Agriculture : પ્રાકૃતિક કૃષિના સંગે રેલાતો ઔષધિઓનો સંપુટ એટલે "સીતાફળ", વાંચો Story
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વિવિધ શાકભાજી અને ફળોનુ વાવેતર કઈ રીતે કરી શકાય તે માટે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા એક શ્રેણી બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત આપણે અગાઉ જોઈ ગયા કે સરગવાનુ વાવેતર કઈ રીતે થાય, સ્વાસ્થ્ય સંબંધિત તેના ફાયદાઓ ક્યા ક્યા છે. આ લેખમા આપણે જોઈશું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી સીતાફળના વાવેતર અને તેના ફાયદાઓ વિશે.સીતાફળ બહુ જ થોડાં વર્ષોમાં વધી જતું વૃક્ષ છે તેની એક વિશેષતા એ પણ છે કે, તે વરસાદના પાણીથી અત્યંત મધુર અને સ્વાદિષ્ટ બને છે, જ્યારે કૃત્રિમ સિંચાઈથી તેનો સ્વાદ એટલો મધુર થતો નથી. સીતાફળ કોઈ પણ પ્રકારની જમીનમાં થતું ફળઝાડ છે. સીતાફળ ઔષધયુક્ત ફળ છે. તેના ફાયદાઓ જોઈએ તો તે શીતકારક, પિત્તનાશક, બળવર્ધક, શુક્રવર્ધક, ઉન્માદનાશક, વ્રણનાશક તેમજ રેચક છે. આયુર્વેદના ગ્રંથોમાં તેને હૃદયની બીમારી માટે અતિ ઉત્તમ દર્શાવવામાં આવ્યું છે. સીતાફળના ફાયદા સીતાફળના પર્ણમાં અકોરીન, અનોનીન જેવાં ઔષધયુક્ત તત્વો હોય છે. જેનાથી બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવી કીટનાશક દવાઓ બનાવવામાં આવે છે. સીતાફળના પલ્પનો ઉપયોગ મિલ્ક શેક, શરબત, આઈસ્ક્રીમ, ટ્રોફી, જામ, જેલી પાવડર વગેરે બનાવવા માટે કરવામાં આવે છે. સીતાફળના બીજમાં ૩૦ ટકા તેલ હોય છે, જેમાંથી સાબુ બને છે. તેના તેલનો ઉપયોગ કીટનાશક દવા બનાવવા માટે પણ થાય છે. સીતાફળના બીજમાંથી બનેલા ખોળમાં ૪૦% નાઇટ્રોજન હોવાથી તેનો ઉપયોગ ખેતીમાં સેન્દ્રિય ખાતરના રૂપમાં પણ થાય છે. સીતાફળનું વાવેતર સીતાફળના બીજને સંગ્રહ કરવા માટે સારામાં સારાં સીતાફળના વૃક્ષને પસંદ કરો. જો વૃક્ષની પસંદગી શક્ય ન હોય તો ફળ આવવાના સમયે બજારમાંથી ઉત્તમ જાતનાં ફળ પસંદ કરો, અને તેમાંથી બીજ કાઢીને તેનો સંગ્રહ કરો. બીજ દ્વારા વાવેતર કરવાથી ભવિષ્યમાં સારૂં ઉત્પાદન આપતાં બીજો પ્રાપ્ત થઈ શકશે. કલમ વાવવાથી આ શક્ય બનતું નથી. સાથે સાથે ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતીમાં આપણે પ્રત્યેક ફળને પ્રાકૃતિક આકાર, સ્વાદ, મીઠાશ વગેરે ગુણો બીજના માધ્યમથી આપી શકીએ છીએ. આંતરપાકના રૂપમાં વાવી શકીએ સીતાફળને આંબલી, આંબા અથવા આમળાની વચ્ચે આંતરપાકના રૂપમાં વાવી શકીએ છીએ. દર ૨ આંબલી કે ૨ આંબાની વચ્ચે ૩૬ ફૂટ અંતર રાખવાનું છે. દરેક આંબલી, આંબા અથવા આંબલીની વચ્ચે સીતાફળ વાવી શકાય. આ દરેક ૨ ફળઝાડની વચ્ચે સરગવો પણ વાવવાનો છે. આંબો, આંબલી, સીતાફળ અને સરગવાનાં બીજ ચોક્કસ જગ્યાએ વાવો. સીતાફળનો પલ્પ ખાઈને તેના બીજ છાયડામાં સુકવીને ઓછામાં ઓછા ૩ મહિના પછી વાવવા માટે ઉપયોગમાં લેવાના છે. કારણ કે, ફળોમાંથી બીજ કાઢ્યા પછી તે ૩ મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય છે. ઓક્ટોબર, નવેમ્બરમાં કાઢવામાં આવેલ બીજ જૂનમાં વાવી શકીએ છીએ. બીજ વાવતાં પહેલાં બીજને ૪૮ થી ૭૨ કલાક સુધી બીજામૃતમાં પલાળી રાખો. મિશ્રણ તૈયાર કરો અને તેનાથી ખાડો ભરી દો ૧.૫ ફૂર ઊંડો. ૧.૫ ફૂટ પહોળો, ૧.૫ ફૂટ લાંબો ખાડો બનાવો, ખાડાની જે માટી નીકળે તેન અડધા પ્રમાણમાં ચાળેલું છાણિયું ખાતર અને ચોથા ભાગનું ઘનજીવામૃત ભેળવીને મિશ્રણ તૈયાર કરો અને તેનાથી ખાડો ભરી દો. ઉપરથી જીવામૃત છાંટો અને તેની ઉપર થોડા સૂકા ઘાસનું આચ્છાદન કરો. વરસાદ દ્વારા અથવા તો ઉપરથી પાણી છંટકાવ કરવાથી થોડા દિવસ પછી અંકુરણ થશે. અંકુરણ થયા પછી આચ્છાદન હટાવી દો. હવે ૧૦૦ લીટર પાણીમાં પ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છોડ ઉપર મહિનામાં બે વખત છંટકાવ કરો અને છોડવાઓની પાસે થોડું થોડું જીવામૃત જમીન ઉપર મહિનામાં બે વખત નાખતા રહો. જે દિવસે સીતાફળનાં બીજ વાવો તે જ દિવસે સીતાફળથી બે ફૂટના અંતરે ચોળાના બીજ વાવો. શરૂઆતના ૩ મહિના સુધી નિંદામણ કાઢતા રહો અને આચ્છાદનના રૂપમાં તેનો ઉપયોગ કરો. આખા પ્લોટમાં જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં શાકભાજીનાં બીજ વાવી દો. રોગ જીવાત નિયંત્રણ સીતાફળના વૃક્ષ ઉપર મીલીબગ, ફળમાખી, સફેદમાખી, નેમેટોડ, રૂટનોટ નેમેટોડ, ડગર નેમેટોડ, જેવા કીટક હાનિ પહોંચાડે છે. તેનું નિયંત્રણ કરવા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો જોઈએ. સૂત્રકૃમિ (નેમેટોડ)ના નિયંત્રણ માટે ગલગોટા લગાવવા જરૂરી છે. જેના મૂળમાં અફલાટર્ફોનાઇલ નામનો આલ્ક્લોઈડ તૈયાર થાય છે જે સૂત્ર કૃમિને નિયંત્રિત કરે છે. ફળ તેમ જ પાન ઉપર જે રોગો આવે છે તેનું નિયંત્રણ જીવામૃતનો છંટકાવ, આચ્છાદન તેમ જ ખાટી છાશ અને સૂંઠાસ્ત્રના છંટકાવથી સારી રીતે થઈ જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -