Translate to...

NEET પીજીમાં એડમિશન માટે પર્સેન્ટાઇલ 50% સુધી ઘટાડાયા, બે રાઉન્ડના કાઉન્સેલિંગ બાદ અંદાજે 3 હજાર સીટ ખાલી




MBBS બાદ પીજીમાં ખાલી બેઠકો ભરવા સરકારે નીટ પીજીના પર્સેન્ટાઇલમાં 50% સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઓછા પર્સેન્ટાઇલવાળાને પણ NEET પીજીમાં એડમિશન મળી શકશે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)નું કામ સંભાળતા બોર્ડ ઓફ ગવર્નર્સ (BOG)ના જણાવ્યાનુસાર જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ હવે 50ના બદલે 30 પર્સેન્ટાઇલ સાથે પણ NEET પીજીમાં એડમિશન મેળવી શકશે. એસસી, એસટી અને ઓબીસીના સ્ટુડન્ટ્સ માટે પર્સેન્ટાઇલ 40થી ઘટાડીને 20 કરાયા છે. જનરલ કેટેગરીના દિવ્યાંગ સ્ટુડન્ટ્સને 25 પર્સેન્ટાઇલ પર જ નીટ પીજીમાં એડમિશન મળી શકે છે. પ્રથમ બે રાઉન્ડમાં જનરલ કેટેગરીના 50 અને રિઝર્વ કેટેગરીના 40 પર્સેન્ટાઇલવાળા સ્ટુડન્ટ્સને કાઉન્સેલિંગ માટે બોલાવાયા હતા. કાઉન્સેલિંગની પ્રોસેસ 31 જુલાઇ સુધીમાં પૂરી કરવાની છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર દેશભરમાં પીજીની અંદાજે 48 હજાર બેઠક છે, જેમાંથી 3 હજારથી વધુ બેઠકો હજુ પણ ખાલી છે. તેમાં અંદાજે 500 બેઠક ક્લિનિકલ અને બાકીની નોન-ક્લિનિકલ છે. પીજીની બેઠકો ખાનગી મેડિકલ કોલેજોમાં ખાલી છે, જેથી પર્સેન્ટાઇલ ઘટાડાયા છે.

અધિકારીએ એમ પણ કહ્યું કે પહેલેથી નિર્ધારિત પર્સેન્ટાઇલમાં 10%નો પણ ઘટાડો કરાયો હોત તો ખાલી બેઠકો ભરાઇ જાય તેમ હતી પરંતુ એમસીઆઇએ અગાઉ જે નિર્ણય લીધો હતો તેને જ બોર્ડ ઓફ ગવર્નર્સએ મંજૂરી આપી દીધી. દર વર્ષે અમુક સ્પેશિયાલિટીમાં ખાસ કરીને ખાનગી મેડિકલ કોલેજોમાં પીજીની બેઠકો ખાલી રહી જાય છે.







પ્રતિકાત્મક તસવીર.