કંડલાના દરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો છે. ઓઈલ જેટ પરથી નીકળ્યા બાદ જહાજમાં વિસ્ફોટ થયો છે. ટેન્ક ફાટતા જહાજ એક તરફ નમી ગયું અને કેટલાક પ્રયત્નો કરવા છતાં પણ જહાજ સીધું ના થઈ શક્યું. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હોવાની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી. આ જહાજમાં સવાર 21 ક્રુ સભ્યો સુરક્ષિત છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ કોસ્ટગાર્ડ અને પોર્ટ તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી અને તમામ લોકોને બચાવી લીધા છે.
કોસ્ટગાર્ડની ટીમ બચાવ કામગીરીમાં લાગી
મળતી માહિતી મુજબ કંડલાના દિન દયાલ પોર્ટ પરથી કેમિકલ ખાલી કરીને જહાજ આઉટર તુણા બોયા તરફ જઈ રહ્યું હતું, આ દરમિયાન કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને તમામ લોકો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં કોસ્ટગાર્ડની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે.
જહાજમાંથી ઈંધણ ખાલી કરવાની કામગીરી શરૂ
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેથેનોલ કેમિકલ ભરીને ફુલદા નામનું આ કેમિકલ જહાજ કંડલા પોર્ટ પર આવ્યું હતું અને કેમિકલ ખાલી કર્યા બાદ પરત ફરતી વખતે જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જો કે કયા કારણસર આ જહાજમાં બ્લાસ્ટ થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ થયા બાદ જહાજના પાછળના ભાગમાં મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની છે. હાલમાં જહાજ ચલાવવા માટેના ઈંધણને ખાલી કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.