Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના બોરસદ-પામોલ રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. જ્યાં સામસામેથી આવતા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં એક 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. શાળાએથી છૂટીને હસતા મુખે ઘરે પરત ફરી રહેલા કિશોરના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.
શાળાએથી છૂટીને ઘરે પરત ફરતા સમયે કાળ આંબી ગયો
ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માતની ઘટના પામોલ રોડ પર આવેલા ઝાખલાના કુવા વિસ્તાર નજીક બની હતી. ઝાખલાના કુવા વિસ્તારમાં જ રહેતો 14 વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળા છૂટ્યા બાદ બાઇક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઝાખલાના કુવા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ ભીષણ ટક્કરમાં માસૂમ વિદ્યાર્થીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
અન્ય બાઇક સવાર ગંભીર, કરમસદ હોસ્પિટલ ખસેડાયો
આ અકસ્માતમાં સામેની બાઇક પર સવાર વ્યક્તિને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
અકસ્માતની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક વહાલસોયા દીકરાના લોહીલુહાણ મૃતદેહને જોઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

