પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજથી 15 ઓગસ્ટ સુધી એટલે કે એક સપ્તાહ સુધી આ અભિયાન ચાલશે. આ સપ્તાહને 'ગંદકી ભારત છોડો' અભિયાન ચલાવવામાં આવશે. તેમણે અધિકારીઓને આગ્રાહ કર્યો હતો કે પોતાના વિસ્તારોમાં કમ્યુનિટી ટોયલેટ બનાવવા અભિયાન ચલાવવામાં આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારી સમક્ષ લઘુ ભારત છે. વિવિધ રાજ્યો અને વિવિધ વેશભૂષામાં આવેલા તમામ બાળકો સાથે વાત કરીને આજે સમગ્ર દેશ સાથે હું વાત કરી રહ્યો છું. તમે સૌ માસ્ક પહેરીને આવ્યા અને બે ગજ અંતર પણ રાખ્યું છે. તમે જે પ્રકારે નિયમોનું પાલન કરી રહ્યા છો તે જોઈને આનંદ થયો. કોરોના સામે લડવા આ જ તો એક હથિયાર છે. આપણે બહાર નિકળવાનું છે અને કોરોનાથી બચવાનું પણ છે. આ રીતે માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો અને ક્યાંય થૂકશો નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના કેટલાક અંશો-
આપણા બાળમિત્રો સ્વચ્છતાના ક્ષેત્રમાં ઘણુ મોટું પરિવર્તન લાવી શકે છે. આ સમગ્ર આંદોલનમાં તમારા જેવા બાળમિત્રો મારા સૌથી મોટા સાથી છે. બાળકોએ લોકોમાં જાગૃત્તિ કેળવવા માટે કામ કર્યું છે. ગયા વર્ષે તમામ ગામોને ખુલ્લામાં શૌચાલય જવાથી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. તમે જ વડીલોને યોગ્ય માર્ગ સૂચવી શકો છો અને સ્વચ્છતાનો આગ્રહ રાખવા જાગૃત બનાવી શકો છો.ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીના સમયે વિશાળ જન આંદોલન શરૂ થયુ હતું. અંગ્રેજો ભારત છોડોના સૂત્રોચ્ચાર કરવામાં આવતા હતા. આ ઐતિહાસિક દિવસે રાજઘાટ નજીક સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન ખૂબ જ પ્રાસંગિક છે. તે બાપૂ પ્રત્યે 130 કરોડ ભારતીયોની ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. તેઓ સ્વરાજમાં સ્વચ્છતા પણ જોતા હતા. સ્વચ્છતાના પ્રતીક બનેલા બાપૂના આગ્રહને સમર્પિત એક આધુનિક ઈમારતનું નામ હવે રાજઘાટ સાથે જોડાઈ રહ્યુ છે.હું આ કેન્દ્રની અંદર હતો ત્યારે કરોડો ભારતીયોના પ્રયાસોનું સંકલન જોઈને તમામ સ્વચ્છતાના આગ્રહિયોને નમન કરતો હતો. 6 વર્ષ અગાઉ શરૂ થયેલા આ અભિયાનના ચિત્ર સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ 10 એપ્રિલ 2017ના રોજ મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહનો શતાબ્દી સમારોહની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ટ્વિટ મારફતે આ અંગે જાણકારી આપી હતી.અહીં સ્વચ્છતાને લગતા આપણા પ્રયત્નોને ટેકનોલોજીના માધ્યમથી દેખાડવામાં આવ્યા છે. સ્વચ્છતા રોબોટ બાળકો માટે ખૂબ પ્રિય છે. સ્વચ્છતાના મૂલ્યોથી આ જોડાણ દેશ-દુનિયાથી આવતા દરેક લોકોને અહીં વારંવાર આવવાનું પસંદ કરશે. ગાંધીજીના આદર્શોને અપનાવવા માટે આજે સમગ્ર વિશ્વ આગળ આવી રહ્યું છે.ગાંધીજીના પ્રિય ભજન અનેક દેશોના ગાયકોએ સાથે મળીને ગાયા છે. ભારતીય ભાષાના આ ગીતને સુંદર રીતે ગાઈને એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમથી લઈ અનેક દેશોમાં ગાંધીજીના શિક્ષણને યાદ કરવામાં આવ્યું હતું.કોઈએ વિચાર પણ કર્યો ન હતો કે ખૂબ જ શક્તિશાળી સત્તાથી મુક્ત થવાનો માર્ગ સ્વચ્છતામાંથી પણ હોઈ શકે છે. ગાંધીજીએ તેને જન આંદોલન બનાવ્યું. તેઓ કહેતા હતા કે સ્વરાજ ફક્ત સાહસી અને સ્વચ્છ પ્રજાજન જ લાવી શકે છે. ગંદકી ગરીબ પરિવારોનું સૌથી વધારે નુકસાન કરે છે.ગાંધીજી એ વાતથી વાકેફ હતા કે ભારતને જ્યાં સુધી ગંદકીમાં રાખવામાં આવશે ત્યાં સુધી ભારતીય જનમાનસમાં આત્મવિશ્વાસનું નિર્માણ કરી શકાશે નહીં. માટે દક્ષિણ આફ્રિકાથી લઈ ચંપારણ અને સાબરમતી સુધી તેમણે સ્વચ્છતાને જ પોતાનું આંદોલન બનાવ્યું.60 મહિનામાં આશરે 60 કરોડ ભારતીય શૌચાલયની સુવિધા સાથે જોડાઈ ગયા. જેનો અર્થ એવો થાય છે કે આત્મવિશ્વાસ સાથે જોડાઈ ગયા છે. દેશમાં મોટી સંખ્યામાં દિકરીઓને શિક્ષણ મેળવવાનો વિશ્વાસ મળ્યો છે. અનેક ગરીબ બાળકોને બિમારીથી બચવાનો ઉપાય મળ્યો છે. કરોડો ગરીબો, દલિતો, શોષિતો, વંચિતોને સમાનતાનો અધિકાર મળ્યો છે.સ્વચ્છ ભારત અભિયાનથી આપણી સામાજીક ચેતના આવી છે, આપણા વ્યવહારમાં પણ સ્થાયી પરિવર્તન આવ્યુ છે. વારંવાર થૂકવાથી બચવાનું છે, કચરો યોગ્ય જગ્યા પર જ ફેકવો, આ તમામ વાત સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી શક્યા છીએ. હવે ઘર કે માર્ગો પર ગંદકી ફેલાવનારને કોઈને કોઈ ચોક્કસ ટોકે છે. આ તમામ કાર્યો આજે બાળમિત્ર સારી રીતે કરી રહ્યા છે.સ્વચ્છતાનું અભિયાન એક સફર છે, જે જીવનભર ચાલે છે. દેશમાં કચરાનું યોગ્ય મેનેજમેન્ટ વધારે સારું બનાવવાનું છે. કચરામાંથી કંચન બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ વિચાર સાથે છેલ્લા 6 વર્ષથી ભારતમાં ગંદકી સામે ભારત છોડો અભિયાન ચાલી રહ્યું છે. ગરીબી ભારત છોડો, ખુલ્લામાં શૌચાલયની મજબૂરી ભારત છોડો, સિંગલ યુઝ પ્લાસ્ટિક ભારત છોડો,ભ્રષ્ટાચાર,આતંકવાદ અને હિંસા ભારત છોડો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાજઘાટ ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું