PCB ચેરમેન એહસાન મનીએ કહ્યું- અમે ભારત સાથે રમવા તૈયાર, પરંતુ BCCIને મનાવવા ઘડીએ ઘડીએ તેની પાછળ નહિ ભાગીએ

PCB ચેરમેન એહસાન મનીએ કહ્યું- અમે ભારત સાથે રમવા તૈયાર, પરંતુ BCCIને મનાવવા ઘડીએ ઘડીએ તેની પાછળ નહિ ભાગીએ



પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન એહસાન મનીએ કહ્યું કે, પાકિસ્તાન ટીમ ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે તૈયાર છે. આ માટે તેણે ઘણી વાર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સાથે વાત પણ કરી છે, પરંતુ તે હવે ઘડીએ ઘડીએ ભારતીય બોર્ડને મનાવવા તેની પાછળ ભાગશે નહિ.

ભારત-પાકિસ્તાન શ્રેણી પર મનીએ પોડકાસ્ટ ક્રિકેટ શોમાં કહ્યું હતું કે, "હું માનું છું અને મેં BCCIને પણ કહ્યું છે કે અમે હંમેશા રમવા માટે તૈયાર છીએ. પરંતુ અમે ઘડીએ ઘડીએ તેમને મનાવવા તેમની પાછળ નહીં જઈએ. આ તેમનો નિર્ણય છે કે તેઓ રમવા તૈયાર થાય છે કે નહિ."

ફેન્સ પણમેચ જોવા ઈચ્છે છે, પરંતુ રાજકારણીઓ નહીં

મનીએ કહ્યું, "આ બહુ મોટી વાત છે. ભારત-પાકિસ્તાનની મેચને વિશ્વની અન્ય તમામ મેચો કરતા વધુ ફોલો કરવામાં આવે છે. ICC ઇવેન્ટમાં બંને દેશની મેચ હોય તો 20થી 25 કરોડ લોકો લાઇવ જોવે છે. તેથી એ સ્પષ્ટ છે કે ફેન્સ બંને દેશ વચ્ચેની મેચ જોવા માગે છે, પરંતુ કેટલાક રાજકારણીઓ તેવું થવા દેતા નથી."

અખ્તરે પણ ભારત-પાક. ચેરિટી મેચનો પ્રસ્તાવ આપ્યો હતો

તાજેતરમાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોરોનાવાયરસ સામે યુદ્ધ લડવા માટે ભારત-પાકિસ્તાન ચેરિટી મેચની વાત કરી હતી. તેને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ટેકો આપ્યો હતો.તે જ સમયે, આ પ્રસ્તાવને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને 1983 ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હતો. કપિલે કહ્યું હતું કે ભારતે લોકોના જીવન જોખમમાં નાખીને પૈસા કમાવવા જોઈએ નહીં. ભારતને પૈસાની જરૂર નથી.

2012થીદ્વિપક્ષીય શ્રેણીથઈ નથી

3 વનડે મેચની છેલ્લી વનડે દ્વિપક્ષીય શ્રેણી ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2012માં રમાઈ હતી. શ્રેણીમાં ભારતે ઘરઆંગણે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચની વાત કરીએ તો ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં બંને ટીમોની મેચ થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દર વખતેની જેમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ મેચ 89 રને જીતી હતી.





ભારતે 2019ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. -ફાઇલ ફોટો