PSL-5ની બાકીની મેચો થવી મુશ્કેલ, ફોરેન પ્લેયર્સ આવી નહિ શકે; નફો પણ ઘટશે, અંતિમ નિર્ણય સપ્ટેમ્બર સુધીમાં લેવાશે

PSL-5ની બાકીની મેચો થવી મુશ્કેલ, ફોરેન પ્લેયર્સ આવી નહિ શકે; નફો પણ ઘટશે, અંતિમ નિર્ણય સપ્ટેમ્બર સુધીમાં લેવાશે



પાકિસ્તાન સુપર લીગની પાંચમી સીઝન (PSL-5)ની બાકીની મેચો થવી મુશ્કેલ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ ફરી ટ્રેક પર આવી ગયું છે, બધી ટીમોનું શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ સપ્ટેમ્બર અને નવેમ્બરમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં વિદેશી ખેલાડીઓનું PSLમાં રમવું અઘરું છે. માત્ર ચાર મેચ બાકી છે. તેમાંથી વધારે આવક થવાની અપેક્ષા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)સપ્ટેમ્બર સુધીમાં અંતિમ નિર્ણય લેશે. જો કે, તે લગભગ નક્કી જ છે કે PSLની બાકીની ચાર મેચો નહિ રમાય.

PSL પાકિસ્તાનની બહાર થઈ શકે

PCBના અધ્યક્ષ એહસાન મનીએ પહેલેથી જ જણાવ્યું છે કે લીગની બાકીની મેચ પાકિસ્તાનની બહાર UAEમાં નહીં થાય. કારણ કે, પ્રસારણકર્તા સાથેના કરાર હેઠળ, સંપૂર્ણ PSL પાકિસ્તાનમાં રમવાની છે.

બેંક ગેરંટી પણ જરૂરી છે

PCB સૂત્રોના જણાવ્યા અનુસાર PCB આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝની બેંક ગેરંટી મેળવ્યા બાદ PSL-5 ની બાકીની ચાર મેચ અંગે અંતિમ નિર્ણય લેશે. PCBને ડર છે કે જો તેઓ બેંક ગેરેંટી મેળવ્યા પહેલા PSL-5 ની બાકીની મેચોને રદ કરે છે, તો ફ્રેન્ચાઇઝ આ મેચો માટે નાણાં એડજસ્ટ કરવાની માંગ કરી શકે છે. તેનાથી PCBના બજેટને અસર થઈ શકે છે.

લીગ સ્ટેજ પછી મુલ્તાન સુલ્તાન ટોચ પર છે

PSLના વિજેતાનો નિર્ણય PCB ફ્રેન્ચાઇઝ સાથે વાત કર્યા પછી જ લેશે. કોરોનાવાયરસના લીધે લીગ અટકી ત્યારે પોઇન્ટ્સ ટેબલમાં મુલ્તાન સુલ્તાન ટોચ પર હતી. હવે પ્લેઓફની ચાર મેચ બાકી છે.





પાકિસ્તાન સુપર લીગને માર્ચમાં કોરોના સંક્રમણના કારણે રોકવામાં આવી હતી. ટૂર્નામેન્ટની ચાર મેચ બાકી છે.