Kutch News: રોયલ સ્ટેગ પછી હવે નકલી ‘રોયલ ચેલેન્જ’, આદિપુરમાં ઝડપાઇ નકલી દારૂની ફેક્ટરી

Aug 26, 2026 - 11:00
Kutch News: રોયલ સ્ટેગ પછી હવે નકલી ‘રોયલ ચેલેન્જ’, આદિપુરમાં ઝડપાઇ નકલી દારૂની ફેક્ટરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ગાંધીધામ નજીક આવેલા આદિપુરના 4- એ વિસ્તારમાં નકલી ઇંગ્લિશ દારૂનું મોટું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી જાણીતી બ્રાન્ડના નામે બજારમાં ખપાવવા માટે તૈયાર કરવામાં આવતો નકલી દારૂ, હજારો ખાલી બોટલો, ભરેલા ક્વાર્ટર, શંકાસ્પદ કેમિકલ અને બોટલો સીલ કરવાનું મશીન કબજે કરવામાં આવ્યું છે.

2 આરોપીની ધરપકડ

પોલીસે આ સમગ્ર મામલે મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે આરોપીઓને ઝડપી પાડી સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.

અચાનક દરોડો અને અંદર ચાલતી હતી નકલી દારૂની ફેક્ટરી!

ભુજ સાયબર સેલની ટીમને આદિપુરના 4-A વિસ્તારમાં ભાડાની દુકાનમાં ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અંદર મોટા પાયે નકલી દારૂ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.રોયલ ચેલેન્જ લખેલી બોટલ મળી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જાણીતી દારૂ બ્રાન્ડના નામે બોટલો તૈયાર કરીને તેને બજારમાં ખપાવવાની તૈયારીમાં હતા. એક સેમ્પલ બોટલ પર ‘Royal Challenge’ લખેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બોટલોના ઢાંકણા પર ‘RC’ લખાણ જોવા મળ્યું હતું.600થી વધુ ભરેલા ક્વાર્ટર મળ્યા 

પોલીસે દરોડા દરમિયાન અંદાજે 9 હજાર જેટલી ખાલી બોટલો કબજે કરી છે. ઉપરાંત 600થી વધુ દારૂથી ભરેલા ક્વાર્ટર પણ મળી આવ્યા છે. આ તૈયાર ક્વાર્ટર પર હજુ સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે.600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ પણ મળ્યું 

સ્થળ પરથી દારૂ બનાવવા માટે વપરાતું અંદાજે 600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ, પેકિંગ મટીરિયલ તેમજ બોટલો સીલ કરવા માટેનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે, માત્ર થોડા જ સમયમાં આ જથ્થાને જાણીતી બ્રાન્ડનું લેબલ લગાવી બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી.રો મટીરિયલ મુંબઈથી મંગાવાયું, ‘રાજુ’ નામના વ્યક્તિની ભૂમિકા તપાસ હેઠળ

રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરીને જાણીતી બ્રાન્ડના સ્ટીકરો લગાવી બોટલો બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું. મુંબઈમાં રાજસ્થાનના ‘રાજુ’ નામના વ્યક્તિ મારફતે આ સામગ્રી મોકલવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હવે આ રાજુ કોણ છે અને તે માત્ર સપ્લાયર છે કે સમગ્ર નેટવર્કનો મહત્વનો ખેલાડી, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.માત્ર 3-4 દિવસથી શરૂ કર્યું હતું

આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને આ પ્રવૃત્તિ માત્ર 3થી 4 દિવસ પહેલાં જ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, એક સાથે 9 હજાર ખાલી બોટલો, સેંકડો તૈયાર ક્વાર્ટર, કેમિકલ અને પેકિંગ મશીનરી મળી આવતા સમગ્ર મામલો માત્ર થોડા દિવસનો છે કે તેની પાછળ લાંબા સમયથી ચાલતું કોઈ મોટું નેટવર્ક છે, તે અંગે સવાલો ઊભા થયા છે.નકલી દારૂના કારોબારની આશંકા

રોયલ સ્ટેગ સહિતની બ્રાન્ડના નામે અગાઉ પણ નકલી દારૂના કારોબારની આશંકા સામે આવી ચૂકી છે. હવે ‘રોયલ ચેલેન્જ’ના નામે તૈયાર થતો નકલી દારૂ ઝડપાતા પોલીસ આ સમગ્ર રેકેટના જૂના કનેક્શન અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે FSLની ટીમ પહોંચીને કેમિકલ અને અન્ય સામગ્રીના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. હવે સવાલ એ છે કે આ નકલી દારૂનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો? અત્યાર સુધી કેટલો જથ્થો બજારમાં પહોંચી ગયો છે? રો મટીરિયલ સપ્લાય કરનાર કોણ છે? અને આ બે આરોપીઓની પાછળ કોઈ મોટું દારૂ માફિયાનું નેટવર્ક કાર્યરત છે કે નહીં? પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નકલી દારૂના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 


આ પણ વાંચો  :  Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0