Gandhinagar News : ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર

Oct 24, 2025 - 10:30
Gandhinagar News : ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવે પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી ટ્રાવેલ્સની બસ સર્વિસ રોડ પર એક હોટલ પાસે ઊભી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે પાછળથી તેને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માતના કારણે ટ્રાવેલ્સ બસમાં સવાર ૧૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રકચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાયો

આ અકસ્માતમાં સૌથી ગંભીર હાલત ટ્રકચાલકની થઈ હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેના કારણે ટ્રકચાલક તેની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ટ્રકચાલકને બહાર કાઢવો ખૂબ મુશ્કેલ હતો, તેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર આવીને કટર મશીનની મદદથી ટ્રકની કેબિનનો ભાગ કાપીને ચાલકને બહાર કાઢ્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રકચાલકને પણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક હાઇવે પર પહોંચી હતી અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રકચાલકની બેદરકારી કે અતિશય ઝડપ અકસ્માતનું કારણ હોઈ શકે છે. પોલીસે ટ્રક અને ટ્રાવેલ્સ બસને હટાવીને હાઇવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. જાહેર માર્ગ પર બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0