Rajkot News : રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકાયું, હર્ષ સંઘવી રહ્યાં હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નું લોકાર્પણ તથા રામનાથપરા રાજકોટ, આટકોટ, વિંછીયા ખાતે નવનિર્મિત પોલીસ આવાસનું તકતી અનાવરણ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનું થયું લોકાર્પણ
મંત્રીઓ તેમજ મહાનુભાવોએ રૂ. ૪૪૧.૨૮ લાખના ખર્ચે નિર્મિત અદ્યતન રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ તકે પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ જ્યારે વધી રહ્યો છે, ત્યારે સાયબર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતા તેના નિવારણ માટે રાજકોટ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન થકી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકાના નાગરિકોને સાયબર ક્રાઈમ સંબંધી ગુનામાં વધુ ઝડપી ન્યાય મળશે.
કોઈપણ સંસ્થાઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી
મંત્રીએ ઉમેર્યું હતું કે, હાલમાં ન્યુડ કોલ તેમજ ડિજિટલ અરેસ્ટ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સી.બી.આઈ. કે પોલીસ જેવી કોઈપણ સંસ્થાઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી. જે અંગે લોકોએ સાવધ થઈ, આવી બનતી ઘટના સમયે શરમ અને સામાજિક ડર છોડી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, તેમજ કોઈપણ પ્રકારની રૂપિયાની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં. અન્ય ફ્રોડના કિસ્સાઓ જેવા કે, લલચામણી જાહેરાતો આપતી લીંક અંગે સાવધ કરતાં મંત્રીએ લોકોને આ પ્રકારની અજાણી લિંક પર ભરોસો ન કરવા તેમજ લીંક ના ખોલવા અને તેને શેર ન કરવા અનુરોધ કર્યો હતો. વિશેષમાં મંત્રીએ શહેરોની ટ્રાફિક સમસ્યાને લઈને ઉકેલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તમામ મહાનગરપાલિકાઓ સાથે મળીને લાંબા ગાળાના ટ્રાફિક મેનેજમેન્ટ વિશે આયોજન કરવામાં આવશે.
પોલીસ બેડામાં કામ કરતા પરિવારોને પણ સપનાનું ઘર મળશે
આ ઉપરાંત રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત થવા અંગેના નિર્ણય વિશે મંત્રી સંઘવીએ વાત કરતા કહ્યું હતું કે, લોકોનું જીવન અમૂલ્ય છે, માત્ર દંડ ખાતર નહીં પરંતુ લોકો પોતાના જીવનને બચાવે અને સમાજને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી-કેટેગરીના ૮૦ આવાસ, વિંછીયા ખાતે બી કેટેગરીના ૩૨ તથા સી-કેટેગરીના ૧ આવાસ તેમજ આટકોટ ખાતે સી-કેટેગરીના ૧ આવાસ સહિત કુલ ૧૧૪ પોલીસ આવાસનું લોકાર્પણ થતાં પોલીસ બેડામાં કામ કરતા પરિવારોને પણ સપનાનું ઘર મળશે તેમ હર્ષ વ્યક્ત કરતા શ્રી સંઘવીએ તમામ પરિવારજનોને અભિનંદન પાઠવ્યાં હતાં.
પાસપોર્ટ એપ્લિકેશન રૂમ સહિત વિવિધ સુવિધા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લા મુકાયેલા રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રૂ. ૪૪૧.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે. જેમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું બાંધકામ થયેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની ચેમ્બર ઉપરાંત કોન્ફરન્સ હોલ, મોબાઈલ ફોરેન્સિક રૂમ, ડેટા ફોરેન્સિક રૂમ, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન મોનિટરિંગ રૂમ, ચાઈલ્ડ પોનોગ્રાફી એનાલિસિસ રૂમ જેવા ઇન્વેસ્ટિગેશન માટેની સુવિધા ઉપરાંત રેકોર્ડ રૂમ, કર્મચારી ગેસ્ટ રૂમ, ઓફિસર ગેસ્ટ રૂમ, કેન્ટીન, જીમ, લાઇબ્રેરી, વુમન હેલ્પ ડેસ્ક, સીટીઝન સીટીગ એરીયા, રિસેપ્શન, પાસપોર્ટ એપ્લિકેશન રૂમ સહિત વિવિધ સુવિધા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશન ખાતે મંત્રીઓને પોલીસ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
જ્યારે ઈ- લોકાર્પણ કરાયેલા રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી કેટેગરીના ૮૦ પોલીસ આવાસ રૂ.૧૨૮૮.૯૯ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે વિંછીયા ખાતે બી કેટેગરીના ૩૨ બ્લોક અને સી ટાઇપનું એક આવસ રૂ. ૪૧૯.૪૮ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યા છે. આટકોટ ખાતે સી-કેટેગરીનું એક પોલીસ આવાસ રૂ. ૨૭.૧૦ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રારંભે પોલીસ સ્ટેશન ખાતે મંત્રીઓને પોલીસ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આજના કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્યા, પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય હિમકરસિંહ, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નીતેશ પાંડે સહિત અગ્રણીઓ સર્વે ભરતભાઈ બોઘરા, માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ સહીત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
What's Your Reaction?






