SBI, PNB, ICICI, યસ બેંક, એક્ઝિસ સહિતની 18 બેન્કોએ સુઝલોનના રૂ. 13,800 કરોડના દેવામાંથી રૂ. 8,600 કરોડ જતા કર્યા




દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર સુઝલોન ગ્રુપે તેની ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે. જોકે, આ ડેવલપમેન્ટના જાણકારોના જણાવ્યા મુજબ આ રિસ્ટ્રક્ચરિંગના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), ICICI બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, એક્ઝિસ બેંક, IDBI, યસ બેંક સહિત 18 બેન્કોએ સુઝલોનના રૂ. 13,800 કરોડના દેવામાંથી રૂ. 8,600 કરોડ જતા કર્યા છે. જયારે બાકીની રૂ. 5,200 કરોડની લોન ઉપર કંપની આવતા 10 વર્ષ માટે 9% વ્યાજ ચૂકવશે. દેવાના ભાર હેઠળ દબાયેલી સુઝલોન છેલ્લા બે વર્ષથી પોતાનું દેવું ઘટાડવા અને તેનું રિસ્ટ્રક્ચરિંગ કરવા માટે પ્રયાસો કરી રહી હતી.

સુઝલોનના દેવાને બે ભાગમાં વહેચવામાં આવ્યું
આ રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસના ભાગ એવા એક બેંક અધિકારીએ બિઝનેસ ચેનલને આપેલી માહિતી મુજબ, SBIની આગેવાની વાળા લેન્ડર્સના કોન્સોર્ટિયમે સુઝલોનના કુલ દેવાને સસ્ટેનેબલ અને અન-સસ્ટેનેબલ એમ બે ભાગમાં વહેચ્યું છે. સુઝલોનના રૂ. 13,800 કરોડના દેવામાંથી રૂ. 5,200 કરોડને સસ્ટેનેબલ માનવામાં આવ્યું છે જે કંપની આવતા 10 વર્ષમાં ચૂકતે કરશે. જયારે દેવાનો મોટાભાગનો ભાગ એટલે કે આશરે રૂ. 8,600 કરોડ અન-સસ્ટેનેબલ કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. દેવાના આ ભાગને 0.01% ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર (OCD) અને 0.0001% કમ્પલસર્લી કન્વર્ટિબલ પ્રેફરેન્સ શેર્સ (CCPS)માં 20 વર્ષ માટે તબદીલ કરવામાં આવ્યા છે. આ રીતે જોઈએ તો ઓન પેપર લોનની રકમ જતી કરવામાં ન આવી હોવા છતાં બેન્કોએ 62% હેરકટ ભોગવવો પડશે.

વિન્ડ ટર્બાઈન અને કમ્પોનન્ટ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે
એક મીડિયા સ્ટેટમેન્ટમાં સુઝલોન ગ્રુપના ફાઉન્ડર અને CMD તુલસી તંતીએ જણાવ્યુ કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા નિર્મિત લેન્ડર્સના કોન્સોર્ટિયમ અને કંપનીએ સાથે મળી તમામ સ્ટેક હોલ્ડર્સના હિતોનુ રક્ષણ કરતાં ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ અમને વિન્ડ ટર્બાઈન અને તેના કમ્પોનન્ટ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા તરફ લઈ જશે. જે ભારતને ગ્લોબલ વિન્ડ સેક્ટર માટે સપ્લાય ચેઈન હબ બનાવશે. આ સાથે ભારતીય વિન્ડ એનર્જી સેક્ટરના રક્ષણ સાથે હજારો લોકોની ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ નોકરીઓ બચાવી છે. તેમજ મોટી સંખ્યામાં નાના વેન્ડર્સને પણ સલામત રાખવાની ખાતરી સાથે દેશની 13 ગીગવોટ વિન્ડ એનર્જી સંપત્તિને સુરક્ષિત કરી છે.

વ્યાજ ખર્ચમાં 70%થી વધુનો ઘટાડો થશે
કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સ્વપ્નિલ જૈને જણાવ્યુ હતુ કે, આ ડેટ રિસ્ટ્રક્ચરિંગ અમારા રોકાણ પ્રવાહ પરથી નોંધપાત્ર પ્રેશર ઓછુ કરશે. જે બિઝનેસ ઓપરેશન્સને વેગ આપશે. અમે અમારી નિર્ધારિત કિંમતમાં ઘટાડો કર્યો છે. વ્યાજ ખર્ચમાં 70%થી વધુનો ઘટાડો કર્યો છે. પરિણામે લાંબાગાળાનો ટકાઉ બિઝનેસ સ્થાપિત કરવાની ખાતરી આપે છે. એકંદરે માર્કેટમાં અમારી સ્પર્ધાત્મકતામાં સુધારો નોંધાયો છે. હવે સુઝલોનની ગાડી મજબૂત સ્થિતિ સાથે ફરી પાછી બિઝનેસના પાટા પર ચડી છે.

પ્રમોટર્સ રૂ. 392 કરોડની મૂડીનું રોકાણ કરશે
ગ્રુપ CEO જેપી ચલસાણીએ જણાવ્યુ હતુ કે, કોન્સોર્ટિયમ લેન્ડર્સ અને અમારા 99.9% FCCB હોલ્ડર્સ દ્વારા સર્વાનુમતે અમે ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે. કંપનીના પ્રમોટર્સ, શેર હોલ્ડર્સ, સ્ટેક હોલ્ડર્સ રિસ્ટ્રક્ચરિંગના ભાગ રૂપે રૂ. 392 કરોડની મૂડીનું રોકાણ કરશે. સફળ ડેટ રિસ્ટ્રક્ચરિંગના પરિણામે કંપનીની બેલેન્સશીટ મજબૂત બની છે. કંપની ભારતીય પવન ઉર્જા સેક્ટરમાં નોંધપાત્ર ગ્રોથ હાંસિલ કરવાની ક્ષમતા પર ફોકસ કરી રહી છે.









સુઝલોન એનર્જીના ચેરમેન તુલસી તંતીનો ફાઈલ ફોટો