Junagadh News : જૂનાગઢ ઝૂ માં છેલ્લા 7 વર્ષમાં 173 બચ્ચાનો જન્મ થયો, આજે વિશ્વ વરુ દિવસ

Aug 13, 2025 - 12:00
Junagadh News : જૂનાગઢ ઝૂ માં છેલ્લા 7 વર્ષમાં 173 બચ્ચાનો જન્મ થયો, આજે વિશ્વ વરુ દિવસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે તા.૧૩ ઓગસ્ટ એટલે વિશ્વ વરુ દિવસ. ત્યારે વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ વિશે જાણીએ તો, ભારતમાં રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ભાગોમાં જોવા મળતા ગ્રે વુલ્ફની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. આ પ્રાણી લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે. અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની સૂચિ 1 હેઠળ સુરક્ષિત છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 7 વર્ષમાં વરૂના 173 બચ્ચાંનો જન્મ થયો છે

ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ અને પુનરુત્થાન માટે આશાનું કિરણ બન્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફ સંરક્ષણ સંવર્ધન માટે પસંદ કરવામાં આવ્યું છે. સક્કરબાગ ઝૂ ના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 7 વર્ષમાં વરૂના 173 બચ્ચાંનો જન્મ થયો છે. અહી વૈજ્ઞાનિક પદ્ધતિઓ, અત્યાધુનિક સુવિધાઓ અને વિશેષ સંવર્ધન પહેલ દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

વરૂઓના રક્ષણ માટે રાત્રિ આશ્રય અને ક્રાલ (મજબૂત વાડ) ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

અહીં વરૂના પોષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણીય સંવર્ધન અને સંવર્ધન વ્યવસ્થાપન દ્વારા સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ વેગવાન બની રહ્યો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 2019-20માં 14, 2020-21માં 7, 2021-22માં 31, 2022-23માં 33, 2023-24માં 40 અને 2024-25માં 48- એમ સાત વર્ષમાં વરૂના કુલ 173 બચ્ચાંનો જન્મ થયો છે. અહી રેંજ ફોરેસ્ટ ઓફિસર નિરવ મકવાણા અને વેટરનરી ટીમ દ્વારા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ હેઠળ વરૂઓને ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક અને જરૂરી હોય તો સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. તેમજ ખોરાક અને પાણી સલામત અને ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે. એટલું જ નહીં, નિયમિત આરોગ્ય તપાસ, સેમ્પલ કલેક્શન, ત્વરિત તબીબી સંભાળ દ્વારા વરૂના આરોગ્ય પર દેખરેખ રાખવામાં આવે છે. પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને વરૂઓના રક્ષણ માટે રાત્રિ આશ્રય અને ક્રાલ (મજબૂત વાડ) ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વરૂઓના વસવાટમાં સ્વચ્છતાનું પણ કડકાઈથી પાલન કરવામાં આવે છે

તેમને નિયમિતપણે રસી આપવામાં આવે છે, દર ત્રણ મહિને ડીવૉર્મિંગ કરવામાં આવે છે અને રસીકરણ બાદ એન્ટીબૉડી લેવલ પણ તપાસવામાં આવે છે. સંવર્ધન જોડીઓને આનુવંશિક વિવિધતાને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે અને મેટિંગ, ગર્ભાવસ્થા, ફીડિંગ વગેરે પ્રવૃત્તિઓનું યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે છે. વરુઓની કુદરતી વર્તણૂકોને પ્રોત્સાહનને આપવા માટે ખાસ ખોરાક ઉપરાંત, ગંધ અને વાતાવરણમાં ફેરફાર જેવા પરિબળોનું ધ્યાન રાખવામાં આવે છે.

મેટિંગ બાદ માદા વરૂની ગોપનીયતા અને આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે

માદા વરૂની ગર્ભાવસ્થામાં હોર્મોન પરીક્ષણ, પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવામાં આવે છે અને બચ્ચાંનો જન્મ થયા બાદ સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત કરવા માટે તેમનું નિયમિત વજન અને આરોગ્ય તપાસવામાં આવે છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળતા પ્રાપ્ત કરીને ગુજરાતે વન સંરક્ષણમાં અન્ય રાજ્યો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સરકારના પ્રયાસોના પરિણામે વન્યજીવ સંરક્ષણમાં વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક વારસાનો લાભ ભાવિ પેઢીને મળે અને એક સંતુલિત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. વન્યજીવ સંરક્ષણ માટે વડાપ્રધાને જે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂક્યા હતા, તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતે ઇન્ડિયન ગ્રે વુલ્ફ (કેનિસ લ્યુપસ પેલિપસ) ના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પ્રારંભે મૈસુરથી નર વરુ ને લાવી બ્રિડીંગ કરાવ્યું હતું

સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનમાં વર્ષ ૨૦૧૪-૧૫ ના વર્ષથી ઇન્ડિયન ગ્રે વુલ્ફ બ્રીડીંગ સેન્ટર કાર્યરત છે. પ્રારંભે ફક્ત બે માદા વરુ હતી ત્યારે મૈસુર ઝૂં માંથી વરૂ પ્રતાપ નામના નર વરુને લાવીને બ્રીડીંગ કરાવવામાં આવ્યું હતું, અને તેનાથી સારા પરિણામ મળ્યા હતા. બ્રીડીંગ સેન્ટરોમાં વરુની વસ્તીમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને પ્રયાપ્ત માત્રામાં વરુની વસ્તી વધશે તો તેને ફરીથી જંગલ અને તેના આસપાસના વિસ્તારોમાં તેમજ વીડી વિસ્તારોમાં વરુની જોડીઓને કુદરતના ખોળે ફરીથી મુક્ત કરીને વારુણી પ્રજાતિનું પુનર્વાસ કરવામાં આવશે.

૨૦૨૩માં રાજ્યમાં ૨૨૨ વરુની સંખ્યા નોધાયેલ

જૂનાગઢ : ૨૦૨૩ માં રાજ્યના ૧૩ જિલ્લામાં ૨૨૧૭.૬૬ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વરુની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાતમાં ૨૨૨ વરુ નોધાયેલા હતા, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં ૮૦, નર્મદા જિલ્લામાં ૩૯, બનાસકાંઠામાં ૩૬, સુરેન્દ્રનગરમાં ૧૮, જામનગરમાં ૧૨, મોરબીમાં ૧૨ અને કચ્છમાં ૯ વરુ હોવાનો અંદાજ હતો, આ સિવાય પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી, સુરત જિલ્લામાં વરુનું અસ્તિત્વ નથી.

સક્કરબાગ ઝૂ માં વરુના જન્મમાં ઉતરોત્તર પ્રગતિ

૨૦૧૯-૨૦ : ૧૪ બચ્ચા

૨૦૨૦-૨૧ : ૦૭ બચ્ચા

૨૦૨૧-૨૨ : ૩૧ બચ્ચા

૨૦૨૨-૨૩ : ૩૩ બચ્ચા

૨૦૨૩-૨૪ : ૪૦ બચ્ચા

૨૦૨૪-૨૫ : ૪૮ બચ્ચા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0