Bhuj : શહેરમાં પર્યુષણ પર્વ દરમ્યાન તપસ્વીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી કલાત્મક આંગી ભાવિકભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પર્યુષણ પર્વ દરમ્યાન જિનાલયમાં બિરાજમાન ભગવાનને દરરોજ સાંજે કલાત્મક આંગી ધરાવવામાં આવે છે. આ આંગીનું નિર્માણ જપ, તપની આરધના કરતાં તપસ્વીઓ દ્વારા જ કરવામાં આવતું હોય છે. કારણ કે, આંગીની રચના સમયે ભગવાનમાં સતત અનુષ્ઠાન રહેતું હોય છે. સામાન્ય રીતે પર્યુષણનાં આઠ દિવસ જિનાલયમાં બિરાજમાન ભગવાનને રાજા જેવો ઠાઠમાઠ આપવા માટે આંગી ધરાવવામાં આવતી હોય છે.
કલાત્મક આંગી તૈયાર કરવામાં તમામ લોકોનો સહયોગ
ભુજ ખાતે આરાધના ભુવન જૈન દેરાસરમાં બિરાજમાન ભગવાનને સ્થાનિક ભક્તો કે જેમના જપ, તપ ચાલુ હોય તેઓ પોતાની સૂઝબૂઝથી કલાત્મક આંગી તૈયાર કરીને પ્રભુને ધરાવી રહ્યા છે. પ્રભુના આંગી સાથેનાં અનોખા દર્શન કરીને ભાવિકભક્તો પણ ભાવવિભોર બની રહ્યા છે. અત્યારે પર્યુષણ પર્વ નિમિત્તે દરરોજ સવારથી બપોર સુધી આરાધના ભુવનના જૈન દેરાસર ખાતે અમિતાબેન ગાંધીનાં માર્ગદર્શનમાં મનીષા ત્રેવાડિયા, સ્નેહા કરોડિયા, વંશિકા વોરા, પ્રેક્ષા ત્રેવાડિયા, રુચિ ગાંધી, દર્શી ગઢેચા, મૈત્રી દોશી, કિંજલ ત્રેવાડિયા, કિંજલ મહેતા, નિધિ લોદરિયા, દિવ્યા ત્રેવાડિયા, પશ્વી મહેતા, અક્ષિત ગાંદી, હેન્સી પટવા, પ્રિન્સિ મહેતા, મૈત્રી મહેતા અને નિધિ વોરા કલાત્મક આંગી તૈયાર કરવામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે.
આંગી તૈયાર કરવામાં મેંદા લાકડી-વાસ્કેપનો ઉપયોગ
જિનાલયમાં બિરાજમાન ભગવવાને ધરાવવામાં આવતી કલાત્મક આંગીને તૈયાર કરવામાં ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. પ્રભુની મૂર્તિ મોટી હોય તો તેમાં થોડો વધુ સમય લાગે છે. આંગી તૈયાર કરવામાં મુખ્યત્વે મેંદા લાકડી, વાસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ પવિત્ર વસ્તુઓની મદદથી તેમજ હીરા, મોતી, આભલા, દોરી, સોના-ચાંદીનાં વરખ, સહિતની સુશોભિત વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને યુવાનો દ્વારા આ તમામ વસ્તુઓનાં સથવારે આકર્ષક આંગી તૈયાર કરવામાં આવતી હોય છે અને તેને બપોર બાદ ભગવાને ધરાવવામાં આવતી હોય છે. આંગીની સાથે જ્યારે દીપ પ્રજ્વલિત થતાં હોય છે ત્યારે ભગવાન સાક્ષાત બિરાજમાન હોય તેવો ભાવ ભાવિકભક્તોમાં ઊભો થયા વગર રહેતો નથી.
પર્યુષણ તેમજ વિવિધ પ્રસંગોપાત ભગવાનને ધરાવાતી આંગી
પર્યુષણ દરમ્યાન તેમજ વિવિધ પ્રસંગોપાત ભગવાનને ધરાવવામાં આવતી કલાત્મક આંગી ભાવિકભક્તોમાં હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. કારણ કે, પ્રભુનો ઠાઠમાઠ સ્પષ્ટપણે દૃશ્યમાન થતો હોય છે. જોકે, મોટા-મોટા જિનાલયોમાં તો હવે બહારથી પણ કલાકારોને બોલાવીને કલાત્મક, આકર્ષક આંગી તૈયાર કરાવવામાં આવતી હોય છે. આંગી સાથેનાં દર્શનનો લાભ લઇને ભક્તો ધન્યતા અનુભવતાં હોય છે. આ જોતાં પર્યુષણ પર્વ દરમ્યાન ભગવાનને ધરાવવામાં આવતી આંગી કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તેની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
What's Your Reaction?






