Narmada News : ગુજરાતમાં અસામાજિક તત્વોના 750થી વધુ બાંધકામો તોડી પડાયા, ક્રાઈમ કોન્ફરન્સમાં DGPએ આપી માહિતી

Aug 20, 2025 - 09:00
Narmada News : ગુજરાતમાં અસામાજિક તત્વોના 750થી વધુ બાંધકામો તોડી પડાયા, ક્રાઈમ કોન્ફરન્સમાં DGPએ આપી માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લામાંમાં ડીજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ડીજીપીએ માહિતી આપી છે અને તેમનું કહેવું છે કે, રાજ્યમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી યથાવત રહી છે, રાજયમાં અસામાજિક તત્વોના 750થી વધુ બાંધકામો તોડી પડાયા છે અને સરકારી જમીન પરના 623 બાંધકામો તોડી પડાયા છે, ગેરકાયદે મકાન, દુકાન, કોમ્પલેક્ષસ, ફાર્મ હાઉસ તોડી પડાયા છે.

ગુજરાતમાં જુલાઇ મહિનામાં વ્યાજખોરીના 65 કેસ નોંધાયા

ગુજરાતમાં જુલાઇ મહિનામાં વ્યાજખોરીના 65 કેસ નોંધાયા છે અને ફરિયાદને આધારે 105 વ્યાજખોરોને પકડી કાર્યવાહી કરાઇ છે, ચાલુ વર્ષમાં વ્યાજખોરીની કુલ 400 ફરિયાદો નોંધાઇ છે, 956 વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે, 434 જેટલા ફરાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે, જામીન પર છૂટી ગુનો આચરતા 106 આરોપી સામે કાર્યવાહી કરાઈ છે.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પોલીસની મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

ગુજરાત પોલીસ દ્વારા દર મહિને યોજાતી “મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ”નું આ મહિનાનું સત્ર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે યોજાયું હતું. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાવન સાનિધ્યમાં યોજાયેલી એક દિવસીય કોન્ફરન્સમાં રાજ્યભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં છેલ્લા એક મહિનામાં કરાયેલી કામગીરીની સમીક્ષા તેમજ આવનારા સમયની રણનીતિ, પોલીસ તંત્ર દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ જનહિતના મુદ્દાઓ પર વધુ અસરકારક રીતે કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી.

વર્ષ દરમિયાન 400 જેટલાં કેસમાં 956 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા

આ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તબક્કે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના સકંજામાંથી મુક્તિ મળે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત જૂલાઈ માસમાં 64 જેટલા કેસમાં ફરિયાદ નોંધવામાં આવી અને 105 જેટલા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ દરમિયાન 400 જેટલાં કેસમાં 956 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં 761 કાર્યક્રમો થકી 25 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે

નાણાંની જરૂરિયાત ધરાવતા લોકોને કાયદેસરની વ્યવસ્થાથી મદદ મળે તે માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુલાઈ મહિના દરમિયાન 71 જેટલા લોન મેળા તથા વર્ષ દરમિયાન 238 દેટલા લોનમેળા યોજી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સત્તાવાર નાણાકીય સંસ્થાઓ મારફતે સહેલાઈથી લોન મળી શકે તે માટે કામગીરી કરવામાં આવી હતી. વધુમાં વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરાયેલો કિંમતી સામાન સહિતનો મુદ્દામાલ તેના માલિકોને પરત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા કોર્ટ સાથે સંકલન સાધીને “ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમના માધ્યમથી જુલાઈ મહિનામાં રાજ્યભરમાં 761 કાર્યક્રમો થકી 25 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન કુલ રૂપિયા 127 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ તેના માલિકોને પરત આપવામાં આવ્યો છે.

“ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ”ની શરૂઆત કરવામાં આવી છે

ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમને ડામવા તથા ગુનેગારો સામે કાર્યવાહીને વધુ મજબૂત કરવા “ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ”ની શરૂઆત કરવામાં આવી છે. જે પોલીસની ડ્રાઈવને સફળ બનાવવામાં મદદરૂપ થશે. સાઈબર ક્રાઈમ અંતર્ગત લોકો સાથે થયેલા છેતરપિંડીના કેસમાં જુલાઈ મહિનામાં અંદાજિત રૂપિયા 28 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. તેવીજ રીતે વિવિધ ગુનામાં ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે થઈ રહેલી કામગીરી પૈકી જુલાઈ મહિનામાં 434 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકીના 251 આરોપી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફરાર હતા.

ગેરકાયદે વીજ કનેક્શન ધરાવતા 2190 જેટલાં લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી

ગુજરાત પોલીસે તા.15મી માર્ચ-2025ના રોજ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના ગેરકાયદેસર બાંધકામો અથવા પ્રોપર્ટીની કોર્ટ કાર્યવાહી બાદ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 750 કરતા વધુ ગેરકાયદે પ્રોપર્ટીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે પૈકી 650 કરતાં વધુ દબાણો તો સરકારી જમીન પર કરાયેલા હતા. વારંવાર ગુનાખોરી કરનારાઓના જામીન રદ કરવાની કાર્યવાહી પણ કોર્ટ સાથે સંકલનમાં રહીને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તેવી જ રીતે પાસા અને તડીપારની કામગીરીને પણ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. ગેરકાયદે વીજ કનેક્શન ધરાવતા 2190 જેટલાં લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડાઓ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા

પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે કહ્યું કે, પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થા અને નાગરિકો સાથે પોલીસ સ્ટાફના વ્યવહાર જેવી અનેક પાસાઓને ધ્યાને લઈને પોલીસ સ્ટેશનને રેન્કિંગ આપી પોલીસ કામગીરીને નાગરિકો લક્ષી બનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, રેંજના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0