. આ સિવાય બજારોમાં પાણી ભરાતા સમાનને નુકસાન પહોંચ્યુ છે. અને અનાજનો નાશ થયો છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ જોવા મળ્યુ છે. વાહનોના સ્થાને હોડીઓ જોવા મળી રહી છે.
પૂર સંકટ અને લેન્ડ સ્લાઇડનો ભય
જમ્મૂ-કાશ્મીરના જળ સ્તરની નિગરાનીનો આદેશ આપવામાં આવ્યો છે. ઝેલમ, રાવી અને તવી નદી પર ખાસ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યુ છે. મૌસમ વિભાગે 27 ઓગષ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તો સાથે જ ઊંચાઇવાળા વિસ્તારો પર વાદળો ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે. પૂર સંકટ, લેન્ડ સ્લાઇડ માટે પણ ચેતાવણી આપવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે શાળા અને શૈક્ષણિક કાર્યો બંધ રાખવામાં આવ્યા છે. ધોરણ- 11 અને 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.