Ahmedabad News: રાણીપમાં અમિત શાહની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારમાં નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક ભવ્ય 'લોકદરબાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારમાં વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ યોજી સ્થાનિક વિકાસકાર્યો અને જાહેર સુવિધાઓ અંગે ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી.
ગૃહમંત્રીની કાર્યશૈલી પર CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
લોકદરબારને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કોઈ તમારી વાત સાંભળે કે ના સાંભળે, પરંતુ સાંસદ અમિત શાહ પાસે વાત જાય એટલે તમારું કામ થયે જ છૂટકો. આજે અહીં કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણેય હાજર છે, એટલે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જ જશે. સીએમએ વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં થઈ રહેલી હરિયાળી ક્રાંતિ આજે સૌ કોઈ જોઈ શકે છે.
રાણીપની જનતા સાથે મારો 30 વર્ષનો નાતો: અમિત શાહ
પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવુક જણાતા કહ્યું કે, મને આ રાણીપ વિધાનસભા વિસ્તારમાં 30 વર્ષ થયા છે. રાજનીતિમાં આટલો લાંબો સમય વિત્યો હોવા છતાં રાણીપના લોકો મને સાથ આપવામાં ક્યારેય થાક્યા નથી. અહીંની જનતાએ હંમેશા ભાજપના કમળને મજબૂતાઈથી પકડી રાખ્યું છે. તેમણે ઉમેર્યું કે, 30 વર્ષમાં મેં રાણીપને બદલાતા અને વિકાસ કરતા જોયું છે, અને ટૂંક સમયમાં જ આપણે સંપૂર્ણ અને આધુનિક બનેલું રાણીપ જોઈશું.
વિકાસના કામો અને ઐતિહાસિક સિદ્ધિઓની કરાવી ઝાંખી
અમિત શાહે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકકલ્યાણકારી યોજનાઓ અને સ્થાનિક સ્તરે થયેલી કામગીરીના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 8,979 લારી-ગલ્લાવાળાઓને લોન આપી સ્વનિર્ભર બનાવવામાં આવ્યા છે. મતક્ષેત્રનું એકપણ એવું ગામ નહીં હોય જેમાં લાઈબ્રેરી ના હોય. આગામી સમયમાં વધુ 100થી વધારે ગામોમાં નવી આધુનિક લાઈબ્રેરીઓ બનાવવામાં આવશે. મત વિસ્તારના 70 વર્ષથી વધુ વયના 88 ટકા વૃદ્ધોને આયુષ્માન કાર્ડ આપી મફત સારવારની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ઓવરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓનો સદુપયોગ કરી યુવાનો માટે રમત-ગમતની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ છે.
પર્યાવરણ અને જળસંચય માટે જનતાને હાકલ
પર્યાવરણના રક્ષણ માટે ગૃહમંત્રીએ મિશન મોડમાં કામ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પર્યાવરણ બચાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ છે અને આપણે સૌએ મળીને 'ગ્રીન ગાંધીનગર લોકસભા અભિયાન' ઉપાડવું પડશે. આપણા મતક્ષેત્રમાં ગ્રીન એરિયામાં 12.5 ટકાની વૃદ્ધિ થઈ છે, જે ગર્વની બાબત છે.
અમિત શાહે લોકોને અપીલ કરી કે, હવે પંથકમાં સોલર રૂફટોપ વિનાનું એક પણ ધાબુ ન રહેવું જોઈએ અને ચોમાસાના પાણીના સંગ્રહ માટે પર્કોલેટિંગ કૂવાની નિયમિત સાફ-સફાઈ થવી જ જોઈએ. છેલ્લે કાર્યકરો અને જનતાનો ઉત્સાહ વધારતા અમિત શાહે હળવા અંદાજમાં કહ્યું કે, રાણીપનો ડબ્બો ખૂલે એટલે ભાજપના કાર્યકરોના ચહેરા પર હસવાની શરૂઆત થઈ જાય છે. જ્યાં સુધી કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદી બેઠા છે, ત્યાં સુધી જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચો - Ahmedabad News: કેન્દ્રીય ગૃહ મંત્રી સર્કિટ હાઉસ ખાતે 'હરિયાળી લોકસભા' અભિયાન અંગે યોજાઈ બેઠક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

