Translate to...

UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો

UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યોનિષ્ફળતાની પાછળ જ સફળતા છૂપાયેલી હોય છે પરંતુ મક્કમ મનના અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રને સાર્થક કરતાં સુરતના કાર્તિક જીવાણીએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS(ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઈચ્છા છે.જેથી હાર્દિક સુરતનો પહેલા IAS ઓફિસર બની શકે છે.

નિષ્ફળતાની પચાવીને સફળતા મેળવી કાર્તિક જીવાણીએ 2017માં પરીક્ષા આપી હતી.મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવ્યો હતો. જેથી IASની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી.

રાવ સાહેબની વાત સાંભળીને IAS બનવાનું વિચાર્યું વરાછામાં લેબોરેટરી ચલાવતા ડો. નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીએ કહ્યું કે, મારો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસુતી કરાવનાર ડોક્ટર હાજર નહોતા. એ વખતના સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને મને પણ IAS બનવાની ઈચ્છા હતાં. ગત વર્ષે માત્ર બે રેન્ક નીચો આવતાં IPSમાં જવું પડ્યું. પરંતુ હવે જો IASમાં ચાન્સ મળશે તો તે કેડર જોઈન કરીશ તેમ કાર્તિકે જણાવ્યું હતું.

સુરતનો પ્રથમ IAS બનશે જાહેર થયેલા UPSCના પરિણામોમાં સુરતનો કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 84મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેની ઈચ્છા મુજબ જો તેને IAS કેડર મળશે તો તે સુરતનો પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે.કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.

કાર્તિક જીવાણી સાથે સીધા સવાલ જવાબ

Divyabhaskar:તમને હતું જ કે આ વખતે પણ 2019 કરતાં સારૂં પરિણામ મળશે? કાર્તિક જીવાણીઃ એ ધારણા તો કોઈ પણ ન રાખી શકે. 2019માં મહેનત ખૂબ સારી કરી હતી. એ જ રીતે આ વખતે પણ મહેનત કરી રહ્યો હતો. એટલે પરિણામ સારૂં મળ્યું છે.

Divyabhaskar:IPSની ટ્રેનિંગ સાથે ફરીથી તૈયારી કેવી રીતે કરી શક્યા ? કાર્તિક જીવાણીઃ આમ તો 2019માં જે રીતે તૈયારી કરતો હતો તેના કરતાં સમય ખૂબ ઓછો મળતો હતો. હૈદરાબાદમાં ટ્રેનિંગ IPSની ચાલી રહી છે. સમય ખૂબ ઓછો મળે. પરંતુ કોન્ફિડન્ટ વધી ગયો હતો. એકવાર આપણે પરીક્ષા પાસ કરી ચૂક્યા હોઈએ પછી ડર ઓછો થઈ ગયો હોય. આ વખતે રેન્ક સારો મેળવવામાં સફળતા મળી છે.

Divyabhaskar:UPSCના ઈન્ટર્વ્યૂમાં સવાલો કેવા પુછાયેલા? કાર્તિક જીવાણીઃ UPSCનું ઈન્ટર્વ્યૂ તો મેરેથોન ચાલે. ઘણા વિષયો પર સવાલ પુછવામાં આવ્યાં હતાં. આ વખતે હું ફરીથી ઈન્ટવ્યૂમાં પહોંચ્યો હોવાથી IPS છોડી ફરી કેમ પરીક્ષા આપી ત્યાંથી લઈને સુરતની ઔદ્યોગિક બાબતો સહિતના સવાલો પુછવામાં આવ્યાં હતાં.

Divyabhaskar:હવે તો IAS બની જશો.. કાર્તિક જીવાણીઃ હા, મારી પહેલેથી IAS બનવાની ઈચ્છા રહી છે. સુરતના જે તે વખતે પ્લેગ બાદ નિમાયેલા પાલિકા કમિશનરની વાતો સાંભળીને જે પ્રેરણા મળી તેના આધારે મારો ગોલ તો એ જ છે. ગત વર્ષે બે રેન્ક નીચો(94)મો આવ્યો. ત્યારે IAS માટે 92 રેન્ક રહ્યો હતો. આ વર્ષે 84મો રેન્ક છે એટલે શક્યતા વધારે છે કે IAS કેડરમાં સ્થાન મળી જશે. પછી જોઈએ શું થાય છે.

Divyabhaskar:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારને શું કહેશો? કાર્તિક જીવાણીઃ સ્પર્ધાત્મક પરીક્ષા મથાવી મુકે એવી છે. ગોલ સેટ કરો અને તેને વળગી રહો તો જરૂર સફળતા મેળવી શકાય છે. ખૂબ તૈયારી ખૂબ વાંચન અને રિવિઝન ખૂબ અગત્યના છે. સાથે જ કોન્ફિડન્ટ જાળવી રાખવો પણ એટલો જ જરૂરી હોવાથી તેને તૂટવા ન દઈને એકધારી મહેનત એ જ સફળતાની ચાવી હોય તેવું મને લાગે છે.પ્રાથમિક સુધીનો અભ્યાસ માતૃભાષામાં કરનાર કાર્તિક જીવાણીએ ફરીવાર UPSCમાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.