Ahmedabad: અનાજ-ખાંડ હોવા છતાં સર્વર 4 દિવસથી ડાઉન, ગુજરાતના 72 લાખ ગરીબો ખાલી હાથે પાછા ફર્યા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિ જેવા પવિત્ર અને મોટા તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્યભરની સસ્તા અનાજની (FPSS) દુકાનોમાં ઓક્ટોબર માસનો ઘઉં, ચોખા અને ખાંડ સહિતનો જથ્થો પહોંચી ગયો હોવા છતાં પુરવઠા વિભાગનું સેન્ટ્રલ ઓનલાઈન સર્વર છેલ્લા ચાર દિવસથી સંપૂર્ણપણે ઠપ થઈ જતાં વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે. જેના કારણે રાજ્યના ૭૨ લાખથી વધુ રેશનકાર્ડધારક પરિવારો તહેવાર ટાણે અનાજ મેળવવા માટે વલખાં મારી રહ્યા છે.
17 હજારથી વધુ પંડિત દીનદયાળ દુકાનોમાં વિતરણ અટક્યું
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કાર્યરત અંદાજે 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં ઓક્ટોબર મહિનાનું અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, લાભાર્થીઓની બાયોમેટ્રિક ચકાસણી અને આધાર ઓથેન્ટિકેશન માટે ઉપયોગમાં લેવાતું ઓનલાઈન સોફ્ટવેર અને સર્વર છેલ્લા ચાર દિવસથી વારંવાર ક્રેશ થઈ રહ્યું છે અથવા તો ધીમું પડી ગયું છે.સર્વર સાથે કનેક્ટિવિટી ન મળવાના કારણે ઈ-પોસ (e-POS) મશીનો સ્વીકાર બંધ થઈ જતાં દુકાનદારો ગ્રાહકોને અનાજ વિતરણ કરી શકતા નથી. પરિણામે દુકાનોમાં માલ પડ્યો હોવા છતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.
તહેવારોમાં કાર્ડધારકોને ધરમના ધક્કા
નવરાત્રિના પર્વ દરમિયાન સામાન્ય રીતે પરિવારોમાં ખાદ્યસામગ્રીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. રાજ્યના શ્રમિકો અને ગરીબ વર્ગના લોકો પોતાની મજૂરી છોડીને સવારથી રેશનિંગની દુકાનો બહાર કલાકો સુધી લાંબી લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ કલાકો બાદ પણ "સર્વર ડાઉન છે, પછી આવજો" તેવો જવાબ મળતાં લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે.ગ્રાહકોનો સીધો આક્ષેપ છે કે દર વખતે તહેવારો આવે ત્યારે જ પુરવઠા તંત્રની ઓનલાઈન સિસ્ટમ ખોટકાઈ જાય છે.ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે કલાકો સુધી સર્વર બંધ રહેવું તંત્રની અણઆવડત દર્શાવે છે.સર્વર ન ચાલતું હોય તો ઓફલાઈન અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી અનાજ આપવું જોઈએ, જેથી તહેવારો બગડે નહીં.દુકાનદારો પણ મુશ્કેલીમાં
સસ્તા અનાજના દુકાનદારો પણ આ સમસ્યાથી કંટાળી ગયા છે. દુકાનદારોનું કહેવું છે કે સર્વર ન ચાલવાને કારણે ગ્રાહકોનો રોષ અમારે સહન કરવો પડે છે. સવારથી સાંજ સુધી મશીન રીબૂટ કરવા છતાં પેજ ખુલતું નથી.જ્યાં સુધી નાગરિક પુરવઠા વિભાગ આ ટેકનિકલ ખામી તાકીદે દૂર નહીં કરે ત્યાં સુધી રાજ્યના ૭૨ લાખ કાર્ડધારકોનું અનાજ વિતરણ સામાન્ય થવાની કોઈ શક્યતા દેખાતી નથી. જાગૃત નાગરિકો અને સંગઠનોએ આ મામલે સરકાર તાત્કાલિક દરમિયાનગીરી કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે તેવી ઉગ્ર માંગ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: નડિયાદમાં 4 કરોડના સોનાની લૂંટનો પર્દાફાશ; ચાલુ કારમાં ઘૂસી વિરમગામ PIએ હેન્ડબ્રેક ખેંચી લૂંટારુ ગેંગને દબોચી લીધી!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

