જેતપુર પંથકમાં ગતરોજ એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સામાન્ય વરસાદનો કેટલાક પ્રદૂષણ માફિયાઓએ મોકો જોઈને ફાયદો ઉઠાવ્યો અને પોતાના ગેરકાયદેસર યુનિટોનું પાણી વરસાદી પાણી સાથે નદીમાં છોડી દેતાં કેરાળી ગામ પાસે ભાદર નદી બે કાંઠે વહેતી હોય તેઓ પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે. પ્રદૂષિત પાણીથી આખી નદીમાં ફિણનું સામ્રાજ્ય છવાય ગયું છે. પુલ પરથી કોઈ પસાર થાય તો થોડીવાર તો તેને પણ એમ થઈ જાય કે તે કાશ્મીરમાં આવી ગયો છે અને ચારેબાજુ બરફ બરફ છે. પરંતુ ભાદર નદીમાં પાણીના પ્રદુષણ અંગે કેરાળી, લુણાગરા ગામના નદી કાંઠાના ખેડૂતો તેમજ માલધારીઓ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે જેતપુરમાં ચાલતા સાડીઓના ગેરકાયદેસર યુનિટો દ્વારા કારખાનાનું પ્રદૂષિત પાણી સીધુ નદીમાં છોડી દેવામાં આવે છે. જેમાં રબારીકા ગામે તો રીત સરનું પ્રદૂષિત વોકળો નદીમાં ભળે છે. જેમાં ગતરોજ વરસાદનો ફાયદો ઉઠાવી કોઈએ પ્રદૂષિત પાણી નદીમાં છોડ્યું હશે જેથી આજે કેરાળી ગામ પાસે ભાદર નદીમાં પુર આવ્યું હોય તેવો કેમીકલ-સિલિકેટ યુક્ત પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તેના કારણે આખી નદી ફિણ ફિણથી છવાઈ ગઈ હતી.
પ્રદૂષણ માફિયાઓએ મોકો જોઈને ફાયદો ઉઠાવ્યો
કેરાળી પાસે ભાદર નદીમાં પ્રદુષિત પાણીને કારણે ફિણ છવાય જવા અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ જણાવેલ કે, અમારે તો સાતમ આઠમના તહેવારોની ચાર દિવસની રજા છે. એટલે અમારે સાડીઓના તમામ કારખાનાઓ બંધ છે એટલે અમારું તો એક ટીપું પાણીનું ભાદર નદીમાં જતું નથી. પરંતુ મોણપર, દેરડી અને રબારીકા ગામમાં સાડીઓના ગેરકાયદેસર યુનિટો ચાલુ છે તે કેમીકલ યુક્ત પાણી સીધુ ભાદર નદીમાં છોડે છે અને આ પાણી પણ તેઓએ જ છોડ્યું હશે. અમો તો સરકારી તંત્ર પાસે અંસંખ્યવાર આવા યુનિટો સામે પગલાં ભરવાની માંગ કરી છે અને ફરી પાછું પ્રદૂષણ બોર્ડ પાસે આવા યુનિટો સામે પગલાં ભરવાની માંગ કરીએ છીએ.
રાજ્યની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરની
જેતપુરમાંથી પસાર થતી ભાદર નદી રાજ્યની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરની છે અને નદી કાંઠાઓની ખેતરની જમીનો પ્રદૂષિત પાણીને કારણે બંજર બની ગઈ છે. નદીમાં પ્રદૂષિત પાણી હોવાને કારણે ખેડૂતો તે પાણી ખેતી માટે પણ ઉપયોગમાં લઇ શકતા નથી. આ પ્રદૂષિત પાણી તળમાં ઉતરી ગયું હોવાથી બોર, કુવા પણ પ્રદૂષિત બની ગયા છે જેથી ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે. ભૂતકાળમાં ખેડૂતોએ પ્રદુષણ વિરુદ્ધ અનેક આંદોલન કર્યા છે તેમ છતાં નદીની સ્થિતિ હાલત પ્રદૂષિતને પ્રદુષિત જ રહી જેથી આ પ્રદૂષણથી તંત્ર છુટકારો આપાવે તેવી ખેડૂતો, માલધારીઓ માંગ કરી રહ્યા છે.