Commonwealth Games: ગુજરાત અને ભારત માટે આ ખરા અર્થમાં ગર્વની ક્ષણ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતના રમત-ગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવાની દિશામાં આજે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા વર્ષ-2030માં યોજાનાર 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરે તેવી ભલામણ આ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
1930માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તે શક્યતા છે. આ ભલામણને હવે નવેમ્બર-2025માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ મૂકવામાં આવશે. ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઈન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશમાં 24માં કોમનવેલ્થ રમતોત્સવ માટેની આ ભલામણ થઈ આવી છે.
કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થવાની શક્યતા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકુચ કરી રહ્યું છે. જેના લીધે કોમનવેલ્થ રમતોત્સવની શતાબ્દી અંતર્ગત 24માં કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થવાની થવાના સંજોગો ઉજળા બન્યા છે.
આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતર રાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારતને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે.
ગુજરાત અને ભારત માટે આ ખરા અર્થમાં ગર્વની ક્ષણ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
‘ગુજરાત અને ભારત માટે આ ખરા અર્થમાં ગર્વની ક્ષણ છે’ તેમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાને વખાણી હતી અને અમદાવાદની કોમનવેલ્થ ગેમ માટેની પસંદગીની એક્ઝીક્યુટીવ બોર્ડ ઓફ કોમનવેલ્થ સ્પોર્ટ્સના નિર્ણયને આવકાર્યો હતો.
વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માત્ર એક રમત-ગમતની સ્પર્ધા જ નહીં, પરંતુ એક આંતરરાષ્ટ્રીય રમતોત્સવના અભિયાનની 100 વર્ષની ઉજવણી હશે. આ ગેમ્સ કોમનવેલ્થના 74 દેશો વચ્ચે ખેલભાવના અને સહકારની એક સદીનું પ્રતીક બનશે અને ગુજરાતનું અમદાવાદ શહેર આ ઈતિહાસનું સાક્ષી બનવા સજ્જ છે.
કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડો. પી.ટી. ઉષાએ 100મી કોમનવેલ્થ ગેમ્સને “ગેમ્સ ફોર ધ ફ્યૂચર” ગણાવતા કહ્યું હતું કે અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ - સ્થિરતા, સર્વસમાવેશકતા અને નવીનતા પર આધારિત હશે, જે કોમનવેલ્થ સ્પોર્ટની આગામી સદીનો પાયો વધુ મજબૂત બનાવશે તેમજ ભારતની બહાર પણ તેની સકારાત્મક અસરો વર્ષો સુધી જોવા મળશે.
નવી પેઢીને પ્રેરણા આપશે: કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા
આ સંદર્ભે કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હશે. જે રમત-ગમત ક્ષેત્રે ભારતના વધતા નેતૃત્વ અને ભારત સરકારની એ માન્યતાને દર્શાવે છે કે, રમત-ગમત લોકોને એક કરી શકે છે, સર્વસમાવેશકતાને વેગ આપી શકે છે અને નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. ભારતની આ સફળતા “વિકસિત ભારત @ 2047”ના રાષ્ટ્રીય વિઝનને મજબૂત કરશે, જ્યાં વિશ્વ-કક્ષાની રમતગમત, માળખાગત સુવિધાઓ અને યુવા વિકાસ આપણા દેશની વિકાસ ગાથા સાથે જોડાયેલા છે.
નવા ભારતને રજૂ કરવાની એક સુવર્ણ તક: ગુજરાત રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી
ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ તકને ભારત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવતા કહ્યું હતું કે, અમદાવાદમાં આયોજિત થનારી 100મી કોમનવેલ્થ ગેમ્સ એ માત્ર વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની જ નહીં, સમગ્ર વિશ્વ સમક્ષ “આત્મવિશ્વાસ, સક્ષમ, ભવિષ્યલક્ષી અને નવા ભારતને રજૂ કરવાની એક સુવર્ણ તક બની રહેશે. ગુજરાત સરકાર કોમનવેલ્થના 100 વર્ષના વારસાનું સન્માન કરીને કોમનવેલ્થ સ્પોર્ટની આગામી સદી માટેનો માર્ગ મોકળો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
કોમનવેલ્થ સ્પોર્ટના 'ગેમ્સ રીસેટ' સિદ્ધાંતો - સક્ષમતા, સર્વસમાવેશકતા, સ્થિરતા અને વારસાને પ્રોત્સાહન આપતા ભારત સરકાર, ગુજરાત સરકાર અને કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા આયોજનના પ્રસ્તાવની બોર્ડમાં ભારે પ્રશંસા કરવામાં આવી હતી.
વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતની વૈશ્વિક રમત-ગમતનું કેન્દ્ર બનવાની લાંબા ગાળાની મહત્વાકાંક્ષાને વધુ મજબૂત કરશે. આ વૈશ્વિક ઈવેન્ટ શહેરી નવીનીકરણ, યુવાનોની ભાગીદારી અને રમતગમતમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપશે.
What's Your Reaction?






