Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ

Jun 23, 2026 - 17:30
Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આજે એક મહત્વની ઘટના સામે આવી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે? તે ઉપરાંત સજાનો હુકમ થયા બાદ તેઓ જેલમાં જશે? આવા અનેક સવાલો હાલમાં ચર્ચામાં છે. ત્યારે જાણો તેમનું ધારાસભ્ય પદ કેવી રીતે બચાવી શકશે અને જેલ પ્રવેશ કેવી રીતે રોકી શકશે તે અંગે કાયદાવિદ શું કહે છે. 

સેશન્સ કોર્ટે સાત વર્ષની કેદની સજા ફટકારી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે સાત વર્ષની કેદ અને 25 હજારના દંડની સજા ફટકારી છે. તેમની આ સજા ભારતીય કાયદા પ્રમાણે જોઈએ તો તેમના ધારાસભ્ય પદને તાત્કાલિક અસરથી રદ ઠેરવવા પૂરતી છે. પરંતુ જો તેઓ હાઈકોર્ટમાં અપીલ કરે છે અને હાઈકોર્ટ પણ સેશન્સ કોર્ટના ચુકાદાનો યોગ્ય ઠેરવી યથાવત રાખે છે ત્યારે તેમની પાસે માત્ર એક જ રસ્તો બચે છે અને એ છે સુપ્રીમ કોર્ટ. જો સુપ્રીમ કોર્ટ પણ આ ચુકાદાને યથાવત રાખે તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં આવી શકે છે.  ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોષીએ કહ્યું હતું કે, આ રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ઉભો કરેલો કેસ છે. હવે આગળની અપીલ માટે જઈશું. 

વન કર્મીઓ પાસે 60 હજાર રૂપિયાની ખંડણી માંગી

આ સમગ્ર કેસ અંગે મીડિયાને માહિતી આપતાં ઈન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે કહ્યું હતું કે, વર્ષ 2023નો આ કેસ છે. જેમાં ચૈતર વસાવા સામે વન વિભાગના અધિકારી પર હુમલો કરવા અંગે ફરિયાદ થઈ હતી. આ કેસમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કૂલ 9 આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. ડેડિયાપાડામાં વન વિભાગની જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. ત્યાર બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને તેમને ધાક-ધમકી આપી હતી મારામારી પણ કરી હતી. તેમણે પોતાની બંદૂકથી હવામાં ફાયર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ચૈતર વસાવાના પીએ અને અન્ય લોકોએ વન કર્મીઓ પાસે 60 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી.

આરોપીઓને રાજપીપળા જેલમાં મોકલી આપવા હુકમ 

 ઈન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે વધુમાં કહ્યું હતું કે, ભોગ બનેલા વન કર્મીઓએ ખંડણી આપવા માટે ATMમાંથી પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ટ્રાન્જેક્શન નિષ્ફળ જતાં માત્ર એક સ્લીપ નીકળી હતી. ત્યાર બાદ વન કર્મીએ તેના ઉપરી અધિકારીને ફોન કર્યો હતો અને ઉપરી અધિકારીએ 30-30 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. કોર્ટે આ આખી કડી સંપૂર્ણ હોવાનું નોંધીને તમામ પૂરાવા માન્ય રાખ્યા હતાં. કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત પાંચ પુરૂષ અને ચાર મહિલા આરોપીઓને રાજપીપળા જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફરની અરજી કરાઈ કરાઈ છે. તમામ 9 આરોપીઓને સાત વર્ષની જેલ અને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ભારતીય કાયદો શું કહે છે?

ભારતીય કાયદા પ્રમાણે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 8(3) હેઠળ જો કોઈ ધારાસભ્ય કે સાંસદને કોઈ ગુનામાં દોષિત ઠેરવવામાં આવે અને તેમને બે વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા થાય તો તેઓ તરત જ ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરે છે. જો દોષિત ધારાસભ્યને ઉપરની કોર્ટમાંથી જામીન મળી જાય, તો પણ માત્ર જામીન મળવાથી તેમની ગેરલાયકાત આપોઆપ દૂર થતી નથી. એટલે કે જો કોર્ટે બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારી હોય અને તે સજા કે દોષિત ઠર્યા પર ઉપરની કોર્ટ દ્વારા સ્ટે ન મળે તો ધારાસભ્યનું પદ જોખમમાં મુકાય છે અને તેમની સદસ્યતા રદ થઈ જાય છે.

ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી હાર્દિક બ્રહ્મભટ્ટે શું કહ્યું?

આ અંગે ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી હાર્દિક બ્રહ્મભટ્ટે સંદેશ ડિજિટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે.જો તેમણે પોતાનું ધારાસભ્ય પદ બચાવવું હોય તો તેમણે સૌ પ્રથમ Stay on conviction એટલે કે સજા પર રોકની અપીલ કરવી પડે.આ ઉપરાંત જેલમાં જતા બચવા માટે તેમણે જામીન પ્રક્રિયા પણ કરવી પડશે. આ ઉપરાંત જો ઉપલી કોર્ટ તેમની સજા પર સ્ટે આપે છે તો તેમનું ધારાસભ્ય પદ બચી શકે છે. સામાન્ય રીતે જામીન મળવા એ સજા પર રોક નથી પણ સજાના અમલ પર રોક છે.ધારાસભ્યપદ બચાવવા માટે કોર્ટે ખાસ કરીને સજા પર રોક લગાવવી પડે છે.

શું કહે છે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની કલમ 8(4)

અગાઉ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની કલમ 8(4)મુજબ દોષિત ધારાસભ્યને ઉપરની અદાલતમાં અપીલ કરવા માટે 3 મહિનાનો સમય મળતો હતો અને જ્યાં સુધી અપીલ ચાલે ત્યાં સુધી તેમની સદસ્યતા બચી શકતી હતી.પરંતુ સુપ્રીમ કોર્ટે આ કલમને ગેરબંધારણીય જાહેર કરી રદ કરી દીધી.કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તે ક્ષણથી જ તેમનું પદ આપોઆપ રદ થઈ જાય છે.કોઈ વચગાળાનો સમય મળતો નથી.સાથે સાથે તે વ્યક્તિ પોતાની સજા પૂરી કર્યા પછીના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતી નથી એવું કેટલાક નિષ્ણાંત કાયદાવિદો દ્વારા પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ પ્રકારના કેસમાં કાયદાકીય લડાઈ ખૂબ જ જટિલ હોય છે કારણ કે તે માત્ર સજા પર રોક મેળવવાની નથી પરંતુ પોતાની દોષિતતાને કોર્ટમાં પડકારીને તેને રદ કરાવવાની હોય છે

રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુનો કેસ

નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક જૂના કેસમાં દોષિત ઠેરવીને સજા સંભળાવી હતી.જેના કારણે તેમને પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું.આ દર્શાવે છે કે સજા ગમે તેટલા જૂના ગુના માટે હોય જો તે કાયદાકીય મર્યાદા પૂર્ણ કરે છે તો ગેરલાયકાત લાગુ પડે જ છે.સુરતની કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી.પરિણામે લોકસભા સચિવાલયે તેમને તરત જ ગેરલાયક જાહેર કર્યા હતા.બાદમાં, જ્યારે હાઈકોર્ટે તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમની સજા અને દોષિતતા બંને પર સ્ટે મૂક્યો ત્યારે જ તેમની સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકી હતી. 


આ પણ વાંચો: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને 7 વર્ષની જેલની સજા, વાંચો AAP-BJPની પ્રતિક્રિયા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0