Ahmedabad સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત અંગદાનથી 3 દર્દીઓને મળ્યું નવું જીવન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
"કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે." અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના અત્યંત દુઃખદ સમયે પણ ‘ગુપ્તદાન’ સ્વરૂપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી નિર્ણય લીધો છે.
કુલ અંગદાનનો આંકડો 241
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઉમદા નિર્ણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 241 પર પહોંચી ગયો છે, જ્યારે કુલ અંગ-પેશી દાનનો ઐતિહાસિક આંકડો 1035ને પાર થઈ ગયો છે.
પરિવારે ઓળખ છૂપી રાખવાની શરતે આપ્યું નવજીવન
ઉત્તર ગુજરાતના રહેવાસી એક 31 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગત તા. 27 મે 2026ના રોજ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કરવામાં આવ્યા હતાં. યુવાન વયે સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુઃખ હોવા છતાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમના ડૉ. જીનેન પંડ્યા અને ડૉ. ભાવેશ પ્રજાપતિની સમજાવટથી પરિવારે મોટું દિલ રાખ્યું હતું અને પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે, ગુપ્તદાન સ્વરૂપે અંગદાનની મંજૂરી આપી હતી.
એક લીવર અને બે કિડનીનું મળ્યું દાન
આ અંગદાન દ્વારા બ્રેઈનડેડ મહિલાના શરીરમાંથી એક લીવર અને બે કિડની મળી કુલ 3 મહત્વપૂર્ણ અંગો મેળવવામાં આવ્યા છે. આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં લાંબા સમયથી પ્રત્યારોપણની રાહ જોતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ઐતિહાસિક રેકોર્ડ
ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે પશ્ચિમ ભારતનું અંગદાનનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થકી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં સફળતા મળી છે. જેમાં 445 કિડની, 215 લીવર, 76 હૃદય, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 06 હાથ, 02 નાનાં આંતરડાં, 194 ચક્ષુ તેમજ 44 ચામડીનો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની ભાવુક અપીલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની ભાવુક અપીલ કરવામાં આવી છે કે, અંગદાન એ મહાદાન છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અને અંગદાતાઓના પરિવારોના સહયોગથી આજે આપણે 1,035 અંગો-પેશીઓ મેળવીને સેંકડો પીડિત દર્દીઓનાં જીવનમાં ઉજાસ પાથરી શક્યા છીએ. આ ઉમદા કાર્ય બદલ અમે તમામ દાતા પરિવારોના સદાય ઋણી રહીશું.
આ પણ વાંચો - Gujarat Weather Update: 4 દિવસ સુધી વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

